કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલ પર ઘટાડ્યો વિન્ડફૉલ ટેક્સ, ઈંધણ કંપનીઓને ફરીથી મળી રાહત
કેન્દ્ર સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલની નિકાસ પરનો વિન્ડફૉલ ટેક્સ ઘટાડી દીધો છે. જાણો કેટલા ભાવ ઘટ્યા.
Windfall Tax Cut On Crude Oil: કેન્દ્ર સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલની નિકાસ પરનો વિન્ડફ\લ ટેક્સ હાલના રૂ. 4,900 પ્રતિ ટનથી ઘટાડીને રૂ. 1,700 પ્રતિ ટન કર્યો છે. આ માટે ગુરુવારે વિગતવાર જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(ATF) પરનો ટેક્સ પણ 5 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 1.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ બંને ટેક્સમાં ઘટાડો આજથી એટલે કે 16 ડિસેમ્બરથી અમલમાં આવશે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 1 ડિસેમ્બરે સ્થાનિક ક્રૂડ ઓઈલના વેચાણ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડીને રૂ. 4,900 પ્રતિ ટન કર્યો હતો અને પેટ્રોલ પરનો વિન્ડફોલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. ATF પરનો ટેક્સ 5 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત રાખવામાં આવ્યો હતો. આ મામલામાં નિષ્ણાતોએ કહ્યુ કે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની કિંમતો વધી અને ઓઈલ કંપનીઓ વધુ નફો કરવા લાગી. માટે સરકારે જુલાઈમાં તેમના પર વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો. હવે ક્રૂડ ઓઈલના નીચા ભાવને કારણે સરકાર ટેક્સમાં ઘટાડો કરી રહી છે.
જનતાને પ્રભાવિત નહિ કરે આ ટેક્સ
વિન્ડફૉલ ટેક્સ જનતા પર નહિ પરંતુ કંપનીઓ પર લાદવામાં આવે છે. આ તે કંપનીઓને લાગુ પડે છે જે સારી કે ખરાબ સ્થિતિમાં તરત જ લાભ મેળવે છે. જેમકે યુક્રેન અને રશિયામાં યુદ્ધ શરૂ થતાંની સાથે જ ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો. જેના કારણે ઈંધણ કંપનીઓને ઘણો નફો થયો. હવે સરકાર તેમની પાસેથી વિન્ડફૉલ ટેક્સ લેશે. ખાસ વાત એ છે કે સામાન્ય લોકો પર તેની અસર નથી થતી.
શુક્રવારે દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો યથાવત રહી હતી, જોકે નોઈડામાં પેટ્રોલ 1 પૈસા સસ્તું થયુ હતુ પરંતુ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હવે પેટ્રોલ 96.64 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.82 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યુ છે.












Click it and Unblock the Notifications
