સરકારે MCXનું નિયંત્રણ પોતાને હસ્તક લીધું
મુંબઇ, 21 ઓક્ટોબર : નેશનલ સ્પોટ એક્સચેન્જ (NSEL)માં બહાર આવેલા રૂપિયા 5,600 કરોડના કૌભાંડને લીધે કેન્દ્ર સરકારે નિષ્પક્ષ ડિરેક્ટરો અને સંસ્થાકીય ઈન્વેસ્ટરો મારફત (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ની બોર્ડનું નિયંત્રણ પોતાને હસ્તક લઇ લીધું છે. NSELની પ્રમોટર અને જિજ્ઞેશ શાહના નેતૃત્વવાળી ફાઈનાન્સિયલ ટેક્નોલોજીઝ ઈન્ડિયા લિમિટેડ એમસીએક્સમાં 26 ટકા હિસ્સો ધરાવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, એમસીએક્સમાં હવે મેનેજમેન્ટનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે અને માલિકી અંગે ટૂંક સમયમાં સ્પષ્ટ નિર્ણય લેવામાં આવશે એવી ધારણા છે. રેગ્યૂલેટર એફએમસીના આદેશ બાદ એમસીએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પદેથી શ્રીકાંત જાવલગેકરે રાજીનામું આપ્યા બાદ એફએમસીએ આ અધિકારીને એમસીએક્સની બોર્ડ ઉપરથી પણ દૂર કરવાનો આદેશ આપ્યો છે.
આ સાથે એમસીએક્સની બોર્ડ પર એફટીનું નોમિનેશન ઘટીને બે વ્યક્તિનું થયું છે અને આગળ જતા એક પણ થઈ શકે છે. હવે બધાયની મીટ એમસીએક્સની 22 ઓક્ટોબરના રોજ યોજાનીરી બોર્ડ મીટિંગ પર છે. સૂત્રોનું કહેવું છે કે સંસ્થાકીય ઈન્વેસ્ટરો એમસીએક્સમાં હિસ્સો ખરીદે અને તેને નેશનલ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જની જેમ સંસ્થાકીય રૂપ મળે એવી શક્યતાને નકારી શકાય એમ નથી.