ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર
વૈશ્વિક સ્તરે સર્જાયેલી ઉર્જા કટોકટી અને ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ વચ્ચે તેલ બજારમાં હલચલ મચી છે. અમેરિકાએ ઈરાન પરના પ્રતિબંધોમાં હંગામી છૂટ આપતા ઈરાને ભારતને ક્રૂડ ઓઈલની ઓફર કરી છે.
રોઇટર્સના અહેવાલ મુજબ નેશનલ ઈરાની ઓઈલ કંપની (NIOC) અત્યારે ભારતીય રિફાઇનરીઓ સાથે સંપર્કમાં છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ હોવાથી આ ઓફર ઘણી મહત્વની ગણાય છે.

વર્ષ 2019 પછી અમેરિકી દબાણને કારણે ભારતે ઈરાન પાસેથી ક્રૂડ તેલની કોઈ પણ ખરીદી કરી નથી. જોકે બદલાતા ભૌગોલિક સમીકરણો અને યુદ્ધની સ્થિતિને લીધે હવે નવા રસ્તાઓ ખૂલી રહ્યા છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે હોર્મુઝ સામુદ્રધુની દ્વારા થતા દરિયાઈ સપ્લાયને માઠી અસર પડી છે. જેના કારણે ભારતમાં ઈંધણ અને રાંધણ ગેસ (LPG) ની અછત સર્જાય તેવી શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીએ વર્તમાન સ્થિતિને 1970 ના દાયકા કરતા પણ વધુ ગંભીર તેલ સંકટ ગણાવ્યું છે. આ દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાની તેલની ખરીદી માટે 30 દિવસની ખાસ છૂટ આપી છે.
જોકે ઈરાન દ્વારા ભારત સામે મૂકવામાં આવેલી શરતો અત્યંત કડક અને ભારતીય કંપનીઓ માટે પડકારજનક છે. આ શરતોને લીધે ક્રૂડ ઓઈલનો આ સોદો અત્યારે ઘણો જ જટિલ દેખાઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાને બ્રેન્ટ ક્રૂડની તુલનામાં 6 થી 8 ડોલર વધુ પ્રીમિયમ ભાવની માંગણી કરી છે. આ ઉપરાંત ડિલિવરીના 7 દિવસમાં જ તમામ પેમેન્ટ ચૂકવવાની શરત પણ મૂકી છે.
ઈરાન દ્વારા મુખ્યત્વે યુએસ ડોલરમાં જ પેમેન્ટની માંગણી કરવામાં આવી રહી હોવાથી મોટી મુશ્કેલી સર્જાઈ છે. ઈરાન સ્વિફ્ટ (SWIFT) સિસ્ટમની બહાર હોવાથી ડોલરમાં વ્યવહાર કરવો તકનીકી રીતે અઘરો છે.
ભારતીય રિફાઇનરીઓ આ સોદામાં ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહી છે અને જોખમોની તપાસ કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય સંપૂર્ણપણે તેલ કંપનીઓનો રહેશે.












Click it and Unblock the Notifications
