નવા વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીનો માર: LPG સિલિન્ડરના ભાવમાં 111 રુપિયાનો વધારો, જાણો હવે કેટલી છે કિંમત?
LPG Price Hike: વર્ષ 2026ની શરૂઆત સામાન્ય જનતા માટે આર્થિક બોજ લઈને આવી છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ વર્ષના પહેલા જ દિવસે LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે. 1 જાન્યુઆરી, 2026થી દેશભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 111 રૂપિયા સુધીનો વધારો અમલી બન્યો છે. જોકે, ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે ઘરેલુ વપરાશના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ પર એક નજર
આ ભાવ વધારા બાદ દેશના મેટ્રો શહેરોમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમતો નીચે મુજબ રહેશે.
શહેર | જૂનો ભાવ (₹) | નવો ભાવ (₹) | કુલ વધારો (₹)
દિલ્હી | 1580.50 | 1691.50 | 111.00
કોલકાતા | 1684.00 | 1795.00 | 111.00
મુંબઈ | 1531.50 | 1642.50 | 111.00
ચેન્નાઈ | 1739.50 | 1849.50 | 110.00
ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ યથાવત
એક તરફ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધ્યા છે, તો બીજી તરફ 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એપ્રિલ મહિનાથી ઘરેલુ ગેસના ભાવ સ્થિર રહ્યા છે. હાલમાં દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડર ₹853, મુંબઈમાં ₹852 અને ચેન્નાઈમાં ₹868માં મળી રહ્યો છે.
નવેમ્બર-ડિસેમ્બરમાં મળી હતી રાહત
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025ના અંતિમ બે મહિનામાં ઓઇલ કંપનીઓએ ભાવમાં સામાન્ય ઘટાડો કરીને જનતાને રાહત આપી હતી. નવેમ્બરમાં ભાવમાં ઘટાડો થયા બાદ, 1 ડિસેમ્બરે પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹10 થી ₹11નો ઘટાડો કરાયો હતો. પરંતુ નવા વર્ષની શરૂઆતમાં જ કંપનીઓએ ભાવ વધારીને ગત મહિનાઓની રાહત પર પાણી ફેરવી દીધું છે.
વધારો કેમ ચિંતાજનક?
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધવાથી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ પર મળતી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. બહાર જમવું અથવા નાસ્તો કરવો હવે સામાન્ય માણસના ખિસ્સા પર વધુ ભાર નાખશે.












Click it and Unblock the Notifications
