
LPG price hike : LPG ગેસના ભાવમાં વધારો, કોમર્શિયલ સિલિન્ડર રૂપિયા 105 મોંઘો થયો
LPG price hike : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ભારતને તેની પહેલી મોટી અસર જોવા મળી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો થયો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયા અને કોલકાતામાં 108 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 5 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ 27 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે સારી વાત એ છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. આ વધારા સાથે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2012 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 5 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 569 રૂપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં દર મહિને ફેરફાર કરવામાં આવે છે.
મહત્વની વાત એ છે કે, નેશનલ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગયા મહિને 1 ફેબ્રુઆરીએ 19 કિલો કોમર્શિયલ ગેસના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.