ભારતમાં 2015માં સ્ટીલ અને લોખંડ સેક્ટરમાં કેમ તેજી જોવા મળશે?
અમદાવાદ, 30 ડિસેમ્બર : ભારત વિશ્વમાં વાર્ષિક 71 મિલિયન ટન લોખંડ અને સ્ટીલના ઉત્પાદન સાથે દુનિયાનો ચોથા નંબરનો દેશ છે અને ખૂબ ઝડપથી ઉત્પાદનની દ્રષ્ટિએ બીજા નંબરના સ્થાન તરફ આગળ વધી રહ્યો છે.
સ્ટીલ અને આયર્ન સેક્ટર અંગે પ્રાપ્ત આંકડા સૂચવે છે કે વર્ષ 2020 સુધીમાં ભારત વાર્ષિક 200 મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતો થઈ જશે. કેન્દ્ર સરકારની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટેની જંગી યોજનાઓના લીધે 2015માં લોખંડ અને સ્ટીલની પ્રબળ માંગ ઊભી થશે જે સમગ્ર ઉદ્યોગ માટે વિકાસનું ચાવીરૂપ પરિબળ બની રહેશે.
ભારતમાં સ્ટીલ ઉદ્યોગનું ભાવિ ખૂબ ઉજ્જવળ છે. સ્ટીલ સેક્ટરમાં આગામી મહિનાઓમાં બુલિશ ટ્રેન્ડ શા માટે જોવા મળી શકે છે તેના કારણો આ મુજબ છે...

1. સ્ટીલની માંગમાં સતત વધારો
વર્લ્ડ સ્ટીલ એસોસિયેશનના જણાવ્યા મુજબ 2015માં સ્ટીલની માંગનો વૃદ્ધિ દર ભારતમાં 4.5 ટકા રહેશે. સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખર્ચ હાલના પાંચ ટકાથી વધારીને 2017 સુધીમાં 10 ટકા સુધી લઈ જવાની યોજના બનાવી છે. 12મી પંચવર્ષીય યોજના દરમિયાન ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એક ટ્રિલિયન ડોલરનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

2. ટેકનિકલ સોલ્યુશન્સની મદદ મળશે
આ અંગે લોહાલાઈવ ડોટ કોમના ચિરાગ શાહનું કહેવું છે કે હાલ આ ઉદ્યોગ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે અને 2015નું વર્ષ લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ જગત માટે ટેકનોલોજીકલ સોલ્યુશન્સ થકી નવી આશાનું કિરણ લઈને આવશે. ઈ-કોમર્સના વધતા જતા વ્યાપનો લાભ લોખંડ અને સ્ટીલ ઉદ્યોગને પણ મળશે અને ભારત જ નહીં વિશ્વભરમાં તે આ ઉદ્યોગના વિકાસને મોટું પ્રોત્સાહન આપતું પરિબળ બની રહેશે.

3. નિકાસ વધશે
સમગ્ર વિશ્વમાં વસ્તી વધારો થઈ રહ્યો છે ત્યારે જાહેર પરિવહન માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે સ્ટીલની મોટી જરૂરિયાત ઊભી થઈ છે. ઊભરતા અર્થતંત્રો પણ માંગનું મોટું પરિબળ બની રહેશે કારણ કે શહેરીકરણ તથા ઔદ્યોગિકીકરણ માટે સ્ટીલની મોટી જરૂરિયાત ઊભી થશે. આ ક્ષેત્રમાં આગામી વર્ષોમાં રૂ. બે ટ્રિલિયન (33.06 અબજ અમેરિકી ડોલર) જેટલું રોકાણ થાય તેવી શક્યતા છે.

4. રોજગાર દાતા ઉદ્યોગ
2013-14માં ભારત વિશ્વના સ્ટીલનું ઉત્પાદન કરતા ટોચના 10 દેશોમાં વિકાસની દ્રષ્ટિએ બીજા નંબરના સ્થાને પહોંચ્યો છે અને ચોખ્ખો નિકાસકાર દેશ બન્યો છે. ઉત્પાદનમાં ઝડપી વૃદ્ધિના લીધે ભારત વિશ્વમાં ક્રૂડ સ્ટીલનો ચોથા નંબરનો સૌથી મોટો ઉત્પાદક અને સ્પોન્જ આયર્નનો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે. ફેબ્રુઆરી 2014માં ભારતમાં સ્ટીલના ઉત્પાદનનો વૃદ્ધિ દર અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીએ 4.8 ટકા જેટલો રહ્યો હતો. સ્ટીલ ઉદ્યોગ દેશના કુલ જીડીપીમાં લગભગ બે ટકાનો ફાળો આપે છે અને લગભગ પાંચ લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.

5. વૈશ્વિક પરફોર્મન્સ કરતા પણ સવાયું પરફોર્મન્સ
2011માં ભારતના સ્ટીલ સેક્ટરનું કુલ બજાર મૂલ્ય 57.8 અબજ ડોલર હતું જે 2016 સુધીમાં 95.3 અબજ ડોલરે પહોંચે તેવી શક્યતા છે. વર્લ્ડ સ્ટીલ એસોસિયેશનના જણાવ્યા મુજબ 2014માં ભારતની સ્ટીલની માંગ વૈશ્વિક ત્રણ ટકાની માંગની સામે 3.3 ટકા જેટલી વધશે.

6. આયાત ઘટી, નિકાસ વધી
સ્ટીલ મંત્રાલયની જોઈન્ટ પ્લાન્ટ કમિટિના જણાવ્યા મુજબ એપ્રિલ-માર્ચ 2013-14માં ભારતનો કુલ ફિનિશ્ડ સ્ટીલ વપરાશ વાર્ષિક ધોરણે 0.6 ટકા વધીને 73.93 મિલિયન ટન થયો હતો.
બાંધકામ ક્ષેત્રનો હિસ્સો દેશની કુલ સ્ટીલ માંગના લગભગ 60 ટકા જેટલો છે જ્યારે ઓટોમોબાઈલ ઉદ્યોગનો હિસ્સો 15 ટકા છે. 2013-14માં ભારત સ્ટીલનો ચોખ્ખો નિકાસકાર દેશ બન્યો હતો અને 2014-15માં આ ગતિ જળવાઈ રહે તેવી શક્યતા છે. 2013-14માં ભારત દ્વારા સ્ટીલની કુલ નિકાસ 5.59 મિલિયન ટન હતી જેની સામે કુલ આયાતો 5.44 મિલિયન ટન હતી.
ભારતથી આયર્ન ઓરની નિકાસ ઓક્ટોબર-ડિસેમ્બર, 2013 દરમિયાન 253 ટકા વધીને 3.75 મિલિયન ટન રહી હતી જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 1.06 મિલિયન ટન હતી.












Click it and Unblock the Notifications
