Exclusive Fact : ‘નમો’ નથી, ‘બીજેપી’ હતાં ગુજરાતના ‘સફળ મુખ્યમંત્રી’!!!

By કન્હૈયા કોષ્ટી
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 એપ્રિલ : નરેન્દ્ર મોદી ભારતીય જનતા પક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર છે અને તેમને આ મુકામો પહોંડવામાં કોઈનો સૌથી મોટો ફાળો હોય, તો તે ગુજરાત છે. ગુજરાતની પ્રજાએ જો નરેન્દ્ર મોદીને ત્રણ-ત્રણ વાર વિધાનસભા ચૂંટણીઓમાં બહુમતી ન આપી હોત, તો કદાચ નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદની રેસમાં લાલકૃષ્ણ અડવાણી સહિતના વરિષ્ઠ નેતાઓને ઓળંગી સૌથી આગળ ન નિકળી શક્યા હોત. મોદી ગુજરાતના જે વિકાસના દાવાઓ આગળ ધરી દેશના વડાપ્રધાન તરીકે સૌથી મનપસંદ ઉમેદવાર બન્યાં છે, તે દાવાઓ તેઓ ન કરી શક્યા હોત, જો તેમને ગુજરાતની પ્રજાએ ત્રણ-ત્રણ વાર બહુમતી ન આપી હોત.

આમ કહી શકાય કે નરેન્દ્ર મોદી માટે ગુજરાત પ્લસ પૉઇંટ છે, પરંતુ જે ભાજપે ગુજરાતમાં ત્રણ વખથ ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેના ઉમેદવાર જાહેર કર્યા છે, તેના માટે નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીઓમાં પ્લસ પૉઇંટ સાબિત થયા છે ખરા? ઇતિહાસ ચકાસતા આ સવાલનો જવાબ નામાં મળે છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રિત્વ કાળ દરમિયાન થયેલ ત્રણ લોકસભા ચૂંટણીઓમાં ભાજપે વિધાનસભા ચૂંટણીઓ કરતા નબળું પ્રદર્શન જ કર્યું છે. વિધાનસભા ચૂંટણીઓ જ નહીં, પણ અગાઉના ભાજપી મુખ્યમંત્રીઓ કરતાં પણ મોદીનું પ્રદર્શન નબળુ રહ્યું છે.

પૃથક ગુજરાતની સ્થાપના બાદ એટલે કે 1960 બાદ 2009 સુધી યોજાયેલ લોકસભાની 13 ચૂંટણીઓ દરમિયાન જે તે મુખ્યમંત્રીઓના પક્ષે કરેલા પ્રદર્શન ઉપર નજર નાંખીએ, તો સૌથી લાંબુ શાસન કરનાર નરેન્દ્ર મોદીનું સ્થાન ચોથુ આવે છે. આ બાબતમાં સૌથી સફળ મુખ્યમંત્રી નમો નહીં, પણ બીજેપી એટલે હતાં. જો જો રખે ચૂકતાં. અહીં બીજેપીનો મતલબ ભારતીય જનતા પક્ષ નહીં, પણ બાબુભાઈ જશભાઈ પટેલ છે કે જેઓ કોંગ્રેસ પક્ષના હતાં અને તેમના મુખ્યમંત્રિત્વ કાળમાં યોજાયેલ લોકસભા ચૂંટણી 1980માં કોંગ્રેસ પક્ષને ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો મળી હતી.

ચાલો તસવીરો સાથે જોઇએ ગુજરાતમાં લોકસભા ચૂંટણીઓ દરમિયાન જે તે મુખ્યમંત્રીઓના પક્ષે મેળવેલી બેઠકો :

લોકસભા ચૂંટણી 1962

લોકસભા ચૂંટણી 1962

1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ પહેલી વખત લોકસભા ચૂંટણી 1962 યોજાઈ. આ ચૂંટણી વખત રાજ્યમાં કોંગ્રેસનું શાસન હતું અને જીવરાજ મહેતા મુખ્યમંત્રી હતાં. આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને 22માંથી 16 બેઠકો મળી હતી. એનજેપી તથા પીએસપીને 1-1 બેઠકો હાસલ થઈ હતી. આમ પહેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને મજબૂત સ્થાન અપાવ્યુ હતું જીવરાજ મહેતાએ.

લોકસભા ચૂંટણી 1967

લોકસભા ચૂંટણી 1967

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 1967 વખતે પણ કોંગ્રેસ પક્ષ જ સત્તા પર હતો અને હિતેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રી હતાં. આ ચૂંટણીમાં કોંગ્રેસની પરિસ્થિતિ ગબડી હતી અને તેની બેઠકોની સંખ્યા ઘટીને 11 થઈ ગઈ હતી. આ ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષ 12 બેઠકો સાથે પહેલા સ્થાને રહ્યો હતો, જ્યારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. આમ પૃથક ગુજરાતમાં હિતેન્દ્રભાઈ દેસાઈનું આ સૌથી નબળુ પ્રદર્શન હતું.

લોકસભા ચૂંટણી 1977

લોકસભા ચૂંટણી 1977

ઇમર્જંસી બાદ યોજાયેલ લોકસભા ચૂંટણી 1977માં દેશ ભરમાં કોંગ્રેસ વિરોધી જુવાળ હતો. ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં હતી અને માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતાં. દેશવ્યાપી કોંગ્રેસ વિરોધી લહેરના પગલે ભારતીય લોકદળ એટલે કે બીએલડીને 26માંથી 16 બેઠકો હાસલ થઈ અને સત્તાપક્ષ કોંગ્રેસ અત્યાર સુધીની સૌથી ઓછી એટલે કે 10 બેઠકો પર સંકોચાઈ ગયો હતો.

લોકસભા ચૂંટણી 1980

લોકસભા ચૂંટણી 1980

કેન્દ્રમાં બિનકોંગ્રેસી સરકારની અસ્થિરતા વચ્ચે 1980માં પુનઃ લોકસભા ચૂંટણી થઈ. આ ચૂંટણી વખતે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ જ સત્તામાં હતો અને મુખ્યમંત્રી તરીકે બાબુભાઈ જશભાઈ પટેલ હતાં. દેશવ્યાપી કોંગ્રેસ સમર્થિત લહેરમાં ગુજરાત પણ જોડાયું અને કોંગ્રેસને 26માંથી 25 બેઠકો હાસલ થઈ. આમ કહી શકાય કે બીજેપી એટલે કે બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના અત્યાર સુધીના સૌથી સફળ મુખ્યમંત્રી હતાં કે જેમના કાર્યકાળમાં સત્તાપક્ષે આટલી મોટી સફળતા હાસલ કરી. આ ચૂંટણીમાં જેએનપીને એક બેઠક હાસલ થઈ હતી.

લોકસભા ચૂંટણી 1984

લોકસભા ચૂંટણી 1984

લોકસભા ચૂંટણી 1984 વખતે દેશમાં ઇંદિરા ગાંધીની હત્યાના પગલે કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ લહેર હતી. આ ચૂંટણી વખતે ગુજરાતમાં સત્તા ઉપર કોંગ્રેસ પક્ષ હતો અને મુખ્યમંત્રી હતા માધવસિંહ સોલંકી. આ ચૂંટણીમાં પહેલી વાર ભાજપ પણ મેદાનમાં હતો, પરંતુ ઇંદિરા લહેરના પગલે કોંગ્રેસ પક્ષને ગુજરાતની 26માંથી 24 બેઠકો હાસલ થઈ. આ ચૂંટણીમાં ભાજપે ખાતુ ખોલતા 1 અને જનતા પાર્ટીએ 1 બેઠક હાસલ કરી હતી. આમ કહી શકાય કે માધવસિંહ સોલંકી ગુજરાતના બીજા સૌથી સફળ મુખ્યમંત્રી હતાં કે જેમના કાર્યકાળ દરમિયાન પક્ષને 24 બેઠકો હાસલ થઈ હતી. જોકે તેઓ બીજેપીને તો ન જ આંબી શક્યાં.

લોકસભા ચૂંટણી 1989

લોકસભા ચૂંટણી 1989

દેશમાં પુનઃ એક વાર કોંગ્રેસ વિરોધી લહેર ચાલી હતી. સત્તા પરિવર્તનના પવન વચ્ચે લોકસભા ચૂંટણી 1989 યોજાઈ. આ ચૂંટણી વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી અને માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતાં. રાષ્ટ્રીય કક્ષાની જેમ ગુજરાત કક્ષાએ પણ ભાજપ અને જનતા દળ યુતિ બનાવીને ચૂંટણી મેદાને ઉતર્યા હતાં. આ ચૂંટણીમાં કોંગ્રેસને 26માંથી માત્ર 3 બેઠકો હાસલ થઈ અને કોંગ્રેસ પક્ષનું અત્યાર સુધીનુ સૌથી નબળું પ્રદર્શન રહ્યું. આમ લોકસભા ચૂંટણી સંદર્ભે માધવસિંહ સોલંકી ગુજરાતના અત્યાર સુધીના સૌથી નબળા મુખ્યમંત્રી સાબિત થયાં. બીજી બાજુ ભાજપને 12 અને જનતા દળને 11 બેઠકો હાસલ થઈ.

લોકસભા ચૂંટણી 1991

લોકસભા ચૂંટણી 1991

લોકસભા ચૂંટણી 1991 વખતે ગુજરાતમાં ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતાં. ચિમનભાઈ મુખ્યમંત્રી તો બન્યા હતાં ભાજપ-જનતા દળ ગઠબંધનના, પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ આ ગઠબંધન તૂટ્યા બાદ ચિમનભાઈ કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી તરીકે જળવાઈ રહ્યા હતાં. જોકે પ્રજાને આ ગઠબંધન કદાચ મંજૂર નહોતું અને એટલે જ આ ચૂંટણીમાં પ્રજાએ કોંગ્રેસ વિરુદ્ધ જોરદાર ચુકાદો આપતા ભાજપને 20 બેઠકો આપી હતી. કોંગ્રેસને માત્ર 5 બેઠકો હાસલ થઈ હતી, જ્યારે ચિમનભાઈ પટેલના પક્ષ જનતા દળ ગુજરાતે માત્ર એક બેઠક જીતી હતી. આમ કહી શકાય કે સત્તાપક્ષ તરીકે માત્ર એક બેઠક હાસલ કરનાર ચિમનભાઈ અત્યાર સુધીના સૌથી નિષ્ફળ મુખ્યમંત્રી સાબિત થયા હતાં.

લોકસભા ચૂંટણી 1996

લોકસભા ચૂંટણી 1996

લોકસભા ચૂંટણી 1996 આવતા સુધી ગુજરાતમાં ઘણી રાજકીય ઉથલપાથલ થઈ ચુકી હતી. રાજ્યમાં પહેલી વાર ભાજપની સરકાર બની ચુકી હતી, પરંતુ માત્ર સાત જ મહીનામાં ભાજપમાં થયેલ બળવાના પગલે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કરી કેશુભાઈના સ્થાને સુરેશ મહેતા મુખ્યમંત્રી તરીકે આવી ચુક્યા હતાં. આ ચૂંટણી વખતે મુખ્યમંત્રી તરીકે સુરેશ મહેતા હતાં અને ભાજપમાં આંતરિક ડખાની અસર ચૂંટણીમાં પણ વરતાઈ. ભાજપને આ ચૂંટણીમાં માત્ર 16 બેઠકો હાસલ થઈ કે જે ગત ચૂંટણી કરતા 5 ઓછી હતી. બીજી બાજુ કોંગ્રેસે 10 બેઠકો હાસલ કરી. આમ સુરેશ મહેતાના મુખ્યમંત્રિત્વ કાળમાં સત્તાપક્ષને આંચકો લાગ્યો હતો. આમ સુરેશ મહેતાનું ખરાબ પ્રદર્શન રહ્યુ હતું.

લોકસભા ચૂંટણી 1998

લોકસભા ચૂંટણી 1998

લોકસભા ચૂંટણી 1998 વખતે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય જનતા પાર્ટી એટલે કે રાજપાની કોંગ્રેસના ટેકાવાળી સરકાર હતી અને મુખ્યમંત્રી તરીકે દિલીપભાઈ પરીખ હતાં. આ ચૂંટણીમાં પ્રજાએ વાઘેલા દ્વારા કેશુભાઈ પટેલ પ્રત્યે કરવામાં આવેલ બળવાને તેમની સાથે અન્યાય ગણ્યો અને ભાજપને 26માંથી 19 બેઠકો ઉપર વિજય અપાવ્યો, જ્યારે કોંગ્રેસની બેઠકો ઘટીને 7 થઈ ગઈ. સૌથી મહત્વની બાબત એ હતી કે આ ચૂંટણીમાં સત્તાપક્ષ રાજપાને એક પણ બેઠક ન મળી. આમ હવે દિલીપ પરીખ ગુજરાતના સૌથી નિષ્ફળ મુખ્યમંત્રી બની ચુક્યા હતાં. તેમના નામે શૂન્ય બેઠક હાસલ કરવાનો એવો રેકૉર્ડ સ્થપાઈ ગયો કે જે કદાચ કોઈ જ નહીં તોડી શકે. હા, તેની બરાબરી કોઈ પણ કરી શકશે.

લોકસભા ચૂંટણી 1999

લોકસભા ચૂંટણી 1999

લોકસભા ચૂંટણી 1999 વખતે ગુજરાતમાં ભાજપની સરકાર હતી અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતાં. ભાજપના મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ યોજાયેલ આ પહેલી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં ભાજપે 26માંથી 20 બેઠકો હાસલ કરી, જ્યારે કોંગ્રેસની બેઠક 6 રહી ગઈ. આમ કેશુભાઈ પટેલ ગુજરાતના ત્રીજા સૌથી સફળ મુખ્યમંત્રી સાબિત થયાં કે જેમણે બાબુભાઈ જશભાઈ પટેલના 25 તથા માધવસિંહ સોલંકીના 24 બેઠકોના રેકૉર્ડ બાદ મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ 20 બેઠકો હાસલ કરી.

લોકસભા ચૂંટણી 2004

લોકસભા ચૂંટણી 2004

લોકસભા ચૂંટણી 2004 આવતા સુધી ગુજરાતમાં ઘણી રાજકીય ઉથલપાથલ થઈ ચુકી હતી. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે ખસેડાઈ ચુક્યા હતાં. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બની ચુક્યા હતાં અને તેમણે વિધાનસભા ચૂંટણી 2002 દ્વારા નવો જનાદેશ પણ લઈ લીધો હતો. વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના શાનદાર પ્રદર્શન બાદ સૌને લાગતુ હતું કે તેમના નેતૃત્વ હેઠળ લોકસભા ચૂંટણી 2004માં ગુજરાત ભાજપ કોઈ નવો જ રેકૉર્ડ સ્થાપિત કરશે, પરંતુ એવુ ન થયું. આ ચૂંટણીમાં ભાજપને માત્ર 14 બેઠકો જ હાસલ થઈ. આમ નરેન્દ્ર મોદી ભાજપના સૌથી નબળા મુખ્યમંત્રી સાબિત થયાં, તો કોંગ્રેસ ફાઇટ બૅક કરતાં 12 બેઠકો હાસલ કરવામાં સફળ રહી. જે ભાજપ અગાઉની લોકસભા ચૂંટણીઓમાં 19-20 બેઠકો હાસલ કરતો હતો, તેને મોદીના નેતૃત્વ હેઠળ માત્ર 14 જ બેઠકો મળી.

લોકસભા ચૂંટણી 2009

લોકસભા ચૂંટણી 2009

લોકસભા ચૂંટણી 2009 વખતે પણ ગુજરાતમાં ભાજપની સરકાર હતી અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં. સોળ માસ પહેલા જ વિધાનસભા ચૂંટણી 2007માં શાનદાર પ્રદર્શન કરી સતત બીજી વાર બહુમતી મેળવનાર નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપને ગુજરાતમાં 20 બેઠકો મળવાની આશા હતી, પરંતુ પ્રજાએ પુનઃ 2004વાળી કરી અને ભાજપને માત્ર 15 જ બેઠકો હાસલ થઈ. આમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપને બીજી વાર ફટકો પડ્યો. કોંગ્રેસને 11 બેઠકો હાસલ થઈ. જોકે 2004 કરતા પ્રદર્શનમાં સુધારો કહી શકાય, પરંતુ નરેન્દ્ર મોદીના કદ મુજબ તો તે ભાજપની નિષ્ફળતા જ ગણાય.

લોકસભા ચૂંટણી 2014

લોકસભા ચૂંટણી 2014

લોકસભા ચૂંટણી 2014ની પ્રક્રિયા હવે શરૂ થઈ ચુકી છે અને આ વખતે પણ સતત ત્રીજી વાર ગુજરાતમાં ભાજપની સરકાર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચૂંટણીઓ થઈ રહી છે. નરેન્દ્ર મોદીએ હજી સોળ માસ પહેલા જ વિધાનસભા ચૂંટણી 2012માં શાનદાર પ્રદર્શન કરી બહુમતીની હૅટ્રિક લગાવી છે અને એના જ બળે તેઓ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા છે, પરંતુ જ્યાં સુધી વાત ગુજરાતની છે, તો ભલે મોદી માટે ગુજરાત પ્લસ પૉઇંટ સાબિત થયો હોય, પણ છેલ્લા બે વખતના રેકૉર્ડ ઉપરથી તો સ્પષ્ટ છે કે ગુજરાત ભાજપ માટે મોદી પ્લસ પૉઇંટ સાબિત થવામાં નિષ્ફળ રહ્યાં છે. મોદી માટે આ વખતની ચૂંટણી દેશની દૃષ્ટિએ જ નહીં, પણ ગુજરાતની દૃષ્ટિએ પણ મહત્વની છે. મોદી માટે ગુજરાતમાં ભાજપને 20+ બેઠકો અપાવવાનો પડકાર છે અને તેમના સતત ખરાબ ઇતિહાસને સુધારવા માટેની કસોટી પણ છે.

English summary
Gujarat is plus point for Narendra Modi as he posted three consecutive wins from here, on other hand the state has negative aspect as BJP did not performed well under Modi in Lok Sabha Elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X