
ગૅંગસ્ટર ધરાવતી ફિલ્મો મારા માટે લકી : કંગના
મુંબઈ, 15 મે : બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવત પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી શૂટઆઉટ એટ વડાલા ફિલ્મની સફળતાથી ખૂબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે ગૅંગસ્ટર ધરાવતી ફિલ્મો તેમના માટે કાયમ લકી રહી છે. સંજય ગુપ્તા દિગ્દર્શિત શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ ગૅંગસ્ટર માન્યા સુર્વેના જીવન પર આધારિત છે કે જેમાં જ્હૉન અબ્રાહમે માન્યા સુર્વેની ભૂમિકા ભજવી છે.
કંગનાએ એસ એ ડબ્લ્યૂ ફિલ્મની સકેસ્સ પાર્ટી દરમિયાન જણાવ્યું - મને લાગે છે કે ગૅંગસ્ટર ધરાવતી ફિલ્મો મારા માટે લકી છે. 2006માં મારી પ્રથમ ફિલ્મ ગૅંગસ્ટર પણ સફળ થઈ હતી. પછી વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ તથા હવે શૂટઆઉટ એટ વડાલા પણ સફળ રહી.
કંગના રાણાવતે રાઝ : ધ મિસ્ટ્રી કન્ટીન્યુઝ, ડબલ ધમાલ તથા તનુ વેડ્સ મનુ જેવી રોમાંટિક અને હાસ્ય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. શૂટઆઉટ એટ વડાલાના પ્રમોશનમાં પ્રિયંકા ચોપરા, સન્ની લિયોન તથા સોફી ચૌધરીને વધુ મહત્વ અપાયા અંગે કંગનાએ જણાવ્યું - આ નિર્ણય નિર્માતાનો છે કે તેઓ ફિલ્મનું પ્રચાર કઈ રીતે કરે. હું 17 વરસની ઉંમરથી કામ કરી રહી છું અને બૉલીવુડમાં મારા સાત વરસ પૂરા થયાં છે. આટલા અનુભવ બાદ આપણને પ્રતીતિ થઈ જાય છે કે ફિલ્મો આવે ને જાય, ફિલ્મો જ બધું નથી, આપણું પોતાનું અંગત જીવન પણ હોય છે.