કમલને જોરદાર ઝાટકો, વિશ્વરૂપમ ઉપર 4થી સુધી રોક
ચેન્નઈ, 30 જાન્યુઆરી : મદ્રાસ હાઈકોર્ટે કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમ સામે 4થી ફેબ્રુઆરી સુધી વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. એક બાજુ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા કમલ હસને દેશ છોડવાની ધમકી આપ્યા બાદ સમજૂતી માટે તૈયારી દર્શાવી છે, તો બીજી બાજુ મદ્રાસ હાઈકોર્ટના આ મનાઈ હુકમથી કમલને જોરદાર ઝાટકો લાગ્યો છે.

મદ્રાસ હાઈકોર્ટની સિંગલ બેંચે મંગળવારે બપોરે વિશ્વરૂપમ ફિલ્મને બેંગલુરૂના 12 થિયેટરોમાં રજુ કરવાની મંજૂરી આપી હતી અને મોડી રાત્રે ફિલ્મ ઉપરના પ્રતિબંધને ગેરકાયેદસર ઠેરવી તેને મંજૂરી આપી દીધી હતી. જોકે તામિળનાડુ સરકારે આ ચુકાદાને હાઈકોર્ટની ડબલ બેંચ સમક્ષ પડકાર્યો હતો. તેની ઉપર બુધવારે સવારે શરૂ થયેલી સુનાવણીને અંતે હાઈકોર્ટે વિશ્વરૂપમ સામે 4થી ફેબ્રુઆરી સોમવાર સુધી વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટના આ ચુકાદાથી કમલ હસનને મોટો ફટકો પડ્યો છે.
આ અગાઉ સો કરોડના ખર્ચે બનેલી ફિલ્મને ઘોંચમાંથી બહાર કાઢવાના પ્રયાસરૂપે કમલ હસને જણાવ્યું હતું કે તેઓ વિશ્વરૂપમ ફિલ્મ સામે વાંધો કરી રહેલાં મુસ્લિમ સંગઠનો સાથે વાતચીત કરવા તૈયાર છે અને વાંધાજનક દૃશ્યો ફિલ્મમાંથી કાપવા પણ તૈયાર છે.
આ અગાઉ કમલ હસને મદ્રાસ હાઈકોર્ટ દ્વારા તેમની ફિલ્મ ઉપર લગાવાયેલ પ્રતિબંધ ઉઠાવી લીધા બાદ પણ તામિળનાડુ સરકારે તેને ડબલ બેંચમાં પડકારતાં દેશ છોડવાની ધમકી આપી હતી. કમલ હસને જણાવ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે, તો તેઓ દેશ છોડવાની હદે પણ જઈ શકે છે.












Click it and Unblock the Notifications
