મૌસમી ચેટર્જી સામે માનહાનિનો કેસ કરશે જમાઈ ડિકી સિન્હા
અભિનેત્રી મૌસમી ચેટર્જીના જમાઈ ડિકી સિન્હાએ કહ્યુ છે કે તેમના સાસુએ તેમના પર ખોટા આરોપ લગાવ્યા છે. જેના માટે તે મૌસમી સામે માનહાનિનો કેસ કરશે. ડિકીના લગ્ન મૌસમીની દીકરી પાયલ સાથે થયા હતા. પાયલનુ બિમારી બાદ થોડા સમય પહેલા નિધન થઈ ગયુ હતુ. પાયલની બિમારીને સમયે ચેટર્જીએ જમાઈ પર દીકરી સાથે ખરાબ વર્તન અને બીજા ઘણા આરોપ લગાવ્યા હતા.
ડાયાબિટીઝથી પીડિત પાયલ જ્યારે પોતાની બિમારી સામે લડી રહી હતી ત્યારે મૌસમીએ કહ્યુ હતુ કે જમાઈ દીકરીનો વ્યવસ્થિત ઈલાજ નથી કરાવી રહ્યા. આના માટે મૌસમી કોર્ટમાં પણ ગઈ હતી. પાયલના નિધન બાદ મૌસમીએ કહ્યુ હતુ કે પાયલના આરોગ્યને નજરઅંદાજ કરીને તેની દવાઓના બિલ ન ભરવા માટે તે ડિકી અને તેના ઘરવાળા સામે કેસ કરશે.
ડિકીએ કહ્યુ છે કે મૌસમી જૂઠ બોલી રહ્યા છે. તે પાયલને જોવા સુદ્ધા નથી આવ્યા અને હવે આ બધી વાતો કહી રહ્યા છે. ડિકીએ કહ્યુ, હું ચૂપ હતો કારણકે હું મારી બિમાર પત્નીની દેખરેખમાં લાગેલો હતો. અમુક રસમો પૂરી કરવાની છે જેમાં થોડો સમય લાગશે. 40 દિવસ બાદ મારે પાયલના અસ્થિઓને ગંગામાં વહાવવા માટે ત્રિવેણી સંગમ જવાનુ છે. ત્યારબાદ જાન્યુઆરીમાં મૌસમી ચેટર્જી સામે માનહાનિનો કેસ કરીશ. પાયલે 2010માં બિઝનેસમેન ડિકી સિન્હા સાથે લગ્ન કર્યા હતા. મૌસમી ચેટર્જી અભિનેત્રી હોવા સાથે નેતા પણ છે. લોકસભા ચૂંટણી પહેલા તેમણે ભાજપ જોઈન કર્યુ છે. આ પહેલા 2004માં મૌસમીએ બંગાળથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે જેમાં તે હારી ગયા હતા.
આ પણ વાંચોઃ Video: જ્યારે સિક્યોરિટી તોડીને દોડતો પ્રિયંકા ગાંધીના મંચ પર પહોંચ્યો આ વ્યક્તિ...