
દુઆઓની થઈ રહી છે અસર, અફવાઓ પર ધ્યાન ન આપો', રાજૂ શ્રીવાસ્તવમાં ભાઈએ ફેન્સને કરી અપીલ
મુંબઈઃ હાલમાં જ કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવની તબિયત વિશે અપડેટ આવ્યુ હતુ કે તેમની તબિયત વધુ ખરાબ થઈ રહી છે. આ સાથે તેમના બ્રેઈન ડેડના સમાચાર પણ હેડલાઈન્સમાં હતા. જો કે આ તમામ અહેવાલો પર પૂર્ણવિરામ મૂકતા રાજૂ શ્રીવાસ્તવના પરિવારે લોકોને તેમના સ્વાસ્થ્યના અપડેટ આપ્યા છે. રાજૂ હજુ પણ દિલ્લીની AIIMS હોસ્પિટલમાં દાખલ છે અને કૉમેડિયન વિશે સોશિયલ મીડિયા પર ઉડી રહેલી અફવાઓ વચ્ચે તેના પરિવારનુ નિવેદન સામે આવ્યુ છે. રાજૂના ભાઈ દીપુ શ્રીવાસ્તવે ભાઈની હેલ્થ અપડેટ આપતા ચાહકોને ખાસ અપીલ પણ કરી છે.

10 દિવસથી એડમિટ છે કૉમેડિયન
રાજૂ શ્રીવાસ્તવ છેલ્લા 10 દિવસથી દિલ્લીની AIIMS હોસ્પિટલમાં દાખલ છે. કૉમેડિયનની તબિયતને લઈને દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. ભૂતકાળમાં તેમની ખરાબ તબિયતના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા. આવી સ્થિતિમાં હવે તેમના સ્વાસ્થ્યને લઈને પરિવારનુ નિવેદન સામે આવ્યુ છે.

શું કહ્યુ દીપુ શ્રીવાસ્તવે?
રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને તેમના ભાઈ દીપુ શ્રીવાસ્તવે ફેન્સ સાથે એક અપડેટ શેર કરી છે. દીપુએ ચાહકોની પ્રાર્થના અને દુઆઓ માટે આભાર માન્યો હતો. એક વીડિયો સંદેશમાં દીપુ શ્રીવાસ્તવે કહ્યુ કે તે હજુ પણ હૉસ્પિટલમાં છે પરંતુ તેમને વિશ્વાસ છે કે ચાહકોની પ્રાર્થના જલ્દી કામ આવશે. અમને ઘણી સારી સુવિધાઓ મળી રહી છે. રાજૂના ઈલાજ માટે પ્રોફેશનલ ડૉક્ટરોની ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે.

અફવાઓનુ કર્યુ ખંડન, રાજૂને ગણાવ્યા ફાઈટર
રાજૂના ભાઈ દીપુએ હાસ્ય કલાકારની તબિયત અંગેની અફવાઓને નકારી કાઢી છે અને આવી બધી અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી છે. દીપુએ ચાહકોને પ્રાર્થના કરતા રહેવાની અપીલ કરી છે. રાજૂને ભાઈ દીપુએ ફાઈટર ગણાવ્યા હતા. તેમણે કહ્યુ કે તે જલ્દી સાજા થઈ જશે અને આ યુદ્ધ જીતીને પાછા આવશે અને તેમની કૉમેડીથી બધાનુ મનોરંજન કરશે.

જીમમાં આવ્યો એટેક
તમને જણાવી દઈએ કે 10 ઓગસ્ટના રોજ રાજૂ શ્રીવાસ્તવને જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. જેના પછી તેમના ટ્રેનર તેમને હૉસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યારથી કૉમેડિયનને દિલ્લીની AIIMS હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.