
છીછોરે ફિલ્મ રિવ્યુ: કૉલેજ લાઈફ તાજી કરવા સાથે પાવરફુલ સંદેશો આપે છે
ફિલ્મ 'દંગલ'ની સફળતા બાદ નિતેશ તિવારીની આગામી ફિલ્મની બધા જ રાહ જોઈ રહ્યા હતા. 'છીછોરે' દર્શકોની અપેક્ષા પર ખરી ઉતરી છે. કૉલેજ અને હૉસ્ટેલની યાદોને તાજી કરતી આ ફિલ્મ એક જોરદાર સંદેશો પણ આપી જાય છે. જે માત્ર યુવાઓએ જ નહિં પણ તેમના માતા-પિતાએ પણ જોવી જોઈએ. મને યાદ નથી કે ઘણા લાંબા સમય સુધી બોલિવુડમાં આવી કોઈ ફિલ્મ બની હોય.
ફિલ્મની શરૂઆત થાય છે અનિરુદ્દ(સુશાંત સિંહ રાજપૂત) અને માયા (શ્રદ્ધા કપૂર)થી, જેમનો દિકરો ઈન્જીનિયરિંગની પ્રવેશ પરીક્ષાને કારણે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે. દરેક બાળકની જેમ તેને પણ ડર છે કે તે આ સ્પર્ધામાં સફળ થશે કે 'લુઝર' કહેવાશે. પણ શું જીવન આ સ્પર્ધા જીતવાથી વિશેષ કંઈ નથી? તેનો જવાબ આ ફિલ્મની કહાણીમાં છૂપાયેલો છે અને પૂરતીં સંવેદના સાથે તેને રજૂ કરાઈ છે.

ફિલ્મની કહાણી
લુઝર શબ્દનો અર્થ સમજાવવા માટે અનિરુદ્ધ પોતાના દિકરાને પોતાની કૉલેજ લાઈફના કિસ્સા સંભળાવે છે. આ કિસ્સામાં જ અસલી મજા છે. અહીં એક પછી એક તમામ કેરેક્ટર સામે આવતા જાય છે, અનિરુદ્ધ બની જાય છે અન્ની અને તેની સાથે છે સેક્સા, એસિડ, મમ્મી, ડેરેક, બેવડા અને માયા. ભારતની નંબર 1 ઈન્સ્ટીટ્યુટમાં ભણી રહેલા આ સાતેની કૉલેજ લાઈફ તમને થોડી થોડી વારે ગલગલીયા કરી જાય છે. પરસ્પર સંબંધો, મિત્રતા, પ્રતિસ્પર્ધા, ઝનૂન અને સકારાત્મકતા સાથે કહાણી આગળ વધે છે. કદાચ આ ફિલ્મ જોનારા તમામ દર્શકો પોતાની કૉલેજ લાઈફની કહાણીને આ કહાણી સાથે જોડી શકશે.

ફિલ્મની કહાણી
આ ફિલ્મ 3 ઈડિયટ્સની જેમ 'કાબેલ બનો, સફળતા ઝખ મારી તમારી પાછળ આવશે'-તેવું જ્ઞાન આપતી નથી પણ હસતા હસતા એ વાતનો અહેસાસ કરાવે છે કે દરેક વખતે જીતવું જરૂરી નથી. ફિલ્મના એક સીનમાં અન્ની કહે છે-'સફળતા મળ્યા બાદનું પ્લાનિંગ બધા જ કરે છે, પણ ફેલ થયા બાદ શું કરવું તે કોઈ જણાવતુ નથી'.

અભિનય
અભિનયની વાત કરીએ તો ફિલ્મમાં દરેક કલાકારને ઉંમરના બે પડાવમાં દેખાડાયા છે. આમ તો ફિલ્મનો રિયલ હિરો, ફિલ્મની કહાણી છે, છતાં સુશાંત સિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, તુષાર પાંડે, નવીન પૉલિશેટ્ટી, તાહિર ભસીન, સહર્ષ કુમાર અને પ્રતિક બબ્બરે પોતાની ભૂમિકાને સરસ રીતે નિભાવી છે. કૉમેડી સીનને લઈ ગંભીર સંવેદનશીલ સંવાદ સુધી નિર્દેશકે તમામ કલાકારોને ખુલીને અભિનયની તક આપી છે. કેટલાક સીન ખરેખર હસવા પર મજબૂર કરે છે. જો કે સંવેદનશીલ દ્રશ્યોમાં અભિનય થોડો નબળો દેખાઈ આવે છે. ખાસ કરીને એક્ટર્સ જ્યારે વડીલનો પડાવ નિભાવી રહ્યા છે. ઘરડા લુકમાં સુશાંત કેટલાક સીનમાં અસહજ લાગે છે. જો કે કહાણીની સાથે બંધાઈ રહેવાને કારણે ફિલ્મની આ ખામીઓ તમને આકર્ષિત કરતી નથી.

નિદર્શન
કૉલેજ લાઈફ પર બનેલી બીજી ફિલ્મોની વાત કરીએ તો જો જીતા વહી સિકંદર, સ્ટુડેન્ટ ઓફ ધ યર, અને 3 ઈડિયટ્સની આસપાસ આવે છે. જો કે નિતેશ તિવારીની ટ્રીટમેન્ટથી આ ફિલ્મ બાકી ફિલ્મોથી તદ્દન અલગ છે. દંગલ ફિલ્મથી આપણે ડાયરેક્ટરના કૌશલ્યને આંકી ચૂક્યા છીએ, જેની ઝલક છીછોરેમાં પણ જોવા મળે છે. . ફિલ્મની પટકથા પણ નિતેશ તિવારી દ્વારા લખાઈ છે. જેથી કૉમેડી સાથે ડ્રામાનું સંતુલન જળવાઈ રહ્યુ છે. લગભગ અઢી ક્લાક સુધી ચાલનારી આ ફિલ્મ ભાર જણાતી નથી. વિતેલા કાળમાં જ્યાં રોમાંસ છે, મિત્રતા અને ચેંપિયનશીપ છે, ત્યાં જ વર્તમાનમાં એક સ્થિરતા છે. સમય અને અંતર સાથે એક સમજોતો છે. આ નિર્દશનની જ કમાલ છે કે જે ફિલ્મના અંત સુધી દર્શકોને બાંધી રાખે છે. પ્રતિમ દ્વારા અપાયેલું સંગીત કંઈક ખાસ છાપ છોડતુ નથી. સાથે જ એક્ટર્સના લુક પર થોડુ વધુ કામ કરવાની જરૂર હતી.
અંતે નિતેશ તિવારીની આ ફિલ્મ છીછોરે હૉસ્ટેલની ગલીઓમાંથી થઈ તમારા દિલ-દિમાગ પર હાવી થવાની ક્ષમતા ધરાવે છે. જે બદલ આ ફિલ્મ 3.5 સ્ટાર મેળવવા સક્ષમ છે.
આ પણ જુઓ: રણબીર-આલિયા એકસાથે માણી રહ્યા છે રજાઓ, ફોટા થયા વાયરલ