અક્ષય કુમારે મલ્લિકા અંગે કરી ટિપ્પણી, ભડક્યા વિનોદ દુઆ
સેલિબ્રિટીઝ જેટલા લોકપ્રિય તેટલી જ તેમના માથે જવાબદારી પણ વધુ હોય છે. ક્યારેક જો આ વાત ધ્યાન બહાર રહી જાય તો લોકપ્રિય થયેલ વ્યક્તિ મોટી પછટાડ ખાય છે. આવું જ કંઇ અક્ષય કુમાર સાથે થયું છે. નેશનલ એવોર્ડ વિજેતા અક્ષય કુમાર સ્ટાર પ્લસ પર એક લાફ્ટર ચેલેન્જ નામના શોના જજ છે. તેમના સાથે લોકપ્રિય કોમેડિયન મલ્લિકા દુઆ પણ આ શો જજ કરે છે. મલ્લિકા દુઆના પિતા વિનોદ દુઆ જાણીતા પત્રકાર છે.

અક્ષયે કરી દ્વિઅર્થી ટિપ્પણી
આ શોમાં દરેક કન્ટેસ્ટન્ટને સિલેક્ટ કરવા માટે ઘંટડી વગાડવાની રહે છે. આ ક્રમમાં મલ્લિકા જ્યારે ઘંટડી વગાડવા પહોંચી તો અક્ષય કુમારે મજાકમાં મલ્લિકાને પોતાની તરફ ખેંચતા દ્વિઅર્થી ટિપ્પણી કરી હતી. આ વાતે મોટો વિવાદ ઊભો થયો છે.

ભડકી ઉઠ્યા વિનોદ દુઆ
અક્ષય કુમારની આ ટિપ્પણી સામે વિનોદ દુઆ ભડક્યા છે. તેમણે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર આ અંગે પોસ્ટ કરતાં લખ્યું હતું કે, શોમાં અક્ષય કુમાર દ્વારા તેમની પુત્રી માટે અશ્લિલ અને આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી હતી અને તેઓ વાત નહીં ચલાવી લે. તેમણે અક્ષય કુમારની સેન્સ ઓફ હ્યુમર પર પણ પ્રશ્ન કર્યો હતો અને અક્ષય કુમાર માફી માંગે એવી માંગણી કરી હતી. જો કે, સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ થતા શોમાં આ કોમેન્ટ લેવામાં નથી આવી.

મલ્લિકાએ પણ કર્યો વિરોધ
તો બીજી બાજુ મલ્લિકા દુઆએ પણ સોશિયલ મીડિયા પર અક્ષયની આવી ટિપ્પણી અંગે પોતે અનકમ્ફર્ટ થતી હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, શું આ કોમેન્ટ કોઇને એન્ટરટેઇનિંગ લાગી? કોપીરાઇટના કારણોસર બુધવાર રાત સુધી વાયરલ થતી આ વીડિયો ક્લિપ મોટા ભાગના ડીજિટલ પ્લેટફોર્મ પરથી ડીલિટ કરવામાં આવી છે.

વિનોદ દુઆની પોસ્ટ થઇ ડીલિટ
વિનોદ દુઆની આ મામલાની ફેસબૂક પોસ્ટ પણ ફેસબૂક દ્વારા સ્પેમ કરવામાં આવી છે. આ અંગે પણ મલ્લિકા દુઆએ ટ્વીટર પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. અક્ષય કુમારની આ ટિપ્પણી સામે ઘણાએ વાંધો ઉઠાવ્યો છે. શોમાં તેમણે વાપરેલ ભાષા અને કોમેન્ટ પર લોકો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. જો કે, હજુ સુધી અક્ષય કુમાર દ્વારા આ મામલે કોઇ ટિપ્પણી કરવામાં નથી આવી.