હોટલમાં ફૂડનો બગાડ નહીં કરો તો 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે
હવે હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં જમવાનો શોખ વધ્યો છે ત્યારે બીજી તરફ અન્નના બગાડની ચિંતાજનક સમસ્યા પણ જોવા મળી રહી છે.
લગ્ન પ્રસંગો, બેન્ક્વેટ હોલ અને રેસ્ટોરન્ટ્સમાં ટનબંધ ખોરાકનો વેડફાટ થતો જોવા મળે છે, જે એક ગંભીર સામાજિક પડકાર છે. આ મુદ્દાને સંબોધવા માટે ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશને એક અનોખા અને પ્રોત્સાહક અભિયાનની જાહેરાત કરી છે.

આ પહેલ અંતર્ગત ફેડરેશને રાજ્યભરના હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને અપીલ કરી છે. આ અપીલ મુજબ, જે ગ્રાહકો પોતાની થાળીમાં ખોરાકનો બગાડ કરવાનું ટાળશે તેમને કુલ બિલ પર ૫ ટકાનું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ખોરાકના આદર પ્રત્યે જાગૃતિ લાવવાનો અને 'અન્ન એ જ પૂર્ણબ્રહ્મ'ની ભારતીય ભાવનાને સાર્થક કરવાનો છે.
ફેડરેશન દ્વારા જણાવાયા મુજબ, આ અભિયાન શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે દર રવિવારે અમલી બનશે અને ગ્રાહકોને ૫% ડિસ્કાઉન્ટનો લાભ મળશે. જો આ યોજનાને સારો પ્રતિસાદ પ્રાપ્ત થશે તો આગામી સમયમાં તેને અઠવાડિયાના તમામ દિવસો માટે વિસ્તૃત કરવામાં આવશે.
ગ્રાહકોને આ પહેલ વિશે માહિતગાર કરવા માટે દરેક હોટલ અને રેસ્ટોરન્ટના પ્રવેશદ્વાર તેમજ મેનૂ કાર્ડ પર તેની ખાસ સૂચનાઓ પ્રદર્શિત કરાશે.
હોટલ માલિકોનું માનવું છે કે આ કદમથી ગ્રાહકોમાં ઓછું મંગાવવાની અને જરૂર પૂરતું જ ભોજન લેવાની આદત કેળવાશે. ખાસ કરીને બેન્ક્વેટ અને બુફે સિસ્ટમમાં થતો ખોરાકનો મોટો બગાડ અટકાવવામાં આ અભિયાન ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
