છેલ્લા એક મહિનાથી દુબઇની જેલમાં છે આ એક્ટરની વાઇફ
અનેક ટીવી સીરિયલમાં કામ કરી ચૂકેલ અને હાલ 'કસમ'માં જોવા મળતા એક્ટર અમિત ટંડનની પત્ની રૂબી ટંન છેલ્લા એક મહિનાથી દુબઈની જેલમાં કેદ છે. રૂબી પર દુબઈમાં અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ છે. જો કે, આ સમગ્ર મામલે અમિતનું કહેવું છે કે, તેની પત્નીની કોઇ ભૂલ નથી અને તેને ફસાવવામાં આવી છે. તેનું કહેવું છે કે, રૂબીની સફળતા જોઇ ન શકનાર કોઇ વ્યક્તિનું આ કામ છે.

સરકારી અધિકારીઓ સાથે ગેરવર્તણૂક
થોડા સમય પહેલાં રૂબી દુબઇ ગઇ હતી, આ દરમિયાન તેણે સરકારી અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરી તેમને ધમકાવ્યા હોવાનો આરોપ રૂબી પર છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, એકવાર રૂબીના જામીન મેળવવાનો પણ પ્રયત્ન થયો હતો, પરંતુ તેમના વકીલની અરજી કોર્ટે નકારી કાઢી હતી.

જામીનના પ્રયત્નો શરૂ છે
છેલ્લા એક મહિનામાં અમિતે ખાસો સમય દુબઇમાં જ પસાર કર્યો છે, તે પોતાની પત્નીની બેલ મેળવવા માટે પ્રયત્ન કરતો હતો. પરંતુ હજુ સુધી સફળતા નથી મળી. જો કે, અમિતને પૂરી આશા છે કે, રૂબી જલ્દી જ છૂટી જશે, કારણ કે તે કોઇ અપરાધી નથી. અમિતનું માનવું છે કે, કોઇ જાણીતા અને ઇન્ફ્લુએન્શલ વ્યક્તિ દ્વારા રૂબીને ફસાવવામાં આવી છે, કારણ કે રૂબીએ માત્ર બોલિવૂડ જ નહીં, પરંતુ હોલિવૂડ સેલિબ્રિટી માટે પણ કામ કરવાનું શરૂ કર્યું હતું.

મુંબઇમાં જાણીતું નામ રૂબી ટંડન
રૂબી એક ડર્મેટોલોજિસ્ટ છે અને મુંબઇમાં પ્રેક્ટિસ કરે છે. પોતાના ક્ષેત્રમાં તેનું નામ ખાસું જાણીતું છે. અમિત ટંડન અને રૂબીના લગ્ન 10 વર્ષ પહેલાં થયા હતા અને તેમની 7 વર્ષની એક પુત્રી પણ છે. થોડા સમય પહેલાં જ આ કપલ પોતાના સેપરેશનના ખબરને કારણે ચર્ચામાં આવ્યું હતું. તેમણે ડિવોર્સની અરજી પણ ફાઇલ કરી હતી.

અમિત ટંડન
અમિત ટંડન પણ નાના પડદાના જાણીતા કલાકાર છે. તેઓ 'ઇન્ડિયન આઇડલ 1'થી ચર્ચામાં આવ્યા હતા. આ બાદ તેમણે 'યે હેં મોહબ્બતેં', 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી', 'ભાભી', 'અદાલત સિઝન 2', 'કેસા યે પ્યાર હે', 'ઝરા નચ કે દિખા', 'દિલ મિલ ગયે' જેવા ટીવી શોમાં કામ કર્યું છે. હાલ કલર્સ પર પ્રસારિત થતા શો 'કસમ'માં તે જોવા મળે છે.