અમદાવાદની હવા બની ઝેરી: થલતેજ અને શાંતિગ્રામમાં AQI 200ને પાર, ઠંડી વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ
Ahmedabad News: દેશની રાજધાની દિલ્હી બાદ હવે અમદાવાદની હવામાં પણ પ્રદૂષણનું સ્તર જોખમી રીતે વધી રહ્યું છે. શિયાળાની શરૂઆત સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 200ને વટાવી ગયો છે, જેને કારણે આરોગ્ય નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

કયા વિસ્તારોમાં પ્રદૂષણ સૌથી વધુ?
અમદાવાદના પશ્ચિમ અને નવા વિકસતા વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. આંકડાકીય વિગત મુજબ:
- શાંતિગ્રામ: 250 AQI
- થલતેજ: 207 AQI
- સોલા: 196 AQI
- બોપલ: 172 AQI
- ચાંદખેડા-સ્ટેડિયમ: 169 AQI
- પૂર્વ અમદાવાદ: રખિયાલ, ઇસનપુર અને વટવા જેવા વિસ્તારોમાં પણ AQI 165થી 170ની વચ્ચે નોંધાયો છે.
ફેફસાંના રોગોમાં જોખમી ઉછાળો
વાયુ પ્રદૂષણને કારણે ફેફસાંના ગંભીર રોગ COPD (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ) ના કેસોમાં મોટો વધારો થયો છે. મેડિકલ એક્સપર્ટ્સના મતે, કોરોના પછીના સમયગાળામાં આવા દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.
હવે માત્ર વૃદ્ધો જ નહીં, પરંતુ 40થી 50 વર્ષની વયના લોકો અને ધૂમ્રપાન ન કરનારા યુવાનો પણ આ પ્રદૂષણનો શિકાર બની રહ્યા છે. સતત ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને જલ્દી થાક લાગવો એ આ રોગના મુખ્ય લક્ષણો છે.
નિષ્ણાતોની ચેતવણી: ફેફસાંની તપાસમાં બેદરકારી ન રાખો
પલ્મોનોલોજિસ્ટ્સનું કહેવું છે કે લોકો ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ જેવી તપાસ કરાવે છે, પરંતુ ફેફસાંના સ્વાસ્થ્યને ગંભીરતાથી લેતા નથી.
- PFT ટેસ્ટ: ફેફસાંની કાર્યક્ષમતા જાણવા માટે 'પલ્મોનરી ફંક્શન ટેસ્ટ' (PFT) ખૂબ જ સરળ અને અસરકારક છે. વહેલા નિદાનથી ફેફસાંને થતું કાયમી નુકસાન અટકાવી શકાય છે.
- મૃત્યુનું ત્રીજું કારણ: WHO ના રિપોર્ટ મુજબ, વિશ્વમાં મૃત્યુના મુખ્ય કારણોમાં COPD હવે ત્રીજા ક્રમે આવી ગયું છે.
શિયાળામાં કેમ વધે છે જોખમ?
શિયાળા દરમિયાન ઠંડી હવા જમીનની નજીક હોવાથી વાહનોનો ધુમાડો અને ધૂળના રજકણો હવામાં ઉપર જવાને બદલે નીચે જ જમા રહે છે. આ 'સ્મોગ' શ્વાસ દ્વારા ફેફસાંમાં પહોંચી બળતરા પેદા કરે છે, જે અસ્થમા અને બ્રોન્કાઈટિસના દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
કેવી રીતે બચશો?
- પ્રદૂષિત વિસ્તારોમાં જતી વખતે માસ્ક અવશ્ય પહેરો.
- વહેલી સવારે અથવા પ્રદૂષણ વધુ હોય ત્યારે બહાર કસરત કરવાનું ટાળો.
- શ્વાસ સંબંધિત કોઈ પણ તકલીફ જણાય તો તુરંત ટેસ્ટિંગ કરાવો.












Click it and Unblock the Notifications
