ગાંધીનગર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે હર્ષદ પટેલની વરણી
ગાંધીનગર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ શાહ નિવૃત્ત થતાં તેમને માનભેર વિદાય અપાઇ હતી. આ સાથે નવા ડાયરેક્ટર જનરલ તેમજ કુલપતિ તરીકે ડૉ. હર્ષદ પટેલે ચાર્જ સંભાળ્યો હતો. ડૉ. હર્ષદ પટેલ હાલમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના વર્તમાન કુલપતિ તરીકે કાર્યરત છે.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ તેમજ કુલપતિ હર્ષદ શાહની મુદ્દત શનિવારે પૂર્ણ થતી હોવાથી રાજ્ય સરકાર દ્વારા નવા ડાયરેક્ટર જનરલ તેમજ કુલપતિ તરીકેનો વધારાનો ચાર્જ ટીચર્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. હર્ષદ પટેલને સોંપવામાં આવ્યો છે. તેમણે શનિવારે આ ચાર્જ સંભાળ્યો હતો. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પરિવાર દ્વારા નિવૃત્ત થતા કુલપતિનો વિદાયમાન તેમજ નવા કુલપતિનો સ્વાગત સમારોહ શનિવારે સાંજે યુનિવર્સિટી પરિસરમાં યોજવામાં આવ્યો હતો. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પરિવારે નવા કુલપતિનું સ્વાગત કર્યું અને હર્ષદ શાહને ભાવભેર વિદાયમાન આપ્યું. આ પ્રસંગે સ્ટાફના સભ્યોએ વિદાયમાન કુલપતિ સાથેના સંભારણા રજૂ કર્યા.
હર્ષદ શાહે વિદાય પ્રવચનમાં યુનિવર્સિટીની વિકાસગાથા રજૂ કરી. આ સાથે તેમણે જરૂર પડ્યે કાર્ય હંમેશા ઉપસ્થિત રહેવાની તત્પરતા પણ વ્યક્ત કરી. નવનિયુક્ત કુલપતિ હર્ષદ પટેલે પ્રવચનમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની વિકાસયાત્રાને વધુ ગતિથી આગળ લઈ જવાની નિષ્ઠા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, સમય સાથે કાર્યશૈલી અને વ્યક્તિઓ, વ્યવસ્થાઓ બદલાતી રહે, પરંતુ ધ્યેય અચળ હોય છે અને તેને પામવા માટે સમયાંતરે જે વ્યવસ્થા જરૂરી હોય તે સર્જાતી હોય છે. સૌ સાથે મળીને યુનિવર્સિટીને નવી ઊંચાઈ પર લઈ જઈશું એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.












Click it and Unblock the Notifications
