
Rathyatra 2021: અમદાવાદમાં જગન્નાથની 144મી જળયાત્રાનો આરંભ, ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી ઉપસ્થિત
અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરે દેશને જે સ્થિતિમાં લાવીને મૂકી દીધો તેના કારણે હજુ સુધી રથયાત્રા માટે સરકારે કોઈ નિર્ણય લીધો નથી પરંતુ આજથી જળયાત્રા મહોત્સવનો આરંભ થઈ ચૂક્યો છે. જમાલપુરના જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવ શરૂ થઈ ગયો છે. સવારે જળયાત્રાની પૂજા શરૂ થઈ જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા અને પૂજા તેમજ આરતી કરી. આ જળયાત્રા મહોત્સવમાં પાંચ કળશ, પાંચ ધજામાં જળ ભરીને ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના આ સમયમાં સરકારની ગાઈડલાઈન મુજબ આ જળયાત્રામાં 50થી પણ ઓછા લોકોને હાજર રહેવાના છે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યુ હતુ કે આ વખતે કોરોના મહામારીના કારણે જળયાત્રામાં ભક્તોને જોડાવાની મંજૂરી આપવામાં આવી નથી. કોરોના ગાઈડલાઈન મુજબ 50 લોકોની હાજરીમાં મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ સાથે આ વખતની જળયાત્રા નીકળી છે ભક્તોને મીડિયાના માધ્યમથી રથયાત્રાના દર્શન કરવા માટે અપીલ કરુ છુ.
તેમણે વધુમાં જણાવ્યુ કે રથયાત્રા પહેલા જેઠ મહિનાની પૂનમના દિવસે 108 કળશમાં નદીનુ પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. બપોર પછી ભગવાન મોસાળમાં જશે. સાબરમતી નદીના કિનારે સોમનાથ ભુદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે 1 ગજરાજ, 5 ધજા અને 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવી છે.