
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો
અમદાવાદઃ કોટે મોર ટહૂક્યા, વાદળ ચમકી વીજ, મારા વાલાને સોરઠ સાંભર્યો, જોને આવી અષાઢી બીજ.... આખરે બે વર્ષ પછી ભક્તોની આતુરતાનો અંત આવ્યો અને આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્ચાએ નીકળ્યા છે. સવારે 5.30 વાગે ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદ વિધિ કરી હતી અને ત્રણેય રથનુ પ્રસ્થાન કરાવ્યુ હતુ. હાલમાં ત્રણેય રથ પ્રસ્થાન કરી ચૂક્યા છે.

સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ગઈકાલે ફરી વાર કરવામાં આવેલો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમ પણ તેઓને કોરોના ના માત્ર હળવા લક્ષણો જ હતા અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી શ્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. આ પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે 145મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર આ પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને જાળવી રાખી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યુ કે જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌને આરોગ્ય સુખાકારી,સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી છે.

ગૃહમંત્રી અમિત શાહે સવારે 4 વાગે મંગળા આરતી કરી
ગૃહમંત્રી અમિત શાહે સવારે 4 વાગે મંગળા આરતી કરી હતી. ત્યારબાદ ભગવાનની આંખ પરથી રેશમી પાટા ખોલવામાં આવ્યા હતા. 5 વાગે ખીચડો અને કોળા-ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા. મુખ્યમંત્રીની પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અવસરે મહંતશ્રી દિલિપદાસજી, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી મીનાક્ષીબેન તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ - શ્રદ્ધાળુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

શહેરમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત
ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથની આસપાસ આરએએફના જવાનો ગોઠવવામાં આવ્યા છે. બંદોબસ્તમાં આ વર્ષે 25,000 જેટલા વિવિધ રેન્કના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહેશે. ઉપરાંત દર વર્ષથી વિશેષ આકાશી અને જમીની એમ બંને સ્તરે ટેક્નોલોજીના માધ્યમથી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. જેમાં હેલિકોપ્ટર તેમજ ડ્રોનથી આકાશમાં અભેદ્ય સુરક્ષા ગોઠવવામાં આવશે. બીજી તરફ જમીની સ્તર પર હાઈરિઝોલ્યુશન સીસીટીવીથી વોચ રાખવામાં આવશે જેમાં 46 ફિક્સ્ડ લોકેશન અને અન્ય મુવિંગ બંદોબસ્ત તથા વ્હીકલ માઉન્ટેડ હશે. રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત જવાનો પૈકી 2500ને બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવશે. આ પોલીસ જવાનો સંવેદનશીલ વિસ્તારમાં દરેક વ્યક્તિની હરકત પર બાજનજર રાખશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે આદિવાસી નૃત્ય અને ઢોલ-નગારા સાથે ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો...#RathaYatra2022 #RathaYatra pic.twitter.com/0ukfwyDsBl
— Gujarat Information (@InfoGujarat) July 1, 2022
સંસ્કૃતિ, આસ્થા, ભક્તિ..#RathaYatra2022 pic.twitter.com/9IcvXlvz48
— Gujarat Information (@InfoGujarat) July 1, 2022
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ..#RathaYatra2022 pic.twitter.com/1MyLxar2BP
— Gujarat Information (@InfoGujarat) July 1, 2022