For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવનારા અધિકારીની કહાણી

અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવનારા અધિકારીની કહાણી

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પામેલું અમદાવાદ આજે કોરોના વાઇરસ સામે જંગ લડી રહ્યું છે, ત્યારે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવવા માટે મથનાર વ્યક્તિનું કોરોનાને કારણે અવસાન થયું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેરિટેજ વિભાગના ડેપ્યુટી મૅનેજર પી. કે. વાસુદેવન નાયરનું સોમવારે કોરોના વાઇરસના કારણે અવસાન થયું છે.

ભારત સરકારની ભાગીદારીથી 2004થી 2007 દરમિયાન કંબોડિયાના અંગરકોટ વાટમાં ભગવાન બ્રહ્માના મંદિર ટા ફોરમના રિસ્ટોરેશનનું કામ આર્કિયૉલૉજી સર્વે ઑફ ઇન્ડિયા(એએસઆઈ)એ કર્યું હતું.

જેના પ્રૉજેક્ટ હેડ પીકે વાસુદેવન નાયર હતા. એએસઆઈમાંથી નિવૃત થઈને અમદાવાદના હેરિટેજ સેલમાં જોડાયા હતા.

વાસુદેવન નાયર ગયા અઠવાડિયે કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. તેમની અમદાવાદની એસ.વી.પી. હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમના પત્ની પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયાં છે. જેમની હાલ સારવાર ચાલી રહી છે.

2001ના ભૂકંપ પછી અમદાવાદની ફરતે આવેલા દરવાજા, મોઢેરા સૂર્ય મંદિર, ધોળાવીરા અનેક બીજી આર્કિયૉલૉજી સર્વે ઑફ ઇન્ડિયાની સાઇટના જીણોદ્ધારનું કામ તેમણે કર્યું હતું.

અમદાવાદના હેરિટેજ વિભાગના ડેપ્યુટી મૅનેજર તરીકે તેમણે ભદ્ર પ્લાઝા, અમદાવાદની પોળના મકાનો, ચબૂતરા અને વાવ વગેરે મૉન્યુમૅન્ટને રિસ્ટોર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

અમદાવાદને નવી ઊંચાઈએ લઈ જનારા અધિકારી

પી.કે. વાસુદેવન નાયરનો જન્મ 19 મે 1947માં થયો હતો. તેમણે પોતાના કરિયરની શરૂઆત આર્કિયોલૉજિકલ ઇજનેર તરીકે કરી હતી. તેમણે ભારતની અનેક મહત્ત્વની આર્કિયોલોજિકલ સાઇટ્સ પર કામ કર્યું હતું.

તેમણે કાયદાકીય રીતે હેરિટજની જાળવણીની સાથે-સાથે નાગરિકો પણ હેરિટેજ સાચવવા કામ કરે તે માટેના પ્રયાસ કર્યા હતા.

અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે જે યુનેસ્કોમાં ડોઝિયર મોકલવાનું હતું. આ ડોઝિયર બનાવવાની કામગીરી તે સમયે સેપ્ટ યુનિવર્સિટીના કન્ઝર્વેશનના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ અને સેન્ટર ફોર ગીર કન્ઝર્વેશન વિભાગના વડા પ્રોફેસર રબીન્દ્ર વસાવડાને સોંપવામાં આવી હતી.

પ્રૉફેસર વસાવડા કહે છે, “કન્ઝર્વેશનનું કામ હું કરતો હોવાથી નાયર સાહેબ સાથે મારે સંપર્ક તેમના એએસઆઈના દિવસોથી હતો. 2006-07માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની જૂની ઇમારતનું રિસ્ટોરેશનનું કામ ચાલતું હતું."

"એ સમયે તેઓ આર્કિયૉલૉજી સર્વે ઑફ ઇન્ડિયામાંથી નિવૃત થયા હતા અને મેં અમદાવાદના હેરિટેજ સેલના વડા માટે તેમના નામની ભલામણ બાદ તે વખતના કમિશનર આઇ. પી. ગૌતમે તેમને હેરિટેજ સેલના વડા બનાવ્યા હતા.”

"તેમના જોઇનિંગ પછી હેરિટેજ સેલ હેરિટેજ વિભાગમાં પરિવર્તન પામ્યો હતો. જેમાં તેમનો ફાળો મહત્ત્વનો હતો."

પૂર્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિલીપ ગોર કહે છે, “તેઓ હેરિટેજ વિભાગમાં પાયાની ઈંટ હતા. તેમણે હેરિટેજ સેલને હેરિટેજ ડિપાર્ટમેન્ટ બનાવ્યો હતો.”

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હેરિટેજ કન્ઝર્વેશન કમિટીના ચૅરમૅન પી.કે.ઘોષ કહે છે, “તેઓ અમદાવાદ હેરિટેજ કન્ઝર્વેશનની કમિટીના 'આત્મા’ સમાન હતા. તમામ રુલ્સ રેગ્યુલેશન નક્કી કરતા અને ઇમારતોના રિસ્ટોરેશનનું કામ પણ તેઓ કરતા.”


વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાના સાક્ષી તેઓ બન્યા

https://www.youtube.com/watch?v=Zc1Sm9LEX3Q&t=19s

પ્રો. વસાવડા નાયર સાહેબના કામને લઈને કહે છે, “નાયર સાહેબ સાથે ડોઝિયરને લઈને ખૂબ જ નજીકથી કામ કરવાનું થયું હતું. તેઓએ ઘણું સારું કામ કર્યું હતું. તેઓ નિષ્ઠાવાન હતા.”

તેઓ વધુમાં કહે છે, “યુનેસ્કોમાં ડોઝિયર મૂકવા માટે જે જરૂરી દસ્તાવેજો કૉર્પોરેશન પાસેથી મેળવવાના હતા તે લાવી આપવામાં પી. કે. નાયરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી."

"કૉર્પોરેશન પાસેથી આ પ્રકારે દસ્તાવેજ મેળવવા ખૂબ જ અઘરા હતા. એએસઆઈ પાસેથી જ યુનેસ્કોમાં પ્રોજેક્ટ જવાનો હતો. તેઓ પોતે એએસઆઈ સાથે પણ વર્ષોથી રહ્યા હતા જેથી ત્યાં પણ તેમણે ખૂબ જ સારું કામ કર્યું હતું.”

પૂર્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને હેરિટેજ વિભાગના મૅનેજર દિલીપ ગોરે કહ્યું, “વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે અમદાવાદ યુનેસ્કોના ટેન્ટેટિવ લિસ્ટમાં 2011માં આવ્યું હતું. ત્યારથી લઈને 2018 સુધી તેઓએ પ્રૉફેસર વસાવડાને જે કોઈપણ દસ્તાવેજ જોઈતા હતા તે દસ્તાવેજ એકઠા કરી આપવાનું કામ કર્યું હતું. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પોલેન્ડના ક્રેકોવ ખાતે મળ્યો તેના તેઓ સાક્ષી પણ રહ્યા હતા."

પી.કે.ઘોષ કહે છે, “અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે યુનેસ્કોના સેશનની ચર્ચાઓમાં તેમણે ભાગ લીધો હતો. નાયર સાહેબ અને પ્રોફેસર વસાવડાના તૈયાર કરેલાં ડોઝિયર અને પ્રેઝન્ટેશને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવ્યો હતો.”


અમદાવાદની અનેક ઇમારતનું રિસ્ટોરેશનનું કામ કર્યું

યુનેસ્કોના ડિરેક્ટર જનરલ સાથે પીકે નાયર(ડાબેથી પહેલાં) અને ત્યારબાદ પ્રોફેસર રબીન્દ્ર વસાવડા

અમદાવાદના હેરિટેજની જાળવણી માટે તેમણે જે મહત્ત્વનું કામ કર્યું હતું. તેના વિશે વાત કરતા પ્રોફેસર વસાવડા કહે છે, “અમદાવાદ શહેરની ફરતે જે દીવાલ હતી તે ખંડેર હતી. ખાનપુર દરવાજાથી શાહપુર તરફ અને એલીસબ્રીજ પાસેની દીવાલને રિસ્ટોર કરવાનું કામ કર્યું હતું.”

તેઓ વધુમાં કહે છે, “એએસઆઈમાં કામ કરવાના કારણે તેમનો અનુભવ ખૂબ વિશાળ હતો. તેમણે ઇસ્લામિક મૉન્યુમૅન્ટ માટે પણ સારું કામ કર્યું હતું. તેમણે 2001ના ભૂકંપ પછી ગોમતીપુરમાં જે મસ્જિદ તૂટી હતી તેના રિસ્ટોરેશનનું કામ પણ કર્યું હતું.”

પી. કે. ઘોષ કહે છે, “મૉન્યુમૅન્ટ્સની જાળવણીનું કામ આર્કિયૉલૉજી સર્વે ઑફ ઇન્ડિયા અને રાજ્યનો આર્કિયૉલૉજી વિભાગ કરતો હોય છે પરંતુ અમદાવાદમાં અનેક મૉન્યુમૅન્ટ્સ હતાં, જે રાજ્ય કે એએસઆઈની યાદીમાં આવતાં ન હતાં. તેનું કામ એએમસીનો હેરિટેજ વિભાગ કરતો.”

“પોળોંના મકાનોની લાકડાંઓની કોતરણી કે જેમાં ગુજરાતની સંસ્કૃતિની ઓળખ છે તેને સાચવવાનું કામ નાયર કરતા હતા.”

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેરિટેજ વિભાગે પોળનાં અનેક હવેલી જેવાં મકાનોને રિસ્ટોર કરવાનું કામ કર્યું છે.

પૂર્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને હેરિટેજ વિભાગના વડા દિલીપ ગોરે કહ્યું, “નાયર સાહેબે શહેરની ફરતે આવેલી દીવાલોના કન્ઝર્વેશનનું મહત્ત્વનું કામ કર્યું હતું."

"આ ઉપરાંત પોળમાં આવેલા ચબૂતરા જે લાકડાના, પથ્થરના કે મેટલના હોય તેમને રિસ્ટોર કર્યા હતા. શહેરમાં આવેલી જૂની વાવ જે આર્કિયોલોજી સર્વે ઑફ ઇન્ડિયામાં આવતી હોય તેવી વાવને પણ રિસ્ટોર કરવાનું કામ તેમણે કર્યું હતું. આ વાવની લાકો મુલાકાત લઈ શકે તે રીતે તેમણે તૈયાર કરી હતી.”

તેઓ વધુમાં કહે છે, “જેમ યુરોપના દેશોમાં હેરિટેજ પ્લાઝા હોય છે તેવી રીતે તેમણે ભદ્ર પ્લાઝાને વિકસાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે દુ:ખ સાથે આજે કહેવું પડે છે કે આપણી પબ્લિક તેનો તે રીતે ઉપયોગ કરી રહી નથી.”

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને એએસઆઈએ સાથે મળીને ભદ્ર પ્લાઝા બનાવ્યું તે તેમનું મહત્ત્વનું કાર્ય હતું.

તેઓ એક નિષ્ણાંત ઍકેડેમિશિયન હતા. તેમની હેરિટેજ કન્ઝર્વેશનની સ્કિલને કારણે અનેક યુનિવર્સિટી તેમને ભણાવવા માટે બોલાવતી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે વાસુદેવન નાયર માટે કહ્યું, “તેઓ કર્તવ્યનિષ્ઠ, નિષ્ઠાવાન, સમર્પિત વ્યક્તિ હતા. મારી પાસે કોઈ શબ્દ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે બહુ મોટી ખોટ છે.”


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=7P7574CXGfI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The story of the official who gave Ahmedabad the status of World Heritage City
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X