અમદાવાદમાં ગરમીએ તોડ્યો છેલ્લા એક દશકનો રેકૉર્ડ, હવે થોડા દિવસ મળશે રાહત
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સૌથી વધુ ગરમી રવિવારે અમદાવાદ શહેરમાં 44 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવી હતી. ત્યારબાદ કંડલામાં 43.5 ડિગ્રી અને રાજકોટમાં 43 ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે.
તમને જણાવી દઈએ કે અમદાવાદ, ગાંધીનગર અને કચ્છમાં હીટવેવની સ્થિતિ છે. હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે આગામી 3-4 દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા 30 એપ્રિલે જાહેર કરવામાં આવેલ મે મહિનાની આગાહીમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતના પશ્ચિમમધ્ય અને ઉત્તરપશ્ચિમ વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે હોઈ શકે છે. આઈએમડી મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારો અને દક્ષિણ રાજસ્થાનમાં તાપમાન ખૂબ વધુ રહેશે પરંતુ ગુજરાતના બાકીના ક્ષેત્રોમાં સામાન્ય કરતા થોડુ વધારે રહેશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એપ્રિલ મહિનામાં છેલ્લા અમુક વર્ષોની તુલનામાં સૌથી વધુ ગરમી નોંધવામાં આવી છે. અમદાવાદ શહેરમાં એપ્રિલ મહિનામાં છેલ્લા એક દશકમાં સૌથી વધુ ગરમીનો પારો નોંધાયો હતો. ત્યારબાદ કંડલામાં પણ રેકૉર્ડબ્રેક તાપમાન રહ્યુ. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો સહિત મધ્ય ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા થોડી વધુ જોવા મળી શકે છે. અત્યંત ભીષણ ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. લૂના કેસો વધવાના કારણે ડૉક્ટરો પ્રવાહીનુ વધુ સેવન કરવાની સલાહ આપી રહ્યા છે.