
27 વર્ષ બીજેપી, 35 વર્ષ કોંગ્રેસની સત્તા રહી, હવે AAP નો વારો-રાઘવ ચઢ્ઢા
ગાંધીનગર : આમ આદમી પાર્ટી ગુજરાતમાં બીજેપીને સીધી ટક્કર આપતી જોવા મળી રહી છે. હવે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ બીજેપી પર પ્રહારો કર્યા હતા. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ગુજરાતમાં વિજય રથ સાથે આગળ વધી રહેલી આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાની પ્રથમ પસંદ બની ગઈ છે. રાષ્ટ્રીય નેતાઓથી લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સુધી દરેક વ્યક્તિ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે.
ગુજરાતમાં આખરી તબક્કાનો ચૂંટણી પ્રચાર પુરો થઈ ગયો છે. આજે છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ છેલ્લી ઘડીના પ્રચારમાં જોડાયા હતા. આજે આમ આદમી પાર્ટીના સાંસદ અને રાઘવ ચઢ્ઢાએ દહેગામ, કડી, નરોડા અને ગાંધીનગરમાં આયોજિત રોડ શો યોજ્યો હતો.
રેલીને સંબોધિત કરતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, લોકોના અભૂતપૂર્વ સમર્થનથી સ્પષ્ટપણે દેખાય છે કે ગુજરાતમાં પરિવર્તન થવાનું છે. તેમણે કહ્યું કે, આજે ગુજરાત મહત્ત્વના મુકામે ઊભું છે. આજે ગુજરાતની જનતાને પહેલીવાર આવી તક મળી છે, જ્યારે તેઓ ભાજપ-કોંગ્રેસમાંથી મુક્ત થઈને ઈમાનદાર, શિક્ષિત અને કાર્યશીલ આમ આદમી પાર્ટીની સરકાર બનાવી શકે છે.
રાઘવ ચઢ્ઢાએ આગળ જણાવ્યુ કે, દિલ્હીમાં 15 વર્ષથી કોંગ્રેસની સરકાર હતી, પરંતુ દિલ્હીની જનતાએ એકવાર મન બનાવી લીધું અને દિલ્હીમાંથી 15 વર્ષથી રાજ કરી રહેલી મજબૂત કોંગ્રેસ પાર્ટીને જડમૂળથી ઉખાડી નાખી અને દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીએ મોટી બહુમતી સાથે સરકાર બનાવી. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારથી કોંગ્રેસ પાર્ટી 35 વર્ષથી સત્તામાં હતી અને ભાજપ 27 વર્ષથી સત્તામાં છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસને 35 વર્ષ અને ભાજપને 27 વર્ષ આપ્યા, હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને માત્ર 5 વર્ષ માટે તક આપો.