For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રીના હાથે ન્યાયિક સેવાઓઓ સંલગ્ન વિવિધ પ્રકલ્પોનું લોન્ચિંગ

ગુજરાત હાઇકોર્ટે પરિસરમાં જન્માષ્ટમીના પાવન પર્વે ઔષધીય વનનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઔષધીય વન લોકાર્પણ અને ન્યાયિક સેવાઓ સંલગ્

|
Google Oneindia Gujarati News

ગુજરાત હાઇકોર્ટે પરિસરમાં જન્માષ્ટમીના પાવન પર્વે ઔષધીય વનનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઔષધીય વન લોકાર્પણ અને ન્યાયિક સેવાઓ સંલગ્ન વિવિધ પ્રોજેક્ટસના લોન્ચિંગ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.આર. શાહ, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ સહભાગી થયા હતા.

Bhupendra Patel

આ સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત હાઇકોર્ટના ચાર પ્રકલ્પો થકી જનકલ્યાણની યાત્રા અવિરત આગળ ધપાવવા બદલ સર્વેને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, ન્યાયાધીશ અને ન્યાયાલય ન્યાય પ્રક્રિયા પૂરતું સીમિત છે, તેવી જનમાનસની માન્યતાથી ઉપર ઊઠીને ન્યાયાલય દ્વારા હાથ ધરાયેલ લોક ઉપયોગી વિવિધ પહેલ સામાન્યજન માટે પ્રેરણારૂપ બની રહેશે. કેદીઓ માટે મનૌવેજ્ઞાનિક અભિગમ સાથે કાઉન્સેલિગનો અભિગમ ન્યાયાધીશોની દરેક નાગરિક પ્રત્યેની સંવેદનશીલતા અને માનવીય સંવેદનાનો પરચો કરાવે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

સ્વસ્થ શરીર શ્રેષ્ઠ જીવનનો આધાર હોવાનું જણાવી રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય શાસ્ત્રોમાં ધર્મ , અર્થ અને કર્મ દ્વારા જ મોક્ષ પ્રાપ્તિનો રસ્તો બતાવવામાં આવ્યો છે. સ્વસ્થ શરીર થકી સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રકૃતિનું જતન અને સંવર્ધન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આયુર્વેદિક વન આ સંકલ્પના સાકાર કરવા મદદરૂપ બની રહેશે તેવો ભાવ પણ રાજ્યપાલે વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આ કાર્યક્રમના માધ્યમથી ઉપસ્થિત તમામ લોકોને પાંચ વૃક્ષોને વાવીને તેનું જતન કરીને પ્રકૃતિનું સંવર્ધન કરવા અનુરોધ કર્યો હતો.

માતૃભાષામાં શિક્ષણ અને ન્યાયનું મૂલ્ય અને મહત્ત્વ સમજાવતા હૃદયસ્પર્શી પ્રસંગોની પ્રસ્તુતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ન્યાયિક પ્રક્રિયાને માતૃભાષામાં અમલી બનાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો..

બહુવિધ કાનૂની સેવાઓના પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હાઇકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળે આજે શરૂ કરેલી પ્રવૃત્તિઓ દર્શાવે છે કે કાનૂની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર હવે માત્ર મફત કાનૂની સહાય પૂરતું મર્યાદિત ન રહેતાં તમામ કાનૂની સેવાઓની પ્રવૃત્તિઓને આવરી લઈને મહાન ક્ષિતિજ સુધી વિસ્તર્યું છે, એ અભિનંદનીય છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અમૃત કાળના સંકલ્પોની વાત કરી હતી, તેનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે જનસમાન્ય સુધી ન્યાય પહોંચાડવા માટે આપણે સૌ કર્તવ્યબદ્ધ થવાનો સંકલ્પ લઈશું તો આપણે 'સૌને ન્યાય'ની સંકલ્પનાને સાકાર કરી શકીશું.

વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ભારતીય બંધારણમાં કલમ ૨૧ અંતર્ગત દરેક વ્યક્તિને ઉત્તમ સ્વાસ્થ્યનો અધિકાર આપવામાં આવ્યો છે. જેલના કેદીઓનું માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે એ માટે આપણે કાળજી લેવાની હોય. આજે ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સહયોગથી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળે સેન્ટર ફોર સોશિયો-સાયકોલોજિકલ કેર ઑફ પ્રીઝન ઇન્મેટ્સનો પ્રારંભ થઈ રહ્યો છે, જે સરકારની બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં મુખ્યમંત્રીએ ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સત્તામંડળની બહુવિધ કાનૂની પ્રવૃત્તિઓ માટે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમારને અભિનંદન પાઠવવા સાથે જણાવ્યું કે કાનૂની સેવાને મફત કેસ લડવા પૂરતું મર્યાદિત નહિ રાખીને સેવાક્ષેત્રને વિસ્તાર્યું છે, એનાથી ગરીબ-વંચિત લોકો સુધી ન્યાય પહોંચી શકશે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાને થોડા સમય પહેલાં દેશના મુખ્ય ન્યાયાધીશો અને મુખ્યમંત્રીઓની બેઠકમાં કહેલું કે સુરાજ્યનો આધાર ન્યાય છે. જનતા સમજે એવી ભાષામાં તેમના સુધી પહોંચવું જરૂરી છે. આજે ગુજરાતીમાં અનુવાદિત પુસ્તક 'જનસમસ્ત અને કાયદો'નું વિમોચન થયું છે, એ વડાપ્રધાનના વિચારને અનુરૂપ છે. કોરોના મહામારી દરમિયાન આયુર્વેદની અસરકારકતાનો અનુભવ યાદ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હાઇકોર્ટમાં ઔષધીય વનથી લોકોમાં પર્યાવરણ અને આયુર્વેદ અંગે જાગૃતિ વધશે.

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની નવીન વેબસાઈટનું લોન્ચિંગ વડાપ્રધાન શ્રીએ આપેલા 'ઇઝ ઓફ લિવિંગ'ના મંત્ર સાથે આત્મનિર્ભરતા તરફનું સરાહનીય પગલું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ નેશનલ લીગલ સર્વિસીસ ઑથોરિટીને ૨૫ વર્ષ પૂરા થવાના નિમિત્તે તેની સેવાઓ અને પ્રવૃત્તિઓને યાદ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતે જણાવ્યું કે, શ્રીકૃષ્ણનો જન્મ પણ જેલમાં થયો હતો. આજે ઘણી માતાઓ સાથે તેમનાં બાળકોને પણ જેલમાં રહેવું પડે છે. આવાં બાળકો શિક્ષણ કે વિકાસની તકથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવી જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું. જસ્ટિસ લલિતે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની સહાયથી જેલમાં કાર્યરત થયેલ સામાજિક અને મનોવૈજ્ઞાનિક સેન્ટરની પહેલ દેશ માટે ઉદાહરણરૂપ સાબિત થશે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.આર.શાહે ઉપસ્થિતોને જય શ્રી કૃષ્ણ સાથે સંબોધન કરીને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, ભગવાન કૃષ્ણે ન્યાય માટે પોતાના મૂલ્યો સાથે ક્યારેય બાંધછોડ કરી નથી. વંચિતો-પીડિતોને ન્યાય અપાવવા તેઓ હંમેશાં અગ્રેસર રહ્યા છે.. આજરોજ હાઇકોર્ટમા કાર્યાન્વિત થયેલ ઔષધીય વન 'તંદુરસ્ત સમાજથી સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણ'ની પરિકલ્પના સાકાર કરશે.

તેમણે સામાજિક-મનોવૈજ્ઞાનિક સેન્ટરના લોકાર્પણ સંદર્ભે કહ્યું કે, સમાજમાં થતા ૭૦થી ૮૦ ટકા ગુનાઓ પરિસ્થિતિજન્ય હોય છે.જેથી ગુનેગારોને સજા થયા બાદ તેમનું પુન:વસન અને સુધારાના પ્રયત્નો પણ જરૂરથી થવા જોઈએ જે દિશામાં ગુજરાતની સાબરમતી જેલથી આજરોજ ઉદાહરણીય પહેલ હાથ ધરવામાં આવી છે.

સમારંભમાં સ્વાગત પ્રવચન ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર દ્વારા આપવામાં આવ્યું તો આભાર વિધિ હાઇકોર્ટના ન્યાયાધીશ અને GSLSAના એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટિસ સોનિયાબહેન ગોકાણી દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટેના ઓડિટોરિયમમાં આયોજિત સમારંભમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી અને જસ્ટિસ જે.બી. પારડીવાલા વર્ચ્યુઅલી માધ્યમથી જોડાયા હતા. ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત તથા વર્તમાન ન્યાયાધીશો અને પદાધિકારીઓ ઉપરાંત એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, અમદાવાદ શહેર મેયર કિરીટભાઈ પરમાર, ન્યાય ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો, વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ સમારંભમાં સહભાગી બન્યા હતા.

English summary
A medicinal forest has been constructed in the premises of the Gujarat High Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X