Ulhasnagar Viral Video: 'મહિલાઓને માર માર્યો, અર્ધનગ્ન કરી ચપ્પલનો હાર પહેરાવ્યો', દબંગોએ હદ વટાવી, ગુનો દાખલ
મુંબઈ નજીક ઉલ્હાસનગરમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત જઘન્ય ઘટના સામે આવી છે. ૧૭ મે, ૨૦૨૬ના રવિવારે સવારે ૭:૫૦ વાગ્યે, મંદિર પ્રવેશના વિવાદને લઈને મહિલાઓને નિર્દયતાથી માર મારી, નિર્વસ્ત્ર કરી, વાળ કાપી, ચપ્પલની માળા પહેરાવીને બે કિલોમીટર સુધી જાહેરમાં ફેરવવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઉલ્હાસનગરના વિઠ્ઠલ વાડી વિસ્તારમાં એક જ સમુદાયના બે પરિવારો વચ્ચે મંદિરમાં પ્રવેશ મુદ્દે ઉગ્ર વિવાદ સર્જાયો. એક સ્થાનિક જાતિ પંચાયતે અગાઉ રાજપૂત પરિવારને મંદિર પ્રવેશથી રોક્યો હતો, પરંતુ પરિવારે આ નિર્ણય માનવાનો ઇનકાર કર્યો હતો.
ઘટનાના દિવસે, મંદિર પરિસરમાં સામુહિક ભોજન હતું. પીડિત પરિવારના એક યુવાને પ્રતિબંધ સામે વાંધો ઉઠાવ્યો, પોતાનો પરિવાર નિર્દોષ હોવાનો દાવો કર્યો અને મંદિરમાં પ્રવેશ કર્યો. જેનાથી ત્યાં હાજર અન્ય સમુદાયના કેટલાક સભ્યો નારાજ થયા અને હુમલો કર્યો.

હુમલાખોરોએ યુવકના પરિવારજનો પર લાકડીઓ અને સળિયા વડે હુમલો કર્યો, ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવી. તેમણે મહિલાઓને પોલીસ પાસે ન જવાની ધમકી આપી. જોકે, પીડિત પરિવારે પીછેહઠ કરવાનો ઇનકાર કરતા, હુમલાખોરો હેવાનિયત પર ઉતરી આવ્યા.
તેમણે મહિલાઓને રસ્તા પર ઢસડી, તેમના કપડાં ફાડી અર્ધનગ્ન કર્યા. ત્યાર પછી ક્રૂરતાપૂર્વક કાતર વડે તેમના વાળ કાપી નાખી, ગળામાં ચપ્પલની માળા પહેરાવી બે કિલોમીટર સુધી જાહેરમાં ફેરવી. આરોપીઓએ અન્ય લોકોને પણ બળજબરીથી મહિલાઓના પગ સ્પર્શ કરવા મજબૂર કર્યા.
રસ્તા પર આ અમાનવીય કૃત્ય ચાલી રહ્યું હતું ત્યારે એક પણ વ્યક્તિ મદદ માટે આગળ ન આવ્યું; ઊલટું, મોટાભાગના લોકો વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા. આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસે કાર્યવાહી કરી, ૭ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો અને બેની ધરપકડ કરી.
ઉલ્હાસનગરના ACP શૈલેષ કાળેએ મીડિયાને જણાવ્યું કે, "આ મામલો વાઘરી નગર વિસ્તારનો છે. સાત લોકો વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે, જેમાંથી બેની ધરપકડ થઈ ચૂકી છે. આ વિવાદ એક જ સમુદાયના બે પરિવારો વચ્ચેના મંદિર પ્રવેશના મામલે શરુ થયો હતો."
ACP કાળેએ વધુમાં ઉમેર્યું હતું કે, "વિવાદમાં સંડોવાયેલા બંને પરિવારોના સભ્યો સામે ગુના દાખલ કરાયા છે." પોલીસે સ્પષ્ટતા કરી કે પીડિત અને આરોપી બંને એક જ સમુદાયના છે. પીડિત પરિવારને મંદિર જતા કેમ રોકવામાં આવ્યો હતો, તેના ચોક્કસ કારણો સ્પષ્ટ નથી, જોકે સામાજિક બહિષ્કારનો ઉલ્લેખ છે.
પીડિત પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેમણે શરૂઆતમાં આ કેસને ગંભીરતાથી ન લીધો અને ગુનો નોંધવામાં કલાકોનો વિલંબ કર્યો. મહિલાઓની ગરિમા અને માનવાધિકારનું ગંભીર ઉલ્લંઘન થયું હોવા છતાં, પોલીસે કથિત રીતે હળવી કલમો લગાવી.
આ ઘટનાની મહિલા સંગઠનો અને સામાજિક કાર્યકરો દ્વારા સખત શબ્દોમાં નિંદા કરાઈ છે, અને વહીવટીતંત્ર પાસેથી તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. સેન્ટ્રલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ હેઠળ જ્યુલી વાઘરી, વિનુ વાઘરી, પ્પી વાઘરી, નિતિન થોરાત, રોહિત વાઘરી, સોનુ ઉર્ફે બાલુ વાઘરી, મહેશ વાઘરી સહિત અન્ય વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
પોલીસે આ કેસમાં બે મહિલાઓની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી સહિત ઘણા અન્ય લોકો હજુ ફરાર છે. પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને બિનજરૂરી રીતે શેર ન કરવા અને વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા લોકોને અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
