આંધ્ર પ્રદેશમાં કોરોનાનો એક વધુ જીવલેણ કેસ, 46 વર્ષીય વ્યક્તિનું મોત; બંને ફેફસાં ગંભીર રીતે અસરગ્રસ્ત
અમરાવતી: આંધ્ર પ્રદેશના કડપા જિલ્લામાં કોરોના સંક્રમણનો એક ગંભીર કેસ સામે આવ્યો છે. અહીં 46 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દર્દીને શ્વાસ લેવામાં ભારે તકલીફ અને સતત ઉધરસની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેની તબિયત સતત બગડતી રહી અને અંતે તેણે દમ તોડી દીધો.
માહિતી અનુસાર, મૃતક કડપાના મસાપેટા વિસ્તારનો રહેવાસી હતો. તેને લાંબા સમયથી દારૂનું વ્યસન હતું. હોસ્પિટલમાં દાખલ કરતી વખતે જ તેની સ્થિતિ ગંભીર હતી અને તેને પૂરતો શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. પ્રાથમિક તપાસ તેમજ એક્સ-રેમાં જાણવા મળ્યું કે તેના બંને ફેફસાંમાં ગંભીર ચેપ ફેલાઈ ગયો હતો. ચેપના કારણે તેને ન્યુમોનિયા પણ થયો હતો, જેના કારણે સારવાર વધુ પડકારજનક બની ગઈ હતી.

ડોક્ટરોએ દર્દીને ચાર દિવસ સુધી હાઈ-ડોઝ એન્ટીબાયોટિક્સ સહિતની જરૂરી સારવાર આપી હતી, પરંતુ તેની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો નોંધાયો નહોતો. ત્યારબાદ વધુ તપાસ માટે છાતીનો CT સ્કેન કરવામાં આવ્યો, જેમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી.
કોરોના સંક્રમણની ખાતરી થયા બાદ આરોગ્ય વિભાગ તરત જ હરકતમાં આવ્યું હતું. દર્દીના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારમાં સેનિટાઇઝેશન સહિત જરૂરી સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે લોકોને શરદી, ઉધરસ, તાવ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક તબીબી સલાહ લેવાની અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
