• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ-કોંગ્રેસે મળીને છેલ્લા 62 વર્ષોમાં ગુજરાતને બરબાદ કર્યુ, જનતાને અમે આપીશુ મફત વીજળી-પાણીઃ રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી. જાણો શું કહ્યુ.
|
Google Oneindia Gujarati News

અમદાવાદ/અમરેલીઃ ગુજરાતમાં ડિસેમ્બરમાં આવનારી વિધાનસભા ચૂંટણીના કારણે તમામ રાજકીય પક્ષો ગુજરાતમાં તાબડતોડ પ્રચાર કરી રહ્યા છે. તેમાંય ભાજપ અને આમ આદમી પાર્ટી હાલમાં સામ-સામે આવી ગયા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ છેલ્લા 62 વર્ષોમાં ગુજરાતને બરબાદ કરી દીધુ છે.

આપના ગુજરાત સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ મીડિયાને જણાવ્યુ કે, અમરેલીમાં અમરેલી જિલ્લામાં છેલ્લા 27 વર્ષમાં અહંકારી ભાજપ સરકારે એક પણ હાઈસ્કૂલ, એક પણ કૉલેજ, એક પણ સિવિલ હૉસ્પિટલ બનાવી નથી. અમરેલી જિલ્લાને જાણી જોઈને પછાત રાખવામાં આવ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. આજે અમરેલીની હાલત એવી છે કે કોઈ વ્યક્તિને એક્સ-રે કરાવવો હોય તો રાજકોટ જવુ પડે છે. પાણીની ગંભીર સમસ્યા છે. પાણી ત્રણ-ચાર દિવસે એકવાર આવે છે અને ગમે ત્યારે આવે છે. આના માટે કોઈ નિશ્ચિત સમય નથી. આ સાથે અમરેલી એક એવો જિલ્લો છે જ્યાં વર્ષ-દર વર્ષે વસ્તી ઘટી રહી છે કારણ કે અમરેલીના લોકો અમરેલીમાંથી હિજરત કરીને અન્ય જગ્યાએ જઈ રહ્યા છે. અમરેલીમાં ન તો કોઈ ઉદ્યોગ છે કે ન રોજગાર.

અમરેલી જિલ્લાએ ગુજરાત અને દેશને અનેક ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ આપ્યા છે. પરંતુ આ આગેવાનોએ અમરેલી જિલ્લાને કશુ આપ્યુ નથી. 27 વર્ષ જૂની ભાજપ સરકારે સૌરાષ્ટ્ર સાથે હંમેશા સાવકી મા જેવુ વર્તન કર્યુ છે પરંતુ આવનારા સમયમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર આ સાવકા વ્યવહારને દૂર કરીને સૌરાષ્ટ્રમાં વિકાસના કામો કરશે. અહીં ખેડૂતોને વીજળી, પાણીની સમસ્યા, જંગલી પ્રાણીઓની સમસ્યા અને MSP ભાવ ન મળવા જેવી ઘણી મુશ્કેલીઓ છે. આ તમામ સમસ્યાઓએ લોકોના સામાન્ય જીવનને હચમચાવી દીધુ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે અમરેલીના લોકો સાથે ઘણી છેતરપિંડી થઈ છે. અહીં રોડને બદલે ઠેર-ઠેર ખાડાઓ જ જોવા મળે છે.

અમરેલીને હંમેશા પાછળ રાખવામાં આવ્યુ છે. લોકો સાથે વાતચીત કરીને હું અમરેલીની જનતાને આશ્વાસન આપવા માંગુ છુ કે જેવી રીતે દિલ્લી અને પંજાબની જનતાએ દાયકાઓ જૂના પરંપરાગત પક્ષોને ઉથલાવીને નવા રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીને તક આપી છે તેવી જ રીતે તમે પણ અરવિંદ કેજરીવાલજીને તક આપો. હું તમને ખાતરી આપુ છુ કે તમે આમ આદમી પાર્ટીને એક વાર નહિ પણ વારંવાર વોટ કરશો. અમે આ કામ અમરેલી જિલ્લામાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કરીશુ. ભાજપે સાવકુ સૌરાષ્ટ્ર બનાવ્યુ છે પરંતુ અમે 'પોતાનુ સૌરાષ્ટ્ર' બનાવીશુ.

રાઘવ ચઢ્ઢાએ ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યુ કે આંકડાઓ પર નજર કરશો તો ખબર પડશે કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે અને 27 વર્ષ પહેલા લગભગ 35 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી. એટલે કે ગુજરાતની જનતાએ કોંગ્રેસને 35 વર્ષ અને ભાજપને 27 વર્ષ આપ્યા. એટલે કે છેલ્લા 62 વર્ષથી આ બંને પક્ષો ભેગા મળીને ગુજરાતને બરબાદ કરી રહ્યા છે. આ લોકોને વારંવાર તકો આપવામાં આવી પરંતુ તેઓએ અમરેલી જિલ્લા અને ગુજરાત માટે કંઈ કર્યુ નથી. ગુજરાતમાં ના લોકોનુ જીવન-ધોરણ સુધર્યુ છે, ના લોકોને મફત વીજળી મળી છે, ના મહોલ્લા ક્લિનિક સ્થપાયા છે, ના 24 કલાક વીજળી મળે છે, ના 24 કલાક પાણી મળે છે, ના કોઈ ઑપરેશન મફતમાં થાય છે, ના કોઈ વૃદ્ધને મફતમાં તીર્થયાત્રા કરાવવામાં આવે છે.

રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યુ કે જો છેલ્લા 62 વર્ષથી આ પક્ષો તમારુ જીવન વધુ સારુ ન બનાવી શક્યા હોય અને ગરીબી નાબૂદ કરી શક્યા હોય તો આવનારા દિવસોમાં પણ તેઓ કંઈ શકશે નહિ. ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે જો તમે કોંગ્રેસને 35 વર્ષ અને ભાજપને 27 વર્ષ આપ્યા છે તો હવે અરવિંદ કેજરીવાલજીને માત્ર 5 વર્ષ આપીને જુઓ. જો તમને પાંચ વર્ષમાં અમારુ કામ ના ગમે તો પાંચ વર્ષ પછી અમને મત ન આપતા. પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને એક તક આપો. દિલ્લીની જનતાએ દિલ્લીમાં 15 વર્ષ જૂની સરકારને હટાવીને આમ આદમી પાર્ટીને તક આપી અને પંજાબની જનતાએ 50 વર્ષ જૂની કોંગ્રેસ અને અકાલી દળની સરકારને હટાવીને આમ આદમી પાર્ટીને તક આપી. તો હવે એ જ રીતે ગુજરાતની જનતા કોંગ્રેસ અને ભાજપના 62 વર્ષના શાસનને ઉથલાવી દે અને આમ આદમી પાર્ટીને તક આપે.

રાઘવ ચઢ્ઢાએ પોતાના વિશે જણાવ્યુ કે, હું સીએ છુ અને હું આંકડા સમજુ છુ. મને એ કહેતા દુ:ખ થાય છે કે ગુજરાતની ભ્રષ્ટ સરકારે ગુજરાતને 3.5 લાખ કરોડનુ દેવાદાર કરી દીધુ છે. ગુજરાતની જનતાને જેટલી સમજ છે એટલી બિઝનેસની કોઈને નથી. અહીંની આબોહવામાં વેપાર છે. ગુજરાતીઓ ખોટમાં ચાલતા ધંધાને પણ નફામાં ફેરવી દે છે પરંતુ ગુજરાતના ભ્રષ્ટ રાજકારણીઓએ નફાખોરી કરીને સરકારને દેવાદાર બનાવી દીધી છે. ચઢ્ઢાએ ઉમેર્યુ કે, ગુજરાતની કુલ વસ્તી સાડા છ કરોડ છે અને 3.5 લાખ કરોડનુ દેવુ છે એટલે પ્રતિ વ્યક્તિ 58 હજારનુ દેવુ છે એમ કહી શકાય. ગુજરાતમાં બાળકનો જન્મ થતાં જ તેના પર 58 હજારનુ દેવુ થઈ જાય છે. હું તમને બધાને વિનંતી કરુ છુ કે ગુજરાતને દેવામુક્ત બનાવવાનો મોકો અરવિંદ કેજરીવાલજીને આપો.

રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે તમે જુઓ છો કે ગુજરાતમાં જ્યાં પણ આમ આદમી પાર્ટી તેના પોસ્ટરો, બેનરો લગાવે છે, ત્યાં ભાજપ પોલીસ અથવા સ્થાનિક વહીવટીતંત્રની મદદથી તેને ફાડી નાખે છે. ભાજપ કોંગ્રેસના બેનરો ફાડી રહ્યુ નથી, માત્ર આમ આદમી પાર્ટીના બેનરો ફાડી રહ્યુ છે અને બીજી તરફ ભાજપના લોકો દરેક ગલીમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ પોસ્ટર લગાવી રહ્યા છે. ભાજપના લોકો કોંગ્રેસ વિરુદ્ધ હોર્ડિંગ્સ, પોસ્ટર, બેનરો લગાવતા નથી. ભાજપના લોકો અત્યારે કોંગ્રેસના લોકોને અપશબ્દો પણ નથી બોલતા અને તેમની વિરુદ્ધ કોઈ નિવેદન પણ નથી આપતા. તે આમ આદમી પાર્ટી વિરુદ્ધ જ નિવેદનો આપે છે. એવુ લાગી રહ્યુ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓનુ ભૂત રાત્રે પણ ભાજપને ડરાવે છે.

ભાજપ એટલી ડરી ગઈ છે કે તેમણે અમારા બેનરો, પોસ્ટરો ફાડી નાખ્યા, અમારા નેતાઓ સામે એફઆઈઆર નોંધાવી, આમ આદમી પાર્ટી દ્વારા બનાવવામાં આવેલ ગણેશ પંડાલ તોડી નાખ્યો અને એ બિલ્ડીંગમાં બુલડોઝર ફેરવી દીધુ જ્યાં આમ આદમી પાર્ટીની સભાઓ યોજાય છે. આ પ્રેસ કૉન્ફરન્સ બાદ સંભવ છે કે ભાજપના લોકો અમરેલી સર્કિટ હાઉસ પર બુલડોઝર ફેરવી દે. ભાજપને અહેસાસ થઈ ગયો છે કે આમ આદમી પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણીની રેસમાં ભાજપથી આગળ નીકળી ગઈ છે.

English summary
Aam Aadmi Party Gujarat co-in-charge Raghav Chadha hits on BJP Govt in Saurashtra. Read details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X