For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરંપરા - મોજમસ્તીનું સરનામુ છે ગુજરાતના ભાતીગળ મેળા

|
Google Oneindia Gujarati News

'હું તો ગઇ તી મેળે...', 'હાલો રે હાલો મેળે જઇએ...', મેળા સાથે સંકળાયેલી આપણી સંસ્કૃતિના દર્શન કરાવતા કેટલાય ગીત અને ગરબા ગુજરાતમાં છે. ‘મેળો' શબ્‍દ કાને પડતાં જ દુહા, છંદ, રાસ, નૃત્‍યો, ગ્રામવૈભવ, ધર્મસંસ્‍કૃતિ, લોકવારસો, પરંપરા, શ્રદ્ધા, ઉત્‍સાહ અનેકવિધ દૃશ્‍યો નજરે ખડાં થઇ જાય છે. જ્યારે મનોરંજનના અન્ય કોઇ માધ્યમો ન હતા ત્યારે મેળો લોકજીવનમાં મોજમસ્તી અને પંરપરાનું જતન કરતું એક માત્ર સાધન હતું. લોકસંસ્‍કૃતિના ધબકાર સમાન લોકમેળાઓનું સૌંદર્ય અને આકર્ષણ ઝંખવાયું નથી.

ગુજરાતમાં વર્ષ દરમિયાન નાનામોટા મળીને આશરે 1521 જેટલા મેળા ભરાય છે. આ મેળાઓ મુખ્‍યત્‍વે દેવી દેવતાઓ, સંતો મહંતો અને પીરના મેળાઓ હોય છે. એટલે કે મોટા બાગના મેળાઓ ધર્મોત્સવ માટે ઉજવાતા મેળાઓ છે. આજે મનોરંજનના અનેક સાધનો હોવા છતાં લોકોના મનમાંથી લોકમેળાઓ અને લોક ઉત્સવોનું આકર્ષણ જરા પણ ઘટ્યું નથી. ગુજરાતના 1521 મેળાઓમાંથી દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા કેટલાક ખાસ મેળાઓની વિગતો અહીં આપીને લોકજીવનના એ રંગોની રંગોળી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમાંથી કેટલાક મેળાઓના નામ પણ તમે કદાચ સાંભળ્યા નહીં હોય, આવો જાણીએ ગુજરાતના પ્રખ્યાત મેળાઓ વિશે...

શામળાજીનો મેળો

શામળાજીનો મેળો


કારતક સુદ અગિયારસથી છેક પૂનમ સુધી સાબરકાંઠા જિલ્લાના શામળાજી ખાતે મોશ્વોનદીના તટે તીર્થધામમાં આરાધ્‍ય દેવનો ઉત્‍સવ એટલે ભગવાન શામળાજીનો મેળો.

હાલ છોડી હાલ રે, રણજણિયું વાગે, પેંજણિયું વાગે,
શામળાજીના મેળે,રણજણિયું વાગે,
પેંજણિયું વાગે, ડોસા દોટે કાઢે રે,
રણજણિયું વાગે,પેંજણિયું વાગે...

ઉપરની પંકિતઓના સ્‍વર છેડાતાં જ મેળો આપણી નજર સમક્ષ તરવરી ઉઠે છે.

કાર્તિક-પૂર્ણિમાનો સોમનાથનો મેળો

કાર્તિક-પૂર્ણિમાનો સોમનાથનો મેળો


કાર્તિક સુદ તેરસ - ચૌદસ અને પૂર્ણિમાના દિવસે ધૂધવતા સાગરતટે સોમનાથ મહાદેવના સાંનિધ્‍યમાં પ્રતિવર્ષ ભવ્‍ય મેળાનું આયોજન થાય છે.જેમાં આસપાસના ગ્રામ વિસ્‍તારો તેમજ વેરાવળના શહેરીજનો બહોળી સંખ્‍યામાં ઊમટી પડે છે.

સિધ્‍ધપુરનો કાર્તિકી પૂનમનો લોકોત્‍સવ

સિધ્‍ધપુરનો કાર્તિકી પૂનમનો લોકોત્‍સવ


સિધ્‍ધપુરનો કાર્તિક પૂનમનો મેળો માતૃશ્રાધ્‍ધનો મહિમા ધરાવે છે. પૌરાણિક પરંપરાને કારણે મેળામાં આવનાર ભાવિકો રાત્રે સ્‍નાન કરી નદી પટમાં રાવટીઓ નાખી પડયા હોય છે. ત્‍યારબાદ પ્રસાદી સ્‍વરૂપે શેરડી, મગદળ તેમજ નુકટી લઇ જાય છે. ગુજરાતી કહેવત છે ‘સસ્‍તુ ભાડું અને સિધ્‍ધપુરની જાતરા' પ્રમાણે આ મેળામાં એકવાર જવા જેવું ખરું.

ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો

ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો


ગરવા ગિરનારની ગોદમાં ભજન, ભકિત, ભોજન અને પ્રાચીન પંરપરાગત રીતે ભાવાત્‍મકતા અને એકતાનું પ્રતીક એટલે ભવનાથ મેળો જે વૈવિધ્‍ય અને વિશિષ્‍ટતાથી સભર છે. ગુજરાત જ નહીં પણ દેશ વિદેશના અનેક ભાવિકો,પર્યટકો ઉમટી પડે છે. વર્ષ દરમિયાન ભરાતા વિવિધ મેળાઓમાં ભવનાથ, માધુપુર, તરણેતરનો મેળો સૌરાષ્ટ્રની શાન છે.

વૌઠાનો ગધેડાનો મેળો

વૌઠાનો ગધેડાનો મેળો


સમગ્ર ગુજરાતમાં ભરાતા ઘણા બધા મેળાઓમાં આ અન્‍ય કરતાં કંઇક અલગ છે. જેમા પશુમેળો ભરાય છે, આ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વૌઠા નામના ગામના પાદરમાં રંગબેરંગી લીટા ટપકા વાળા ગધેડાઓનો મેળો યોજાઇ છે. ત્‍યારબાદ ચૌદસ-પૂનમ બે દિવસ માનવીઓનો મેળો હોય છે. જે લોકોનો મેળો હોય છે.

ડાંગ દરબારનો મેળો

ડાંગ દરબારનો મેળો


ડાંગ જિલ્લા વડામથક આહવા ખાતે હોળીના થોડા દિવસો પહેલાં પ્રણાલિકાગત રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઇ આદિવાસી સરદારોની હાજરીમાં હોળી પ્રગટાવી ઉત્‍સવનો પ્રારંભ થાય છે. આઝાદી પહેલાં જયારે બ્રિટિશ સરકારના પોલિટિકલ એજન્‍ટો આદિવાસીઓના સરદારોને તેમના અંગત ખર્ચ માટે રાજયની આવકમાંથી પૈસા આપતા અને ઉજવણી કરવામાં આવતી.

ગુણભાંખરીનો ચિત્ર વિચિત્રનો મેળો

ગુણભાંખરીનો ચિત્ર વિચિત્રનો મેળો


ફાગણ વદ ચૌદસે સાબરકાંઠાની ભાતીગળ સંસ્‍કૃતિને ઉજાગર કરતા યુવાન-યુવતીઓ ભાતીગળ પહેરવેશ પહેરીને આવે છે, અને એકબીજાની નજરો મળે તો જીવનસાથીની પસંદગી પણ ત્‍યાં જ થઇ જાય છે. ચિત્ર-વિચિત્રતના મેળા પાછળ મહાભારતના સમયની એક દંતકથા છુપાયેલી છે.

ગોળ ગધેડાનો મેળો

ગોળ ગધેડાનો મેળો


પંચમહાલ વિસ્‍તારમાં હોળી બાદ પાંચમ,સાતમ કે બારસે નક્કી કરેલા સ્‍થળે, મોટા મેદાનમાં સ્‍ત્રી-પુરૂષો ઢોલ વગાડતાં વગાડતાં આનંદ-ઉલ્લાસથી નાચતાં-ગાતા મેળામાં ભાગ લે છે. જેમાં એક માંચડાની ઉપર ગોળ ભરેલી પોટલી લટકાવવામાં આવે છે જે યુવાન તેને લેવા માટે પ્રયત્‍ન કરે તેનેસ્ત્રીઓ લાકડીઓ વડે રોકવાનો પ્રયત્‍ન કરે તેમાં જે વિજય ગણાય છે.તેની પ્રશંસાના ગીતો ગાય અને પોટલામાંથી ગોળના ગાંગડા બંધાને વહેંચે છે.

ભાંખરનો આગિયા વીર વૈતળનો મેળો

ભાંખરનો આગિયા વીર વૈતળનો મેળો


ઊંઝાથી નજીક પુષ્‍પાવતી નદી કિનારે આવેલા ભાંખર ગામે ચૈત્ર સુદ સાતમના દિવસે હરસિધ્‍ધ માતા અને આગિયા વીર વૈતાળનો લોકમેળો ભરાય છે.આ ગામમાં આસુરી શકિત ઉપદ્રવ મચાવતી જેને આગિયા વીર વૈતાળે હણી હતી, જેની સ્‍મૃતિ રૂપે મેળાના દિવસે લોકો આસુરી શકિતને ભગાડવા પટાંગણમાં ભેગા થઇ લાકડીઓના પ્રહાર કરી ઉજવણી કરે છે.

પાલોદરનો ચોસઠ જોગણીઓનો મેળો

પાલોદરનો ચોસઠ જોગણીઓનો મેળો


ફાગણ વદ દસમ અને અગિયારસે મહેસાણા જિલ્લામાં પાલોદર ગામે ભરાય છે. જેમાં ચોમાસાના ચાર મહિનાના કયારા બનાવી તેમાં પાણીથી ભરેલા ચાર માટીના ગોળા મુકવામાં આવે છે, આ ગોળામાંથી પાણી ઝમીને કયારામાં ભરાય છે, તો કેટલાક ગોળા ફૂટી જાય છે. જો કયારા ભરાય જાય તો તેના ઉપરથી કેટલો વરસાદ વરસશે તેની આગાહી કરવામાં આવે છે, આ મેળામાં ભવૈયા આખી રાત ભવાઇના વેશ રજૂ કરે છે.

વાલમ ગામનો હાથિયાઠાંઠુનો મેળો

વાલમ ગામનો હાથિયાઠાંઠુનો મેળો


વીસનગર તાલુકામાં આવેલ વાલમ ગામમાં સુલેશ્વરી માતાના સાન્‍નિધ્‍યમાં હાથિયાઠાઠુંનો લોકમેળો યોજાય છે.જેમાં વિવિધ જ્ઞાતિઓના લોકો પોતાનું યોગદાન આપે છે. રાત્રે બે ગાડાંને વિશિષ્ટ રીતે શણગારવામાં આવે છે. એક ગાડાના ધૂંસરા આગળ હાથીનું મોઢું સૂંઢ જેવો આકાર બનાવાય છે, જે હાથિયા તરીકે ઓળખાય છે, ત્‍યારે બીજુ ગાડુ 'ઠાઠું'તરીકે ઓળખાય છે. આ મેળો ખેડૂતો માટે વરસનો વરતારો જોવા માટે ભરાય છે.

માધવપુર - ઘેડનો મેળો

માધવપુર - ઘેડનો મેળો


માધવપુરનો મેળો એટલે ઘેડની પ્રકૃતિ અને સંસ્‍કૃતિની સાચી ઓળખ ચૈત્રની રામનવમીથી તેરસ સુધી સતત પાંચ દિવસ સુધી પોરબંદર નજીક આવેલા માધવપુર ગામે માધવરાયનો મેળો યોજાય છે.સૌરાષ્ટ્રના લોકજીવન અને લોકસંસ્‍કૃતિનું દર્પણ ગણાય છે.રાત્રિના સમયે ઠેરઠેર બહેનો મળી મોડી રાત સુધી રાસડા ગાય, જુવાનિયા પણ ટોળે મળી સોરઠી દુહાઓની રમઝટ બોલાવે છે.એમ પાંચ દિવસ નિર્દોષ આનંદ-પ્રમોદમાં વીતે છે.

તરણેતરનો મેળો

તરણેતરનો મેળો


ચોટીલા ડુંગરની ધારે સરોવરને કાંઠે, થાનગઢ પાસે આવેલા તરણેતર ગામને પાદરે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠના રોજ ભરાતા તરણેતરના લોકમેળામાં પૌરાણિક મહત્‍વની સાથોસાથ લોકજીવનનો ધબકાર ગૂંથાયેલો છે. હીરના દોરના ભરતની સુશોભિત છત્રીઓ તેની ખાસિયત છે. સુંદર ભરત ભરેલી સોળ-સોળ સળિયાની છત્રીઓમાં મોતીભરતથી ભરેલા પોપટ,મોરલાંથી સજજ કરેલી છત્રીઓ સાથે-યુવાન યુવતીઓ મન મૂકીને ગરબા રમે છે. ગુજરાત જ નહીં દેશ-વિદેશથી પણ પ્રવાસીઓ, સંશોધકો,ઇતિહાસ પ્રેમીઓ, સહેલાણીઓ મેળો મહાલવા ઉમટે છે.

બહુચરાજીનો મેળો

બહુચરાજીનો મેળો


ચૈત્ર સુદ પૂનમે બહુચરાજીમાતાનો પ્રાગટય દિવસ હોવાથી તે દિવસે બહુચરાજીમાં લોકમેળો ભરાય છે.ગુજરાતમાં આવેલી ત્રણ શકિતપીઠોમાંથી એક છે, જે ઉત્તર ગુજરાતના મહેસાણા-જિલ્લામાં ચુંવાળ પથંકમાં આવે છે. શ્રધ્‍ધા ભકિત અને શકિતનો ત્રિવેણી સંગમ એટલે બહુચરાજીનો મેળો.

ડાકોરનો રણછોડરાયનો મેળો

ડાકોરનો રણછોડરાયનો મેળો


આ મેળો અંગે વાત કરીએ તો દર વર્ષ માણેકઠારી પૂનમે તેમજ જન્‍માષ્‍ટમીએ ડાકોરમાં મેળાવડો હોય છે.શરદપૂનમના ત્રિદિવસીય મેળામાં મોટી સંખ્‍યામાં જનમેદની ઊમટે છે, આ અવસરે ભગવાન રણછોડરાયને કીમતી આભૂષણો,અલંકારો અને રેશ્‍મી વષાોથી શણગારવામાં આવે છે.

રવેચીમાતાનો લોકમેળો

રવેચીમાતાનો લોકમેળો


વાગડ પંથકમાં ભાદરવા સુદ સાતમ-આઠમે કચ્‍છના રાપર તાલુકાના ‘રવ'ગામે રવેચી માતાનો ભાતીગળ મેળો ભરાય છે.જેમાં ખાસ કરીને ખેડૂતવર્ગના લોકો મોટી સંખ્‍યા ઊમટી પડે છે.ગ્રામજનો પોતાના બળદ,ઊંટ,ઘોડાને શણગારી સજાવીને મેળામાં આવે છે.રંગબેરગી દોરાથી ગૂંથાયેલ પંખી,ફૂલ,વેલ, બુટ્ટા અને આભલાનું ભરતકામ જોવા એકવાર તો મેળામાં જરૂર જવું જોઇએ.

ભાદરવી પૂર્ણિમાનો અંબાજીનો મેળો

ભાદરવી પૂર્ણિમાનો અંબાજીનો મેળો


ગુજરાતના સુપ્રસિધ્‍ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમે પ્રતિવર્ષ લોકમેળો યોજાય છે. આ મેળાનું ભકતજનો અને શ્રધ્‍ધાળુઓમાં ખૂબ મોટું માહાત્‍મય છે. જેમાં ખેડૂતો તેમજ અન્‍ય સર્વકોમના લોકો મોટી સંખ્‍યામાં દર્શનાર્થે ઊતરી પડે છે.

ભાવનગરમાં નિષ્કલંક મહાદેવનો મેળો

ભાવનગરમાં નિષ્કલંક મહાદેવનો મેળો


પ્રતિવર્ષ માત્ર ભાદરવી અમાસના દિવસે ભાવનગર પાસે સમુદ્રની ઓટના થોડા કલાકો દરમિયાન જ નકલંક મહાદેવનાં દર્શન થાય છે.માટે તે દિવસે મેળો ભરાય છે.ગોહિલવાડ પંથકમાંથી રંગરંગની ધજાઓ લઇને સંઘો પગયાત્રા આવે છે.દરિયાની ભરતી ઊતરે એટલે ભોળાનાથ દર્શન દે ત્‍યારે સૌ પ્રથમ તેમના ઉપર ધજા ચઢાવવાની હરીફાઇ થાય છે.

શાહઆલમ અને સરખેજના મેળા

શાહઆલમ અને સરખેજના મેળા


અમદાવાદના સુપ્રસિધ્‍ધ મેળો સંત શાહઆલમની યાદમાં યોજાય છે, જયારે સરખેજનો મેળો શાહ અહમદ ખટ્ટું ગંજબક્ષ સાહેબની કબર પાસે તળાવના કિનારે ભરાય છે.

આદિવાસી મેળો

આદિવાસી મેળો

ગુજરાતનો આદિવાસી મેળો

મેળામાં મોજ મસ્તી

મેળામાં મોજ મસ્તી

ગુજરાતના મેળાઓમાં ચકડોળ અને ચાકડામાં બેસીને સ્થાનિક લોકો મોજ મસ્તી કરે છે.

ગુજરાતનો ભાતીગળ મેળો

ગુજરાતનો ભાતીગળ મેળો

ગુજરાતના ભાતીગળ મેળામાં ચિત્ર-વિચિત્ર મેળો જાણીતો અને લોકપ્રિય છે.

લોક સંસ્કૃતિની ઝાંખી

લોક સંસ્કૃતિની ઝાંખી

આ મેળાઓમાં પરંપરાગત વેશ - વસ્ત્ર પરિધાનમાં આવતા લોકો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે.

મર્દની મર્દાનગી

મર્દની મર્દાનગી

પોતાની અસલ છટામાં આ ગુજરાતીએ પોતાની મર્દાનગી દર્શાવી ગામની ગોરીઓને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે.

English summary
Address of fun and tradition : fair and festivals of Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X