હેરીટેજ થીમ પર આધારિત ફ્લાવર શોનું રૂપાણીએ કર્યું ઉદ્ધાટન
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તા.30 ડિસેમ્બરે અમદાવાદ મહાપાલિકા આયોજિત ફલાવર શો-2018નો સવારે 9:30 કલાકે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ફલાવર શો આગામી 9 જાન્યુઆરી-2018 સુધી સવારે 10 થી રાત્રે 9 દરમિયાન જાહેર જનતા માટે સાબરમતી રિવર ફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડ ટાગોર હોલની પાછળ ખુલ્લો રહેશે. અમદાવાદમાં વર્ષ 2013ના વર્ષથી યોજાઇ રહેલા આ ફલવાર-શોની આ વર્ષની 6ઠ્ઠી શૃંખલામાં 1 લાખ ચોરસ મીટર વિશાળ જગ્યામાં ફલાવર-શો નું આયોજન મહાપાલિકાએ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે યોજાતા આ ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજરી આપીને આ ફ્લાવર શોમાં સફળ બનાવે છે.
નોંધનીય છે કે આ વખતે હેરિટેજ થીમ પર ફ્લાવર શોનું આયોજન થયું છે. હાલમાં જ અમદાવાદને દેશની પ્રથમ હેરિટેજ સીટી તરીકે દરજ્જો પ્રાપ્ત થયો છે. જેના આધારીત આ વખતના ફ્લાવર શોમાં પણ તેની ઝાંખી બતાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રતિ વર્ષ યોજાતા ફલવાર-શો માં મુખ્યત્વે દેશ-વિદેશનાં વિવિધ જાતોના ફુલોના રોપાઓનું તેમજ ફુલોમાંથી બનાવેલા જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓ તેમજ સ્થાપત્યોના સ્કલ્પચરનું પ્રદર્શન રાખવામાં આવે છે. ઉપરાંત દેશના અન્ય રાજ્યોની ખ્યાતનામ નર્સરીઓ, જંતુનાશક દવા, બિયારણ, ખાતર અને ગાર્ડનના ઓજારોના વેચાણ માટેના સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવે છે. મુલાકાતીઓ ખુબ મોટા પાયે ફુલ-છોડના રોપા અને દવા, બીયારણ, ખાતર, ઓજારો વગેરેની ખરીદી અહીથી કરે છે.