
અરવલ્લીઃ મોડાસામાં એક જ રાતમાં 12 ઘરના તાળા તૂટ્યા
અરવલ્લી જિલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મોડાસાના માલપુર રોડ પાર આવેલા તિરૂપતિ આનંદવિલા અને મધુવન રેસિડન્સીમાં એક જ રાતમાં 12 મકાનોના તાળા તૂટ્યા છે. તસ્કરો લાખો રૂપિયાના મુદ્દામાલની તસ્કરી કરી છે. તસ્કરોએ આમ એક સાથે 12 ઘરમાં ચોરી પોલીસ સામે પડકાર ફેંક્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસા શહેરમાં માલપુર રોડ પર આવેલા તિરૂપતિ આનંદવિલા અને મધુરમ રેસિડન્સીમાં ગત રાત્રીએ તસ્કરોએ 12 મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. તિરૂપતિ આનંદવીલા રેસિડન્સીમાં સોસાયટીમાં રહીશો પોતાના ઘરની બહાર ઓસરીમાં સુતા હતા, તે સમયે તસ્કરોએ દરવાજાઓના નકુચાઓ તોડી ઘરમાં દાખલ થયા હતા. ઘરમાંથી રોકડ તથા દાગીનાની તસ્કરી કરી તેઓ પલાયન થઇ ગયા હતા. તસ્કરોએ એજ એમ.ઓ નજીક સહયોગ ચાર રસ્તા પાસે આવેલ મધુવન રેસીડેન્સીના પણ ચાર મકાનોને નિશાન બનાવ્યા હતા. અહીંયા તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં ચોરી અને ઘરફોડના વધતા જતા કિસ્સાઓ અરવલ્લી પોલીસ માટે પડકાર રૂપ સાબિત થયા છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ તસ્કરો ધાડ પાડવામાં સફળ રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ સહીત એફએસએલ અને ડોગ સ્કવોડ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.