
અરવિંદ કેજરીવાલ બન્યા ભવિષ્યવેતા, કરી વધુ એક ભવિષ્યવાણી
અરવિંદ કેજરીવાલે વધુ એક ભવિષ્યવાણી કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત ચૂંટણીની તૈયારીઓને લઈ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે ફરી એકવાર કાગળ પર લખી દાવો કર્યો છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી અને વરાછાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથેરિયા ચૂંટણી જીતી રહ્યા છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલે મહિલાઓને અપીલ કરી કે તેઓ આમ આદમી પાર્ટીને વોટ આપે અને તેમના પરિવારના બાકી સભ્યોના મત પણ આમ આદમી પાર્ટીના પક્ષમાં જ નખાવે. તેમણે કહ્યું કે આપને વોટ આપવાથી મફત વીજળી, દરેક મહિલાને 1000 રૂપિયા પ્રતિ મહિને, મફત અને સારો ઈલાજ અને મોંઘવારીથી આઝાદી મળશે.
અરવિંદ કેજરીવાલે પંજાબ ચૂંટણી પહેલાં પણ લખીને દાવો કર્યો હતો કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. એક દિવસ પહેલાં તેમણે 27 નવેમ્બરે ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. કેજરીવાલે કહ્યું હતું કે આ કારણે જ ભાજપ પરેશાન છે.
તેમણે કહ્યું હતું કે 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ ખરાબ રીતે હચમચી ગઈ છે. રસ્તા પર જતા કોઈપણ વ્યક્તિ કહેશે કે ભાજપ અથવા આમ આદમી પાર્ટીને વોટ કરશે, પરંતુ પાંચ મિનિટની વાતચીત બાદ ધીરેથી જણાવશે કે આમ આદમી પાર્ટી, કહેવામાં ડર લાગે છે. આ કારણે જ ભાજપ હચમચી ગઈ છે.
કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓને આશ્વાસન આપવા માંગું છું કે અમારી સરકાર બનશે તો 31 જાન્યુઆરી સુધીમાં જૂની પેંશન સ્કીમ લાગૂ કરવાનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે હું આ વાતો હવામાં નથી કહી રહ્યો, પંજાબમાં અમે જૂની પેંશન સ્કીમ લાગૂ કરી દીધી છે.