નોટબંધીઃ એક બેન્કરની નજરે

Written By:
Subscribe to Oneindia News

8 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઘોષણા કર્યા બાદ બેન્કોમાં જૂની ચલણી નોટો બદલવવા તથા જમા કરાવવા આવેલા લોકોની મોટી ભીડ જોવા મળી હતી. મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયની સૌથી વધુ અસર સામાન્ય લોકો પર જોવા મળી. સામાન્ય લોકોને આ દિવસો દરમિયાન ભોગવવી પડેલી મુશ્કેલીઓ અને મુસીબતોના તો અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ પહેલી વાર એક બેન્ક કર્મચારી, કે જે પોતે પણ એક સામાન્ય નાગરિક છે, નોટબંધીના નિર્ણય બાદની પરિસ્થિતિને પોતાની નજરે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

અમદાવાદ શહેરની એક મહિલા બેન્કરે નોટબંધી બાદની પરિસ્થિતિ વર્ણવતાં ફેસબૂક પર એક પોસ્ટ લખી છે, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે. હ્યૂમન્સ ઓફ અમદાવાદ એ આ મહિલાની પોસ્ટ શેર કરી છે. નોટબંધીના નિર્ણય બાદનો પહેલો દિવસ બેન્ક કર્મચારીઓ માટે પણ એટલો જ મુંઝવણવાળો હતો, જેટલો સામાન્ય જનતા માટે. નોટબંધી બાદ બેન્ક કર્મચારીઓને ઘણા ખાસ નિર્દેશ અને નવા નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી, જે તેમને માટે પણ નવી હતી. આ બેન્ક કર્મચારીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, નોટબંધી બાદનો પહેલા દિવસનો અનુભવ તેમના માટે પણ ખાસો ડરામણો હતો.

banker

ફેસબૂક પોસ્ટ

નોટબંધીનો નિર્ણય બેન્ક કર્મચારીઓ માટે પણ એટલો જ ચોંકાવનારો હતો, જેટલો સામાન્ય જનતા માટે. અમે આ પ્રકારની પરિસ્થિતિ અને આ નિર્ણયથી આવનારી સમસ્યાઓ માટે બિલકુલ તૈયાર નહોતા. વરિષ્ઠ અધિકારીઓ તરફથી અમને એક જ મુખ્ય નિર્દેશ આપવામાં આવ્યો હતો અને તે એ કે ગ્રાહક ભલે ગમે તેટલા ગુસ્સામાં હોય, પરંતુ તમારે શાંતિ રાખવાની છે. મને યાદ છે નોટબંધી પછીનો મારો પહેલો દિવસ, બેન્કની બહાર એક કિલોમીટર લાંબી લાઇન લાગેલી હતી. એ દિવસે મને એવો આભાસ થતો હતો જાણે હું કોઇ લડાઇના મેદાનમાં ઊભી છું.

પછીના દિવસોમાં હાલત વધુ ગંભીર થઇ

ત્યાર પછીના દિવસોમાં જ્યારે નવા નિયમો અને નિર્દેશ આવ્યા, ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર થઇ ગઇ હતી. અમારે રોજ 1500થી 1600 લોકોને અટેન્ડ કરવા પડતા હતા. આમાં તેમના આઇડી પ્રૂફ, ફોર્મની ચકાસણી, જૂની નોટો જમા કરવી, નવી નોટો આપવી જેવા અનેક કામો કરવાના હતા. બેન્ક કર્મચારીઓને ક્યારેય એક સાથે આટલા બધા લોકોને અટેન્ડ કરવાનો વારો નથી આવ્યો. આવી પરિસ્થિતિમાં ઘણી વાર કેશિયર નોટોની ગણતરી પર ધ્યાન નહોતા આપી શકતા.

પોઝિટિવ-નેગેટિવ રિસ્પોન્સ

આ દિવસો દરમિયાન ઘણા લોકોનું વલણ ખૂબ જ હકારાત્મક અને મિલનસાર હતું, તેમણે માનવતાના ધોરણે અમને સહયોગ કર્યો. તો વળી કેટલાક લોકોએ નારાજ થઇ અમારા પર ટિપ્પણી પણ કરી કે, તમે લોકો પસ એસીમાં બેસો, તમારે કંઇ કરવાની જરૂર નથી. આ દિવસો દરમિયાન અમને ખાવા-પીવાનું કે આરોગ્યનું પણ ધ્યાન નહોતુ રહેતું. કામ ઘણું વધારે હતું, આથી જ ઘણીવાર મોડી રાત સુધી પણ કામ કરવું પડ્યું. ઉપાડની રકમ નિશ્ચિત થતાં લોકોના ગુસ્સાનો પણ શિકાર થવું પડતું.

ડરામણો અનુભવ

અમારી એક બ્રાંચ શહેરના પછાત વિસ્તારમાં છે અને ત્યાંની મહિલા કર્મચારીઓને નોટબંધી દરમિયાન ખૂબ ખરીબ અનુભવ થયો હતો. એક દિવસ તે બ્રાંચમાં કોઇ પુરૂષ કર્મચારીઓ નહોતા, માત્ર મહિલા કર્મચારી કામ કરતા હતા, ત્યારે બેન્કની બહાર કેટલાક લોકોની ભીડ જમા થઇ ગઇ હતી. એ લોકો નશામાં હતા અને તેમણે બેન્કનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વણસતા તેમણે પોલીસને જાણકારી આપી. આ દરમિયાન બેન્કના મહિલા કર્મચારીઓ ખૂબ ડરી ગયા હતા. જો કે, કોઇ ગંભીર ઘટના બને તે પહેલા પરિસ્થિતિ કાબૂમાં આવી ગઇ હતી.

નોટબંધીનો સાહસિક નિર્ણય

મને નથી ખબર કે નોટબંધીને કારણે કેટલું કાળું નાણું પકડાયું, પરંતુ નકલી નોટોને બજારમાંથી બહાર કાઢવા માટેનો આ એક સાહસિક નિર્ણય છે. નોટબંધીનો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય, કે ગ્રામીણ વિસ્તારોમાં આની શું અસર થઇ છે તે કહેવું જરા વહેલું છે. પણ હા આ નિર્ણયની અમદાવાદ શહેર પર શું અસર થઇ છે તે હું ચોક્કસ કહી શકું છું. અમદાવાદ શહેરે કેશલેસ ઇકોનોમીને આવકારી છે અને તેને સ્વીકારવાની તૈયારી બતાવી છે. મારી લોકોને વિનંતી છે કે તેઓ ક્રેડિટ કે ડેબિટ કાર્ડના ઉપયોગ પર ભાર મૂકે. ઇન્ટરનેટ બેન્કિગ અને મોબાઇલ બેન્કિગનો ઉપયોગ કરો. સકારાત્મક વલણ અપનાવો અને કાળા નાણા વિરુદ્ધની લડાઇમાં સહયોગ આપો.

આખી પોસ્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો.

English summary
Banker from Ahmedabad shares story what happened just one day after demonetization.
Please Wait while comments are loading...