"કોંગ્રેસની 3 પેઢીએ કરેલ નુકસાનનો હિસાબ માંગે છે ગુજરાત"

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હવે નજીક છે, ત્યારે રાજ્યમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમો શરૂ થઇ ચૂક્યા છે. ભાજપ દ્વારા 15 દિવસ ચાલનારી ગુજરાત ગૌરવ યાત્રાનો રવિવારના રોજ સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કરમસદ પહોંચ્યા હતા. બે તબક્કામાં શરૂ થનાર ગુજરાત ગૌરવ યાત્રાનો પહેલો તબક્કો રવિવારથી નીતિન પટેલની આગેવાની હેઠળ શરૂ થશે, જ્યારે બીજા તબક્કાની યાત્રાની આગેવાની પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કરશે.

'કોંગ્રેસ ગુજ.ને કરેલ અન્યાયનો હિસાબ આપે'

'કોંગ્રેસ ગુજ.ને કરેલ અન્યાયનો હિસાબ આપે'

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ પ્રસંગે સંબોધન કરતાં કહ્યું કે, આ એ ભૂમિ છે, જ્યાંથી સરદારે આજના ભારતને એક કરવાની શરૂઆત કરી હતી, આજે ત્યાંથી જ ભાજપ ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરશે. કોંગ્રેસના નેતાઓ ભાજપ પાસે વિકાસનો હિસાબ માંગે છે, પરંતુ ગુજરાત કોંગ્રેસની 3 પેઢીઓએ રાજ્યને કરેલ અન્યાયનો હિસાબ માંગે છે. વર્ષ 1995 સુધી ગુજરાતની શું સ્થિતિ હતી? દરરોજ ગોળીબાર થતા હતા. રાજ્યમાં શાંતિ સ્થાપવાનું કામ મોદી સરકારે કર્યું.

'કોંગ્રેસ વિકાસને મજાક ગણે, અમે મિજાજ ગણીએ છીએ'

'કોંગ્રેસ વિકાસને મજાક ગણે, અમે મિજાજ ગણીએ છીએ'

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભાનું સંબોધન કર્યું હતું, તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું કે, સરદાર પટેલને કોંગ્રેસે ક્યારેય આગળ ન આવવા દીધા. નેહરુ કુટુંબે હંમેશા સરદારને દૂર રાખ્યા. કોંગ્રેસે સરદાર, આંબેડકર, સાવરકર, સુભાષચંદ્ર બોઝને હાંસિયામાં ધકેલીને માત્ર પરિવારને જ મહત્વ આપ્યું. તેઓ(કોંગ્રેસ) ભલે વિકાસને મજાક ગણે, અમે વિકાસને મિજાજ ગણીએ છીએ. જો કોંગ્રેસે ખેડૂતોને ગોળીઓ મારેલી, તેઓ હવે કયા મોઢે ખેડૂતોની વાતો કરે છે? લાઠીચાર્જ કરનારાના મોઢે ખેડૂતોની વાત શોભતી નથી.

'રાહુલ ગાંધી યુવા કે બાળકબુદ્ધિ?'

'રાહુલ ગાંધી યુવા કે બાળકબુદ્ધિ?'

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પોતાના સંબોધનમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીને નિશાના પર લીધા હતા. તેમણે કહ્યું કે, સરકારનું કામ પ્રજા સુધી પહોંચાડવાનું ભાજપે શરૂ કર્યું છે. સરદાર પટેલના સ્વપ્નો પૂરા કરવા માટે પીએમ મોદી કાર્યરત છે. કોંગ્રેસના કોઇ શાસકો નર્મદા યોજનાનું કામ પૂર્ણ નહોતા કરી શક્યા. રાહુલ ગાંધી યુવાન છે કે બાળકબુદ્ધિ એ દેશ નક્કી નથી કરી શકતો. તેમની પાસે દેશનો વિકાસ કરવા જેટલી માનસિક પરિપક્વતા નથી.

'ગુજરાત ગૌરવ યાત્રા એ કોંગ્રેસની અંતિમ યાત્રા'

'ગુજરાત ગૌરવ યાત્રા એ કોંગ્રેસની અંતિમ યાત્રા'

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અહીં કહ્યું કે, કોંગ્રેસે વર્ષ 2002માં થયેલ ગૌરવ યાત્રાને ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો, આજે પણ એ જ પરિસ્થિતિ છે. આ જ કોંગ્રેસનો સ્વભાવ રહ્યો છે. ગુજરાત ગૌરવ યાત્રા એ કોંગ્રેસની અંતિમ યાત્રા બની રહેવાની છે.

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કહ્યું કે, આજે સમગ્ર રાજ્યના દરેક ઘરમાં વીજળી પહોંચી છે, આનું નામ વિકાસ કહેવાય. કોઇએ ક્યારેય વિચાર્યું હશે, કે સાવ સુકી સાબરમતીમાં નર્મદાના નીર વહેશે? ગુજરાતની નદીઓને એકબીજા સાથે જોડવાનું કામ શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે.

English summary
Gujarat: 1st phase of BJP's Gujarat Gaurav Yatra started from Karamsad on Sunday.
Please Wait while comments are loading...