• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત પોલીસ અધિકારીઓની વર્તણૂક પર નજર રાખવા બૉડી કૅમેરા લગાવાશે- BBC TOP NEWS

By BBC News ગુજરાતી
|

એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્ય પોલીસના સબ-ઇન્સ્પેક્ટર કરતાં ઊંચા હોદ્દાના અધિકારીઓને તેમની પબ્લિક સાથેની વર્તણૂક પર નજર રાખવા માટે બૉડી કૅમેરા આપવામાં આવશે. આ કૅમેરા કંટ્રોલ રૂમ સાથે સીધા જોડાયેલા હશે.

નોંધનીય છે કે USA અને અન્ય વિકસિત દેશોની પોલીસ દ્વારા બૉડી કૅમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.

એક પત્રકારપરિષદ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતી વખતે મુખ્ય મંત્રીએ કહ્યું કે આ કૅમેરા અધિકારીના ગણવેશ પર પીન કરાયેલા હશે, જેની લાઇવ ફીડ કંટ્રોલ રૂમમાં ચલાવવામાં આવશે.

તેમણે કહ્યું કે ટ્રાફિક વિભાગમાં કાર્યરત ઇન્સ્પેક્ટરો અને સબ ઇન્સ્પેક્ટરોને પ્રથમ તબક્કામાં આવરી લેવામાં આવશે.

તેમણે ઉમેર્યું, “આ માટે કૅમેરા મેળવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. પોલીસવાળા એ પ્રજાના રખેવાળ છે તેમણે ક્યારેય સામાન્ય માણસને તકલીફ આપવી જોઈએ નહીં."

"આ કૅમેરા વડે આપણે પોલીસ અધિકારીઓનું જનતા સાથે કેવી વર્તન કરે છે તે જોઈ શકીશું. આટલું જ નહીં આ પ્રક્રિયાથી ન માત્ર પોલીસનું વર્તન સુધરશે પરંતુ પોલીસ સામે થતા ખોટા આક્ષેપો સામે પણ તેમને રક્ષણ મળી શકશે.”


ટ્રમ્પ વિરુદ્ધ સેનેટમાં સોમવારે સુનાવણી

અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સોમવારથી ટ્રાયલ શરૂ થશે.

સોમવારે જ નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સથી તેમની વિરુદ્ધ આર્ટિંકલ ઑફ ઇમ્પીચમેંટ સેનેટને મોકલવામાં આવશે.

નીચલા ગૃહમાં તેમની વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પહેલાંથી પસાર થઈ ચૂક્યો છે. હવે સેનેટમાં ટ્રમ્પ વિરુદ્ધ બળવાની ઉશ્કેરણીનો કેસ ચાલશે.

છ જાન્યુઆરીના રોજ તેમના ભાષણની તરત બાદ તેમના સમર્થકોએ અમેરિકન સંસદભવન પર હુમલો કરી દીધો હતો જેમાં પોલીસકર્મી સહિત કુલ પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

સેનેટ નેતા અને ડેમૉક્રૅટિક પાર્ટીના ચક શૂમરે કહ્યું છે કે ટ્રમ્પ વિરુદ્ધ ફરીથી ટ્રાયલ થશે.

રિપબ્લિકન સાંસદ ઇચ્છે છે કે ટ્રમ્પ વિરુદ્ધના કેસને ફેબ્રુઆરી સુધી ટાળી દેવામાં આવે જેથી ટ્રમ્પ પોતાના બચાવની તૈયારી કરી શકે.

જો સેનેટમાં ટ્રમ્પ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર થઈ જાય છે તો ભવિષ્યમાં પબ્લિક ઑફિસ માટે તેઓ અયોગ્ય જાહેર થઈ જશે.

સેનેટમાં ડેમૉક્રૅટિક પાર્ટીને બહુમત જરૂર હાંસલ છે પરંતુ પ્રસ્તાવ પસાર કરવા માટે બે તૃતિયાંશ બહુમતની જરૂર છે અને તેના માટે ઓછામાં ઓછા 17 રિપબ્લિકન સાંસદોના મતની જરૂર પડશે.

અમુક રિપબ્લિકન સાંસદ ટ્રમ્પના વ્યવહારથી અત્યંત નારાજ છે અને નીચલા ગૃહમાં તેમની પાર્ટીના જ 10 સાંસદોએ તેમની વિરુદ્ધ મત આપ્યો હતો પરંતુ સેનેટમાં 17 સાંસદ ટ્રમ્પ વિરુદ્ધ મત આપશે કે કેમ, તે હાલ કહેવું મુશ્કેલ છે.


ગુજરાતમાં વધુ કેટલાંક સ્થળોએ મરઘાંમાં બર્ડ ફ્લૂના કેસ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું કે ગુજરાત અને ઉત્તરાખંડના વધુ કેટલાક જિલ્લામાં મરઘાંમાં બર્ડ ફ્લૂ હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે અત્યાર સુધી કેરળ, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને પંજાબનાં મરઘાંમાં બર્ડ ફ્લૂ હોવાનું સામે આવ્યું છે.

મિનિસ્ટ્રી ઑફ ફિશરિઝ, એનિમલ હસબંડરી અને ડેરિઇંગના એક નિવેદનમાં કહેવાયું છે કે ઉત્તરાખંડના અલમોરા જિલ્લા અને ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાનાં મરઘાંના સૅમ્પલ બર્ડ ફ્લૂ માટે પૉઝિટિવ મળી આવ્યાં છે.

નોંધનીય છે કે ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી જુદા જુદા વિસ્તારોના જુદાં જુદાં પક્ષીઓમાં બર્ડ ફ્લૂના કેસો મળી આવ્યા છે. તેમજ સંખ્યાબંધ સ્થળોએ પક્ષીઓ રહસ્યમય રીતે મૃત્યુ પામેલી અવસ્થામા મળી આવતાં ચિંતામાં વધારો થયો છે.

અહેવાલ પ્રમાણે જમ્મુ-કાશ્મીરના કુલગામ, અનંતનાગ, બડગામ અને પુલવામા વિસ્તારોમાં કાગડામાં બર્ડ ફ્લૂ હોવાની વાતની પુષ્ટિ થઈ છે.


હિંદ મહાસાગર પ્રદેશના રક્ષા મંત્રીઓની કૉન્ક્લેવ ભારતમાં

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ અનુસાર બેંગાલુરુ ખાતે આયોજિત ઍરો ઇન્ડિયા કાર્યક્રમ દરમિયાન હિંદ મહાસાગર પ્રદેશના દેશોના સંરક્ષણમંત્રીની કૉન્ક્લેવની મેજબાની કરશે.

નોંધનીય છે કે એક બાજુ હિંદ મહાસાગર પ્રદેશમાં ચીનની સેનાની સક્રિયતા વધતી જઈ રહી છે ત્યારે ભારત આ કૉન્ક્લેવનું આયોજન કરવાનું છે.

એક અધિકારીએ આ વિશે માહિતી આપતાં અખબારને જણાવ્યું, “હિંદ મહાસાગર રિજનમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધે તે માટે સંસ્થાકીય અને સહકારના વાતાવરણમાં ચર્ચા થઈ શકે તે હેતુથી આ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે.”

તેમણે આગળ કહ્યું, “શાંતિમાં વધારો, હિંદ મહાસાગરમાં સુરક્ષા અને સહકાર વધે તે આ કૉન્ક્લેવની થીમ હશે. હિંદ મહાસાગર રિજનમાં સંસાધનો અને પ્રયત્નો વચ્ચે સુમેળ સાધવાનો આ કૉન્ક્લેવનો હેતુ હશે.”

https://www.youtube.com/watch?v=OktuAhwwnwM


ગુજરાત : 'ભ્રષ્ટાચારના કેસોમાં દોષી ઠેરવવાનો આંકડો બમણો

ધઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ACBના ડિરેક્ટર કેશવ કુમારે એક પત્રકારપરિષદમાં જણાવ્યું કે રાજ્યમાં ACB દ્વારા રજિસ્ટર કરાયેલા ગુનાઓમાં કન્વિક્શન રેટ એટલે કે દોષી ઠેરવવાનો આંકડો 23 ટકાથી વધીને 41 ટકા થઈ ગયો છે.

આ અંગેનું કારણ આપતા તેમણે કહ્યું કે, મુકદમા પર વિશેષ ભાર અને સાયન્ટિફિક અને ફૉરેન્સિક આધારિત તપાસને લીધે આ શક્ય બન્યું છે.

ACB દ્વારા વધુ સંખ્યામાં દાખલ કરાતા અપ્રમાણસર મિલકતના કેસોને તેમણે એક સિદ્ધિ ગણાવી હતી.

તેમણે કહ્યું કે સરકાર દ્વારા વિભાગમાં ચાર્ટર્ડ એકાઉન્ટ, રેવન્યુ એડવાઇઝર અને ફૉરેન્સિક ઍડ્વાઇઝરની નિમણૂકને કારણે ગુના ઉકેલવામાં અને ભ્રષ્ટાચારના કેસો વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થઈ છે.

નોંધનીય છે કે વર્ષ 2021માં ACBએ અપ્રમાણસર મિલકતના 38 કેસો દાખલ કર્યા હતા. જેમાં 50.11 કરોડની સંપત્તિ સામેલ હતી. જ્યારે વર્ષ 2021માં અત્યાર સુધી અપ્રમાણસર મિલકતના બે કેસોમાં જ 33 કરોડની સંપત્તિ મળી આવી છે.

તેમણે કહ્યું કે આ વર્ષે વિભાગ 150 કરોડની અપ્રમાણસર સંપત્તિના કેસો કરવાનું લક્ષ્ય ધરાવે છે.


https://youtu.be/OktuAhwwnwM

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Body cameras will be installed to monitor the behavior of Gujarat police officers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X