ગાંધીનગર: નવા વર્ષની શરૂઆતમાં CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં કર્યા દર્શન, ગુજરાતવાસીઓને પાઠવી શુભકામના
ગાંધીનગર: વિક્રમ સંવત 2082ના શુભારંભ નિમિત્તે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે આજે સવારે ગાંધીનગર (Gandhinagar)સ્થિત પંચદેવ મંદિરમાં દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. તેમણે રાજ્યના નાગરિકોને નૂતન વર્ષ ફળદાયી નીવડે અને નવી આશા-આકાંક્ષાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.

પંચદેવ મંદિરે દર્શન બાદ CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "નવું વર્ષ દરેક ગુજરાતીઓને ફળે તેવી પ્રાર્થના કરું છું. નવી આશા, અરમાન અને આકાંક્ષાઓ સફળ થાય. દેશવાસીઓએ સ્વદેશી ખરીદી પર મહોર લગાવી છે અને આત્મનિર્ભરતાના સંકલ્પને પૂર્ણ કરવા માટે ગુજરાતીઓ સંપૂર્ણપણે તૈયાર છે."
ગાંધીનગરનું પંચદેવ મંદિર
ગાંધીનગરના સેક્ટર 22માં આવેલું પંચદેવ મંદિર અનેક રીતે ખાસ છે. આ મંદિરની સ્થાપના વર્ષ 1972માં કરવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે, જ્યારે ગુજરાતની રાજધાની તરીકે ગાંધીનગરની ઘોષણા કરવામાં આવી, ત્યારે આ નવા શહેર (ગાંધીનગર) માં એક પણ મંદિર નહોતું. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શહેરમાં સૌપ્રથમ પંચદેવનું મંદિર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ રીતે, પંચદેવ મંદિર ગાંધીનગરમાં નિર્માણ પામેલું પ્રથમ મંદિર છે. શહેરના રહેવાસીઓ આ મંદિર પ્રત્યે અસીમ શ્રદ્ધા ધરાવે છે અને મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે આવે છે.
નવા વર્ષ નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ
CM ભૂપેન્દ્ર પટેલ નવા વર્ષના દિવસે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને નાગરિકો સાથે શુભેચ્છાની આપ-લે કરશે.
સવારે: પંચદેવ મંદિરના દર્શન બાદ તેઓ ત્રિમંદિરમાં પણ દર્શન કરશે.
મંત્રીમંડળ નિવાસ સંકૂલ: અહીં તેઓ નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે માટે સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાશે.
અમદાવાદ: સવારે 10 વાગ્યે તેઓ ભદ્રકાળી માતાજીના દર્શન કરશે અને ત્યારબાદ 10:30 વાગ્યે નાગરિકો સાથે મુલાકાત કરશે.
પોલીસ અધિકારીઓને શુભેચ્છા: 11:45 વાગ્યે શાહીબાગમાં પોલીસ અધિકારીઓને મળીને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવશે.
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે.












Click it and Unblock the Notifications
