નવા વર્ષે ગુજરાતમાં ઠંડીનું જોર વધશે, હવામાન વિભાગની મોટી આગાહી
નવા વર્ષની શરૂઆતથી જ ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
1 જાન્યુઆરીથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી ચાર દિવસમાં તાપમાન વધુ નીચે જવાની સંભાવના છે, જેના પગલે 31 ડિસેમ્બર પહેલા જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ નવા વર્ષની ઉજવણી પૂર્વે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ, ઠંડા દિવસો અને શીત લહેરની ચેતવણી જારી કરી છે. IMDના મતે, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં 1 જાન્યુઆરી સુધી રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહી શકે છે. આ ઉપરાંત, 28 અને 29 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારના કેટલાક વિસ્તારોમાં શીત દિનની સ્થિતિ રહેશે.
હવામાન વિભાગે ઉમેર્યું હતું કે, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં 28-29 ડિસેમ્બર સુધી ઠંડીની લહેર છવાયેલી રહેવાની શક્યતા છે. હાલમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી ઓછું 11.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા શહેર ઠંડુંગાર બન્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ નવી આગાહી આવી છે, જે મુજબ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. તેમની આગાહી પ્રમાણે, 29 થી 31 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પ્રદેશોમાં આકરી ઠંડી પડશે, જેને કારણે જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં પણ જઈ શકે છે. આ જ સમયગાળા દરમિયાન એટલે કે 29 થી 31 ડિસેમ્બર દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે.
અંબાલાલ પટેલની આગાહી જણાવે છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કડકડતી ઠંડી પડશે. આ સિવાય મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના રાજકોટ, કચ્છ અને અમરેલી તેમજ વલસાડના ભાગોમાં પણ ઠંડીની તીવ્રતા વધશે. જોકે, આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, પરંતુ માવઠાની કોઈ અસર વર્તાશે નહીં.
જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વધુ એક પ્રભાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર ગુજરાતના ભાગો સુધી પણ વર્તાઈ શકે છે. આનાથી ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે અને સમગ્ર જાન્યુઆરી માસ ઠંડો રહેવાની સંભાવના છે. ખાસ કરીને, 11 જાન્યુઆરીથી ઠંડીમાં વધુ વધારો થશે અને 17 જાન્યુઆરી બાદ હાડ ધ્રૂજાવતી કાતિલ ઠંડી પડશે.












Click it and Unblock the Notifications
