Gujarat Budget 2026 : ગુજરાતના બજેટ અંગે કોંગ્રેસે શું કહ્યું?
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા વર્ષ 2026-27ના બજેટ પર વિપક્ષી નેતા અમિત ચાવડાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે સરકારના આ આયોજનને જનતાની અપેક્ષાઓ પર પાણી ફેરવનારું અને માત્ર સપનાઓ બતાવનારું બજેટ ગણાવ્યું છે.

અમિત ચાવડાએ જણાવ્યું કે જનતાને ડબલ એન્જિન સરકાર પાસેથી બેવડા લાભની આશા હતી, પરંતુ બજેટમાં માત્ર વર્ષ 2047ના સપના જ પીરસવામાં આવ્યા છે. જમીની સ્તરે કોઈ નક્કર કામગીરી કરવાને બદલે સરકાર માત્ર આભના તારા બતાવતી વાતો કરી રહી છે.
ખેડૂતોની સ્થિતિ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે ભારે નુકસાની વચ્ચે પણ દેવા માફી કે પાક વીમા યોજના જેવી કોઈ રાહત જાહેર કરવામાં આવી નથી. આ બજેટમાં જગતના તાતની આશા અને અપેક્ષાઓ સદંતર રીતે અધૂરી રહી હોવાનો દાવો વિપક્ષ દ્વારા કરાયો છે.
મહિલાઓના મુદ્દે સરકારને ઘેરતા ચાવડાએ અન્ય રાજ્યોની કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે મોંઘવારી સામે રાહત આપવા માટે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત આ બજેટમાં ક્યાંય જોવા મળી નથી.
ગુજરાતની મહિલાઓની સરખામણી 'અળખામણી બહેનો' સાથે કરતા કોંગ્રેસ નેતાએ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. આમ, વિપક્ષ દ્વારા રાજ્ય સરકારના આ નવા નાણાકીય લેખાજોખાને માત્ર કાગળ પરના જ ઘોડા ગણાવી વિરોધ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
