ગાંધીનગરમાં દેખાવો કરી રહેલા કોંગી ધારાસભ્યોની અટકાયત, પોલિસ સાથે ઘર્ષણમાં વિપક્ષ નેતાને ઈજા
ગાંધીનગરમાં વિધાનસભા સંકુલ ખાતે દેખાવો કરી રહેલા કોંગ્રેસી ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, વિરોધ પક્ષના નેતા અને અન્ય કોંગી ધારાસભ્યો શાંતિપૂર્ણ રીતે દેખાવો કરી રહ્યા હતા એ વખતે પોલિસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. પોલિસ સાથે કોંગ્રેસી ધારાસભ્યોનુ ઘર્ષણ પણ થયુ હતુ જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીને માથાના ભાગે ઈજા થવા પામી છે.
તમને જણાવી દઈએ કે ગઈ કાલે મોડી રાતે પ્રદેશ કોંગ્રેસની બેઠક બાદ ધારાસભ્યો આક્રમક મોડમાં આવી ગયા છે. વિપક્ષ નેતાના કાર્યાલય ખાતે કોંગ્રેસના ધારાસભ્યો એકઠા થયા હતા. તાઉતે વાવાઝોડા પછી માછીમારો અને ખેડૂતોને પૂરુ વળતર ન ચૂકવવા બાબતે કોંગ્રેસ ગાંધીનગર ખાતે દેખાવો કરીને સરકારીની પોલ ખોલી રહી હતી. તેમની માંગ છે કે તાઉતે વાવાઝોડા અસરગ્રસ્ત માછીમારો અને ખેડૂતોને પૂરતુ વળતર આપવામાં આવે. કોંગ્રેસના આ વિરોધના પગલે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.