દાહોદ યુવતી અત્યાચારઃ કોંગ્રેસે જિલ્લા પોલિસવડાને અને મહિલા સંગઠનોએ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર
દાહોદમાં યુવતી પર થયેલ અત્યાચારના બનાવો સમાજમાં બીજી વાર ન બને તે હેતુથી આજે દાહોદ જિલ્લાવડાને કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
દાહોદ જિલ્લાના ધાનપુરના ખજૂરી ગામે યુવતીને પાંચ દિવસ અગાઉ આપવામાં આવેલી તાલિબાની સજાના પડઘા ચારે તરફ પડી રહ્યા છે. દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવાર મહિલાઓ સાથે બનતા અત્યાચારોના બનાવો દૂર થવા જોઈએ અને મહિલાઓને સમ્માન આપવાના બદલે તેમની સાથે આટલી હદે અભદ્ર વર્તન કરવુ અત્યંત શોભનીય કૃત્ય છે. આવા બનાવો સમાજને કલંકિત કરતા આવ્યા છે. મહિલાઓ પર અત્યાચાર ગુજારનારા 19 આરોપીઓને કડકમાં કડક સજા મળે અને આવા બનાવો સમાજમાં બીજી વાર ન બને તે હેતુથી આજે દાહોદ જિલ્લાવડાને કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય વરચેસિંહ પરમાર, ધારાસભ્ય ચંદ્રિકાબેન વારિયા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હર્ષદ મિનામા, માજી સાંસદ પ્રભાબેન તારિયા અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ દાહોદજિલ્લા પોલિસ વડાને આવેદનપત્ર પાઠવીને આરોપીઓને કડકમાં કડક સજા આપવા માટે ભલામણ કરી હતી. દાહોદ જિલ્લા પોલિસ વડાએ પણ જણાવ્યુ હતુ કે પોલિસે તમામ આરોપીઓને પકડી લીધા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ મહિલા પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે તમામ કાયદાકીય કલમો હેઠળ તેમના પર કાર્યવાહી કરી કડકમાં કડક સજા આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. મહિલા અત્યાચારનો આખા બનાવનો વીડિયો શૂટ કરીને વાયરલ કરનાર સામે પણ સાઈબર ક્રાઈમ દ્વારા ગુનો નોંધી તેની પણ ધરપકડ કરવામાં આવશે તેમ પણ તેમણે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ.
તમને જણાવી દઈએ કે આ સંદર્ભે દેવગઢ મહિલા સંગઠન, વનીતા મહિલા સંગઠન, મહિલા શાખા સામાખ્યાની મહિલાઓ પણ આગળ આવી છે. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મહિલા સામેના આવા અત્યાચારો અટકે તે માટે રજૂઆત કરી હતી. સંગઠનના મહિલા સભ્યએ જણાવ્યુ હતુ કે દીકરી બચાવોને માત્ર એક સૂત્ર તરીકે ન રાખતા ખરા અર્થમાં તેને ચરિતાર્થ કરવુ જોઈએ અને દાહોદમાં અવારનવાર મહિલાઓ પર થતા અત્યાચારોને અટકાવવા જોઈએ.












Click it and Unblock the Notifications
