ખોટા ઓપીનીયન પોલ ચૂંટણી પંચની આચારસંહિતા ઉલ્લંઘન છેઃ કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા સરેઆમ ચૂંટણીની આદર્શ આચારસંહિતાના નિયમોની ઠેકડી ઉડાવાઈ રહી છે. દાંતાના ભાજપના ઉમેદવાર હાર ભાળી ગયા હોવાથી મતદારોને જાહેરમાં રૂપિયા વહેંચી રહ્યા છે તેવો વિડીયો બહાર આવ્યો છે. ચૂંટણી પંચે આ બાબતે કડક પગલા લઇ ઉમેદવારની ઉમેદવારી રદ કરવી જોઈએ જેથી કરીને અન્ય તત્વો ઉપર એક આદર્શ દાખલો બેસાડાય, પરંતુ ચૂંટણી પંચનો ભૂતકાળનો અનુભવ પણ લોકશાહીને છાજે તેવો રહ્યો નથી.

અગાઉ ધોળકાના ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા બાબતે પુરાવા સાથે ફરિયાદ કરી હોવા છતાં ચૂંટણી પંચના અધિકારીઓએ નિષ્પક્ષતા દાખવી ન હતી પરિણામે કોંગ્રેસે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા અને કોર્ટ દ્વારા ચાર વર્ષ પછી ભાજપના ઉમેદવારની વિરુદ્ધમાં આદેશ થયો, અને અત્યારે સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલી રહી છે. આમ એક આખી ટર્મ તેઓએ બીનઅધીકૃત હોવા છતાં વિધાનસભામાં હાજર રહ્યા. આચારસંહિતા ભંગની અસંખ્ય ફરિયાદો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ચૂંટણી પંચ પોલીસને તપાસ માટે આદેશ કરે છે અને પોલીસ ફરિયાદીને જ બોલાવીને ધમકીઓ આપી રહી છે. નિષ્પક્ષ ચૂંટણી એ લોકશાહીનું મજબુત પાસું છે પરંતુ આજે ચૂંટણી પંચ સવાલોના ઘેરામાં છે.
ચૂંટણી પંચ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આદર્શ આચારસંહિતા પ્રમાણે ઓપીનીયન પોલ પર પ્રતિબંધ હોવો જોઈએ પરંતુ ભાજપ તરફી ઓપીનીયન પોલ દર્શાવવાની હોડ ચાલી રહી છે. ઓપીનીયન પોલમાં કદી લઠ્ઠાકાંડ, મોરબી દુર્ઘટના, મંદી, બેરોજગારી, પેપર ફૂટવાનો મુદ્દો, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દા પૂછવામાં આવતા નથી. આવા ફેક ઓપીનીયન પોલ દ્વારા મતદારોને ભ્રમિત કરીને આડકતરી રીતે ભાજપને મદદ થઇ રહી છે. ફેક ઓપીનીયન પોલ એ ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતા વિરુદ્ધ છે.












Click it and Unblock the Notifications
