પુત્રએ ખોલી પિતાની પોલઃ ડો. અમિત શાહ સામે ફરિયાદ

મળતા અહેવાલ અનુસાર, આજે વસ્ત્રાપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ શર્માએ ડો. અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે, તેમણે ડો. અમિત શાહ પર ઓરોપ મુક્યો છે કે, તેમણે પોલીસ સમક્ષ ખોટું નિવેદન આપી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે અને પોતાના પુત્રને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધાવાઇ છે. પોલીસે ફરાર ડો. અમિત શાહની શોધખોળ હાથ ચલાવી છે અને તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નોંધનીય છે કે, 24 ડિસેમ્બર રવિવારે રાત્રે જજીસ બંગલો પાસે થયેલા આ હિટ એન્ડ રન કેસના બીજા દિવસે મુખ્ય આરોપી વિસ્મય શાહના પિતા ડો. અમિત શાહે એક નિવેદન આપ્યું હતું કે એ રાત્રે તેમનો પુત્ર વિસ્મય શાહ કાર નહોતો ચલાવી રહ્યો પરંતુ તેમનો ડ્રાઇવર સુધીર કાર ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેમણે આ જ પ્રકારનું નિવેદન પોલીસ સમક્ષ પણ કર્યું હતું. જો કે, આ વાતનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે પોલીસ સમક્ષ હાજર થઇ ગયેલા વિસ્મય શાહે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે કાર તે પોતે જ ચલાવી રહ્યો હતો. પોલીસે વિસ્મયનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતો બીએમડબલ્યું કાંડ?
જજીસ બંગલોથી માનસી રોડ તરફ જતા માર્ગ પર આ અકસ્માત નોંધાયો છે. રાત્રે ચાર મિત્રો બે બાઇક પર જઇ રહ્યાં હતા. ત્યારે એક બેકાબુ બીએમડબલ્યુ કાર તેમની પાછળ આવી પહોંચી હતી અને બેમાંથી એક બાઇકને અડફેટે લીધી હતી. કારે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક કાબુ ગુમાવી બેઠો હતો અને તેઓ નીચે પડી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ બન્યા બાદ તુરત જ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં શિવન નામના યુવાનનું મોત નિપજ્યું હોવાનું હાજર ડોક્ટરે જણાવ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચી હોય સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ રાહુલ નામના એ યુવાનનું પણ ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હતું.












Click it and Unblock the Notifications
