
મોદીની ઉસ્થિતિમાં વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તા.૧૮ જૂને “ગુજરાત ગૌરવ અભિયાન”
પ્રધાનમંત્રી ફરી એક જ મહિનામાં બીજી વાર ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતને મળનાર ભેટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા રેલવે વિભાગ હસ્તકના ગુજરાતના રૂ.૧૬,૩૬૯ કરોડના વિવિધ ૧૮ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવનાર છે.
જેમાં પાલનપુર-માદર ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ તેમજ અમદાવાદ - બોટાદ પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. તે ઉપરાંત સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનના રીડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત તથા ગેજ કંવર્જેશન સહિતના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના ગરીબ અને મધ્યમ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડાપ્રધાન દ્વારા ૮૯૦૭ આવાસોના લાભો લાભાર્થીઓને આપવામાં આવશે.
જીતુ વાઘાણી કહ્યું હતું કે, આગામી તા.૧૭ અને ૧૮ જૂન-૨૦૨૨ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રવાસે આવનાર છે. વડાપ્રધાન તા.૧૭ મી જુને રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. તા.૧૮મી જૂન, શનિવારના રોજ સવારે ૯.૧૫ કલાકે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરીને ત્યાર બાદ ૧૧.૩૦ કલાકે વિરાસત વન(પાવાગઢ નજીક)ની મુલાકાત લેશે. વડાપ્રધાનશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧૨:૩૦ કલાકે "ગુજરાત ગૌરવ અભિયાન" કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન આ કાર્યક્રમમાં "પોષણ સુધા યોજના"નુ વિસ્તરણ કરશે તેની વિસ્તૃત માહિતી આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખૂબ મહત્વપૂર્ણ છે. આ અવસ્થા દરમિયાન માતાના ગર્ભમાં રહેલા શિશુને અને બાળકને સ્તનપાન કરાવવા માટે વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. માતાની આ જરૂરિયાતને પહોંચી વળવા રાજય સરકારે પ્રાયોગિક ધોરણે વર્ષ ૨૦૧૭-૧૮ માં "પોષણ સુધા યોજના" શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે.
આ સાથે આર્યન, કેલ્શિયમની ગોળી તથા આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવે છે. પ્રાયોગિક ધોરણે હાલ રાજ્યના આદિજાતી વિસ્તારમાં દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા એમ પાંચ જિલ્લાના ૧૦ ICDS ઘટકમાં સ્પોટ ફીડિંગ કાર્યક્રમ ચાલુ છે. આ યોજનાના સારા પરિણામો મળતા વર્ષ-૨૦૨૨-૨૩થી તેનો વ્યાપ વધારીને તમામ બાકી રહેલા આદિજાતિ વિસ્તાર જિલ્લાઓના આદિજાતિ ઘટકોમાં અમલીકરણ કરવામાં આવશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ યોજના માટે વર્ષ-૨૦૨૨-૨૩માં રૂ.૧૧૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત અંદાજીત સવા લાખ લાભાર્થીઓને દર મહિને આવરી લેવામાં આવશે. યોજનાના અસરકારક મોનીટરીંગ અને રિવ્યૂ માટે મોબાઈલ એપ્લીકેશન પણ બનાવવામાં આવી છે. આ યોજનાના અમલીકરણ થકી ઓછું વજન સાથે જન્મ લેનાર શિશુઓના દરમાં ઘટાડો થશે. તે ઉપરાંત માતા અને નવજાતના પોષણ સ્તરમાં સુધારો થશે તેમજ માતા અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થશે.