For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માયાબેન કોડનાનીને 2002 નરોડા પાટિયા કેસમાં જામીન મળ્યા

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 30જુલાઇ : ગુજરાતના પૂર્વ મંત્રી અને 2002ના રમખાણોમાં નરોડા પાટિયા કાંડના દોષિત ઠર્યા બાદ 28 વર્ષની જેલની સજા ભોગવી રહેલા માયાબેન કોડનાનીને આજે નિયમિત સ્વરૂપના જામીન મળી ગયા છે. આ જામીન તેમની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે.

આ પહેલા નવેમ્બર 2013માં તેમને ત્રણ મહિના માટે જામીન આપવામાં આવ્યા હતા અને અમદાવાદની જેલ છોડવા માટે મંજુરી આપવામાં આવી હતી. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

maya-kodnani

ફેબ્રુઆરી 2014માં તેમણે ગુજરાત હાઇકોર્ટમાં તેમના જામીન 6 મહિના માટે લંબાવવા માટે અરજી કરી હતી, જો કે તે નકારી કાઢવામાં આવી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે તેમને આંશિક રાહત આપતા એક સપ્તાહના જામીન આપ્યા હતા.

ત્યાર પછી કોડનાનીએ ફરી રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. કોડનાનીએ અરજીમાં એવી રજૂઆત કરી હતી કે તેમને અપરાધી ઠેરવવાના સ્પેશિયલ કોર્ટના ચુકાદાને પડકારતી તેમની અપીલનો ગુજરાત હાઈ કોર્ટમાં ડિસેંમ્બર-2012થી નિકાલ કરવામાં આવ્યો નથી. વળી, તેની સુનાવણી નજીકના ભવિષ્યમાં થવાની કોઈ સંભાવના પણ નથી તે જોતાં એમને રેગ્યૂલર જામીન પર છોડવા જોઈએ.

કોડનાનીએ વધુમાં એવી દલીલ કરી હતી કે નરોડા પાટિયા સ્પેશિયલ કોર્ટે ઘણા સાક્ષીઓની જુબાનીઓ પર જ આધાર રાખ્યો હતો જે કાયદાની જોગવાઈઓ અનુસાર યોગ્ય ન કહેવાય.

નોંધનીય છે કે વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો દરમિયાન ત્રણ દિવસમાં 1000 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના મુસ્લિમ હતા. આ રમખાણોની હચમચાવી મુકનારી ઘટનાઓ પૈકી એક નરોડા પાટિયા કાંડમાં 97 લોકોની કરપીણ હત્યા કરવામાં આવી હતી. સીટની વિશેષ અદાલતે નરોડા પાટિયા કાંડ કેસમાં ભાજપનાં મહિલા ધારાસભ્ય માયાબેન કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી તથા અન્ય 29 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.

વર્ષ 2007માં ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારમાં માયાબેન કોડનાનીને મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા હતા. માર્ચ 2009માં તેમની ધરપકડ બાદ તેમણે મંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું.

English summary
Former Gujarat minister Maya Kodnani jailed for 2002, riots granted bail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X