ગુજરાત માટે સારા સમાચાર, મુંબઇમાં વરસાદનું આગમન
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાઇ રહી હતી. ત્યારે આ વચ્ચે એક ખુશીના સમાચાર આવ્યા છેકે, મુંબઇમાં આજથી વિધિવત વરસાદનું આગમન થઇ ગયું છે, જેને લઇને ટૂંક સમયમાં ગુજરાતમાં પણ વિધિવત વરસાદ શરૂ થઇ જશે. મુંબઇના વરસાદી વાતાવરણના પગલે ગુજરાતના દક્ષિણ ભાગના કેટલાક શહેરો થતાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

ગુજરાત માટે સારા સમાચાર, મુંબઇમાં વરસાદનું આગમન
ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાઇ રહી હતી. ત્યારે આ વચ્ચે એક ખુશીના સમાચાર આવ્યા છેકે, મુંબઇમાં આજથી વિધિવત વરસાદનું આગમન થઇ ગયું છે, જેને લઇને ટૂંક સમયમાં ગુજરાતમાં પણ વિધિવત વરસાદ શરૂ થઇ જશે. મુંબઇના વરસાદી વાતાવરણના પગલે ગુજરાતના દક્ષિણ ભાગના કેટલાક શહેરો થતાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે, ગુજરાતમાં જે વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, તેમાં ડભોઇ, ચિખલી, વલસાડ અને જુનાગઢ જિલ્લો છે.

ગુજરાત હાઉસિંગનો એક મહિના બાદ થશે નવેસરથી ડ્રો
ગુજરાત હાઉસિંગ ડ્રો મામલે સરકારે જણાવ્યું છેકે એકાદ મહિના બાદ નવેસરથી મકાન માટે ડ્રો કરવામાં આવશે. આ ડ્રો ચારેય મનપામાં અલગ-અલગ રીતે કરવામાં આવશે. નોંધનીય છેકે, ડ્રો દરમિયાન ગેરરીતિ થઇ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં ઓન લાઇન અરજી કરનારાઓને જ મકાનનો ડ્રો લાગ્યો હતો, જ્યારે રુબરુ અરજી આપનારાઓને ડ્રો લાગ્યો નહોતો. જે બદલ સરકારે ડ્રો કરનારી કંપનીને ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવી છે અને સાત લાંખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

HCના કર્મચારીઓને મકાન ફાળવણીની સરકારની બાંયેધરી
HCના કર્મચારીઓને મકાન ફાળવણીના મામલે ખુલ્લી સરકારી જમીન તથા ક્લીયર પ્લાન રિપોર્ટ તરફથી સરકારને આદેશ આપવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકારે બાંયેધરી આપી છેકે, ઓગણજ એચસીના કર્મચારીઓને રહેણાક મકાન પૂરા પાડવામાં આવશે. ઓગણજ પાસે 412 કર્મચારીઓ માટે આવાસ બનાવવામાં આવશે.

સુરતમાં ફાયરિંગ સાથે લૂંટ, પોલીસે આદરી તપાસ
સુરતના મહિધરપુરા સ્થિત લાલ દરવાજા પાસે નાણા ધિરનાર વેપારી પર ચાર શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બાદમાં લૂંટ ચલાવવામાં આવી હોવાનો અહેવાલ છે, લૂંટ ચલાવીને લૂંટારાઓ ફરાર થઇ જતા શહેરમાં ફફડાટ ફેલાયો છે, બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે, ફાયરિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થનાર વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પતિએ દાગીના ગિરવે મુકતા પત્નીએ કરી આત્મહત્યા
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક વેપારીએ ધંધમાં પહોંચેલી ખોટને પૂરવા માટે પત્નીના દાગીના ગિરવે મુક્યા હતા, જેને લઇને નારાજ પત્નીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનો અહેવાલ છે. બનાવની જાણ થતાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી દીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.