ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન 2023નો ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડનો શુભારંભ
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે PDEU ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, દેશ-રાજ્યમાં પ્રશાસન, ઉદ્યોગો, ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં આવતી નાની-મોટી સમસ્યાઓ અને પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે વિદ્યાર્થી- યુવાનોની ભૂમિકા હંમેશા ખૂબ જ સરાહનીય રહી છે. મોટી સમસ્યાઓનું ટેકનોલોજીના માધ્યમથી સમાધાન શક્ય બને છે.
પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી - PDEU-ગાંધીનગર ખાતે આજે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે તેમજ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડૌરની પ્રેરક ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના ભાગરૂપે ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન 2023નો ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

મંત્રી ઋષિકેશ પટેલે ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, નવી નવી ટેકનોલોજીના ઉદ્ભવની સાથે તેમાં આવતી સમસ્યાઓના ઉકેલ પણ શક્ય બન્યા છે. ભારતના વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને નવીન સંશોધન ક્ષેત્રે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ડંકો વગાડી રહ્યા છે, તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નાના નાના સંશોધન થકી જ મોટી સમસ્યાઓનો હલ લાવવા આ પ્રકારની હેકાથોન વિદ્યાર્થીઓને નવું પ્લેટફોર્મ પૂરું પાડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સ્ટાર્ટઅપમાં હાલ ત્રીજા નંબર પર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ સ્ટાર્ટઅપને વધુને વધુ પ્રોત્સાહન આપવા અલગથી સ્ટાર્ટઅપ પોલીસી અમલી બનાવી છે. જેમાં રાજ્યમાં સંશોધન ક્ષેત્રે કામ કરતા વિદ્યાર્થીઓ- યુવાનોને માર્કેટિંગ, નવા આઈડિયાઝ, આર્થિક સહિત વિવિધ રીતે સહયોગ પણ કરવામાં આવે છે.
રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ ક્ષેત્રે કામ કરતા વિદ્યાર્થીઓને તમામ સહયોગ કરવા હંમેશા તત્પર છે. મંત્રીએ ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી ઉપસ્થિત વિદ્યાર્થીઓને હેકાથોનમાં ભાગ લેવા બદલ અભિનંદન આપ્યા હતા.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આગામી વર્ષ -2047 સુધીમાં વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે, જેમાં દેશના યુવાઓની ભૂમિકા- પ્રદાન ખૂબ જ મહત્વનું હશે. રાજ્યમાં યોજાયેલ હેકાથોનમાં ગુજરાત સહિત આઠ રાજ્યોના વિદ્યાર્થીઓની ટીમો ભાગ લઈ રહી છે, તે યુવાઓમાં સંશોધન અને સમસ્યાઓના ઉકેલની તત્પરતા દર્શાવે છે.
સ્ટાર્ટઅપ આર બેકબોન ઓફ ન્યુ ઇન્ડિયા પ્રસ્થાપિત થયું છે, ત્યારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસીનું અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.
નાની મોટી સમસ્યાઓનો ઉકેલ પણ સ્ટાર્ટ અપ- ટેકનોલોજીના માધ્યમથી રાજ્યમાં શક્ય બન્યો છે, તેમ જણાવી મંત્રીએ નવા વર્ષમાં નવા સંકલ્પ, નવી સિદ્ધિઓ સાથે આગળ વધવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપને વધુ પ્રોત્સાહન આપવા ભારતમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અમલમાં મૂકી છે. આ પોલિસી થકી વિદ્યાર્થીઓ- યુવાનો આજે નવા સાહસ - સંશોધન કરી ગુજરાત અને દેશનું નામ દુનિયામાં આગળ વધારી રહ્યાં છે. આજની યુવા પેઢી ઇનોવેશન થકી તેમની સમસ્યાનોનું સમાધાન મેળવી રહી છે. આપણું ગુજરાત અને ગુજરાતના યુવાનો નવા ઈનોવેશન અને સ્ટાર્ટઅપમાં ખૂબ આગળ વધી રહ્યા છે જેના પરિણામે ગુજરાત આજે સ્ટાર્ટઅપમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટ દેશના સ્ટાર્ટઅપને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે મહત્વની સાબિત થશે.
ઉચ્ચ શિક્ષણ કમિશનર બંછાનિધિ પાનીએ ન્યૂ ઇન્ડિયા વાઇબ્રન્ટ 2023ની વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા વિદ્યાર્થીઓ અને યુવાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેશે. બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાઓમાં મૌલિકતા તેમજ વિચારવાની શક્તિ વધુ હોવાથી સમસ્યાઓનો ઝડપી હકારાત્મક ઉકેલ લાવવા તે સક્ષમ હોય છે.
ગુજરાત અને રાજ્ય બહારના વિવિધ ક્ષેત્રો ડેસ ફેકલ્ટીમાંથી આવતા વિદ્યાર્થીઓની શક્તિનો ઉપયોગ કરવા ગુજરાત સરકારના વિવિધ 26 વિભાગ, કલેક્ટર કચેરીઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાંથી હેલ્થ, સુરક્ષા, ટિજિટલ ટેકનોલોજી, સ્માર્ટ એજ્યુકેશન, શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાંથી વિવિધ પ્રકારના 231 જેટલા પ્રશ્નો- સમસ્યાઓ મંગાવવામાં આવી હતી.
આ સમસ્યાઓનો હકારાત્મક અને વ્યવહારુ ઉકેલ કેવી રીતે લાવી શકાય તે માટે ન્યૂ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોનમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી આવેલા 1,000 વિદ્યાર્થીઓની 181 ટીમો ગ્રાન્ડ ફિનાલેમાં પસંદગી પામી છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા આપતાં પુરસ્કારોની રકમ પણ રૂપિયા 21 લાખથી વધારીને ડબલ એટલે કે 42 લાખ કરવામાં આવી છે.
કમિશનરે સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી કે, આ હેકાથોનમાં શાળાકક્ષા સહિત વિવિધ 181થી વધુ ટીમોમાં લગભગ 1,000 જેટલા વિજેતા વિદ્યાર્થીઓની વિવિધ ક્ષેત્રોમાં અંદાજે રૂપિયા 42 લાખની રકમના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ સુંદર મનોહરને હેકાથોન- 2023માં ભાગ લેનાર તમામને આવકારતાં જણાવ્યું હતું કે, ગુજરાત નોલેજ સોસાયટી અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP 2.0) હેઠળ હેકાથોનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
આ હેકાથોને દેશનું ભવિષ્ય એવા યુવાનો અને વિદ્યાર્થીઓને કંઈક નવું કરવાની પ્રેરણા આપી છે. તમામ યુવાનો નવા વિચારો સાથે આ હેકથોનમાં ભાગ લઈ રહ્યાં છે. જે નવા ભારતનું ભવિષ્ય ઘડવામાં મદદરૂપ થશે. તેમણે હેકાથોન 2023માં ભાગ લઈ ફાઈનલમાં પહોંચનારા તમામ 181 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત નોલેજ સોસાયટીના એડિશનલ સીઈઓ ડૉ. તુષાર રાવલે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષણ નિયામક પી.બી. પંડ્યા, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ઈજનેરી કોલેજના અધ્યાપકો તથા ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી હેકાથોનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
