
GSEB Board Exam 2021: 1 જુલાઇથી લેવાશે 12માં ધોરણની પરિક્ષા, ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ કરી જાહેરાત
ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મંગળવારે પુષ્ટિ કરી કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હાલની સિસ્ટમ મુજબ વર્ગ 12 ની પરીક્ષા લેવાશે. સામાન્ય પ્રવાહમાં 100 ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે,વિદ્યાર્થીઓને કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે એ માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે. કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે.
વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે એક વર્ગખંડમાં વધુમાં વધુ 20 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકશે. સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે એ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં 1,40,000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અને 5,43,000 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ 6,83,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે. ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ કહ્યું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય સાથોસાથ તેમનું ભવિષ્ય પણ ન બગડે તેની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવું સુચન આ બેઠકમાં કર્યુ હતું.