જીટીયુ ટેકફેસ્ટમાં 55 સ્પર્ધાઓમાં ચાર લાખના ઈનામો માટે 10 હજાર વિદ્યાર્થીઓ વચ્ચે મુકાબલો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

દેશના સૌથી મોટા ટેકનિકલ મહોત્સવ જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટનું યજમાનપદ આ વખતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ અને એલ.એમ. ફાર્મસી કૉલેજને સંયુક્તપણે ફાળવવામાં આવ્યું છે. જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટ આગામી 14, 15 અને 16 માર્ચના રોજ આ બંને કૉલેજોમાં યોજાશે. આ ટેકફેસ્ટમાં 55 સ્પર્ધાઓ યોજાશે.

GTU Techfest 2018

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)વાઇસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે પત્રકાર-મિલનમાં આ માહિતી આપતા કહ્યું હતું કે આ વર્ષે યોજાનારા સેન્ટ્રલ ટેકફેસ્ટમાં 40 ટેકનીકલ સ્પર્ધાઓ અને 15 નોન-ટેકનીકલ સ્પર્ધાઓ યોજાશે. મુખ્ય આકર્ષણોમાં રોબોટીક્સ સ્પર્ધા, ચેમ્પિયનશીપ, વર્કશોપ, તજજ્ઞો સાથે ચર્ચા, કવીઝ, વિશ્વયંત્ર જેવી વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને તેઓની પ્રતિભા દર્શાવવા અને કૌશલ્યો વિકસાવવા માટે વિપુલ તકો ઊભી કરવાનું અમારૂં લક્ષ્ય છે. વિદ્યાર્થીઓમાં છુપાયેલી સર્જનાત્મક શક્તિને ખિલવીને વિશ્વ સમક્ષ દર્શાવવી એ જ શૈક્ષણિક સંસ્થાની ખરી ભૂમિકા છે. વર્ષ 2018ના ટેકફેસ્ટનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા અને સ્પર્ધાત્મકતાને રાજ્યસ્તરીય મંચ પૂરૂં પાડવાનો છે.

અગાઉ દરેક ઝોનમાં એક-એક કૉલેજને યજમાનપદ અપાતું હતું, પણ આ વખતે એકથી વધારે કૉલેજોને બ્રાન્ચદીઠ યજમાનપદ ફાળવવામાં આવ્યું છે. ગુજરાતભરના વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રમાણમાં તેમાં ભાગ લેતા થાય તેના માટે આ વખતે પહેલીવાર દસ કૉલેજોમાં ઝોનલ ટેકફેસ્ટ યોજાઈ રહ્યા છે. ચાલુ વર્ષથી પ્રથમવાર મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ઝોનલ ટેકફેસ્ટમાં આ વખતે કુલ 37 સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. ઝોનલ અને સેન્ટ્રલ ટેકફેસ્ટ માટેનું ભંડોળ પણ વધારીને રૂ. 60 લાખ કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ ટેકફેસ્ટની મુખ્ય થીમ હેરિ-ટેક છે. હેરિટેજ અને ટેકનોલોજી એ બે શબ્દોના સમન્વયથી બનેલા શબ્દ હેરિ-ટેક થીમનો હેતુ આપણાં સમૃદ્ધ વારસાના જતન કરતા કરતા ટૅકનોલોજીની અજાયબીઓ વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે. તેના માટે આગામી 11મી માર્ચના રોજ મેરેથોન આયોજિત કરવામાં આવી છે. જેમાં 3000થી વધુ લોકો 7 કિમીની દોડમાં ભાગ લેશે. આ મેરેથોન યોજવા પાછળનો મુખ્ય હેતુ પર્યાવરણ અને આપણાં ભવ્ય વારસા (હેરિટેજ) વિશે જનજાગૃતિ ફેલાવવાનો છે. પાણી બચાઓ, પર્યાવરણના જતન માટે વધુ વૃક્ષો વાવો જેવા સૂત્રો સાથે વિદ્યાર્થીઓ મેરેથોનમાં ભાગ લેશે.

સેન્ટ્રલ ટેકફેસ્ટમાં રાજ્યભરની કૉલેજોના આશરે દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ સીધા સહભાગી બનશે, જ્યારે તેઓનો ઉત્સાહ વધારવા આવનારા લોકોની સંખ્યા 24 હજારથી વધુ રહેવાનો અંદાજ છે. વિવિધ સ્પર્ધાઓ માટે કુલ રૂ. ચાર લાખના ઈનામો રાખવામાં આવ્યા છે. આ ટેકનિકલ કાર્નિવલમાં કોમ્પમેનિયા અંતર્ગત કોડીંગ કૌશલ્યોને લગતી સ્પર્ધા કોડસૉ, સી લેંગ્વેજ આધારિત ક્વિઝ અને સી શેડ્યુલ ડિબગીંગ આધારિત ક્રિપ્ટોહન્ટ સ્પર્ધાઓ યોજવામાં આવશે. તે ઉપરાંત કૉમ્પ્યુટર એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટેની કોડલેસ, રિલે કોડીંગ અને વેબવીવર તેમજ ફોટો ફેસઑફ્ફ અને રિઈન્વેન્ટ જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.

મેકાસેયીન્સ (મિકેનિકલ એન્જી. ના વિદ્યાર્થીઓ માટેના વિભાગ) અંતર્ગત હાઈડ્રોલિક આર્મ, કેડ-ઈસ્ટિક, મેકા ટ્રેઝર હન્ટ, ફોલઈન ડોમિનોઝ, ઓટોપ્સી અને જંકયાર્ડ જેવી સ્પર્ધાઓને સામેલ કરવામાં આવી છે. ઈલેકટ્રોનિક ફિએસ્ટામાં ઈલેકટ્રિક - ઓ - બઝ, ગેટ-ઓ-તરકા, ડિકોડ-રિકોડ-એન્કોડ, થિંક બિગ, સર્કિટ ચક્રવ્યૂહ, વેસ્ટ ટુ શ્રેષ્ઠ, સૌરઊર્જાનો ઉપયોગ કરી પર્યાવરણનું જતન કરો તેમજ વિટ્રીસિટી જેવી અનેકવિધ સ્પર્ધાઓ યોજવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સિવીલ અને કેમિકલ એન્જીનિયરીંગની વિવિધ સ્પર્ધાઓ તથા મેનેજમેન્ટને લગતી સ્પર્ધાઓમાં મોક ઈન્ટરવ્યુ, ટેકનિકલ સ્ક્વેર મેનિયા, એન્ટરપ્રિનીયોર ડેક, કોર્પો ક્વિઝ, મેડ એડ, કેશ ફ્લો અને ગ્રામ ઉદય જેવી અનોખી સ્પર્ધાઓનો આ વખતે ઉમેરો કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ ઑલ ટેરેઈન વ્હીકલ (એટીવી) અને રોબોટીક્સ પણ આકર્ષણરૂપ બની રહેશે. તે ઉપરાંત એન્ટ્રેસમ અંતર્ગત લાઈવ ઓક્શન(લિલામ), બિઝ ક્વિઝ, વિશ્વહેક, ક્રાઉડ પીચ અને સ્ટાર્ટ અપ સ્ટ્રીટ તેમજ મિનીટ્સ ટુ મિલીયોનર જેવી સ્પર્ધાઓ મુખ્ય છે. નોન-ટેકનિકલ સ્પર્ધાઓમાં ફન કોમ્પીટીશન્સ જેવી કે વોટર વોર, હ્યુમન કેટરપીલર, વન મિનીટ, સેલ્ફીહોલિક, પેઈન્ટ ઈટ આઉટ અને ડિસ્ટ્રેક્શન જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી છે. અન્ય નોન-ટેકનિકલ સ્પર્ધાઓમાં એડવેન્ચર, સ્પોર્ટસ, ગેમ્સ અને ઈંગ્લિશ સામેલ છે.

English summary
GTU Techfest 2018: 10000 student participate

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.