
Gujarat Assembly Election 2022 : ઓવૈસી પર ટિપ્પણી કરતા ઇમરાનની સભામાં મચ્યો હોબાળો
Gujarat Assembly Election 2022 : ગુજરાતના સંવેદનશીલ મતદાન વિસ્તાર ગોધરામાં બુધવારના રોજ કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીની સભા યોજાઇ હતી. આ સભામાં ઇમરાને અસદદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી AIMIM મૂદ્દે ટિપ્પણી કરતા હોબાળો સર્જાયો હતો. આ સભામાં કોંગ્રેસ અને AIMIM ના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ ઇમરાનને તેમના નેતાઓ મહામહેનતે સરક્ષિત બહાર કાઢ્યા હતા.
ગોધરા ગુજરાતની હોટ સીટ છે. જ્યાં મુસ્લિમ મતદારો મોટી સંખ્યામાં છે. આ સીટ પર ઓવૈસીની પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો છે. ઈમરાન પ્રતાપગઢીએ બેઠકમાં AIMIMનો ઉલ્લેખ કરતા જ હોબાળો શરૂ થઈ ગયો હતો. સ્થિતિ એવી બની કે, ઈમરાનને સભા છોડીને જવું પડ્યું હતું. કોંગ્રેસ અને ઓવૈસી સમર્થકો વચ્ચે આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી.
બુધવારના રોજ ગોધરામાં યોજાયેલી ઈમરાન પ્રતાપગઢીની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કોંગ્રેસના સાંસદે ભાષણ દરમિયાન ઓવૈસી પર નિશાન સાધતા જ હોબાળો મચી ગયો હતો. ઓવૈસીના સમર્થકોએ ઈમરાનને ઘેરી લીધો હતો. બંને નેતાઓના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. અન્ય નેતાઓ અને પોલીસ દ્વારા પરિસ્થિતિને સંભાળવામાં આવી હતી અને સાંસદ પ્રતાપગઢીને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ઇમરાન પ્રતાપગઢી ઉત્તર પ્રદેશના છે, પરંતુ પાર્ટીએ તેમને મહારાષ્ટ્રથી ઉપલા ગૃહમાં મોકલ્યા છે. તેઓ કોંગ્રેસના મોટા મુસ્લિમ નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેઓ ઉર્દૂ અને હિન્દીના કવિ છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં, તેમણે ઉત્તર પ્રદેશની મુરાદાબાદ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી, પરંતુ તેમનો પરાજય થયો હતો. આ પછી કોંગ્રેસે તેમને મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં મોકલ્યા છે.
ભાજપે ફરી ધારાસભ્ય રાઉલજીને મેદાનમાં ઉતાર્યા
ભાજપે વર્તમાન ધારાસભ્ય સી. કે. રાઉલજીને ફરી ટિકિટ આપી છે. તેમનો સામે કોંગ્રેસના સ્મિતાબેન ચૌહાણ અને AAPના રાજેશ પટેલ અને AIMIMના મુફ્તી હસર ચૂંટણી મેદાને છે. તેથી આ વખતે ચાર ખૂણાવાળી હરીફાઈ છે. જોકે, જો મુસ્લિમ મતો અહીં અન્ય ત્રણ વિપક્ષી પાર્ટીઓમાં વહેંચાય તો રાઉલજીની જીત નિશ્ચિત છે.
રાઉલજીએ બિલકિસ બાનુ કેસમાં દોષિતોની મુક્તિને સમર્થન આપ્યું હતું
ભાજપના ધારાસભ્ય રાઉલજીએ તાજેતરમાં જ બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં દોષિતોને છોડાવવાનું સમર્થન કર્યું હતું. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, બિલકિસની ઘટનામાં જે લોકો મુક્ત થયા છે, તે તમામ બ્રાહ્મણ જાતિના છે અને સંસ્કારી છે. અધિકારીઓને દોષિતોનું વર્તન સંતોષકારક લાગ્યું હતું. વાસ્તવમાં રાઉલજી ગુજરાત સરકાર દ્વારા રચાયેલી તપાસ સમિતિનો ભાગ હતા, જેમણે આ કેસના દોષિતોને મુક્ત કરવાની ભલામણ કરી હતી.