
Gujarat Assembly Election 2022 : ફરજ આડે નથી આવતી ઉંમર, વૃદ્ધ દંપતિએ કર્યું મતદાન, સર્જાયા ભાવાત્મક દ્રશ્ય
Gujarat Assembly Election 2022: ગુજરાતની ચૂંટણીમાં મતદાનનો ઉત્સાહ છાપરે ચડીને પોંકારી રહ્યો છે. આજે ગુજરાતમાં પ્રથમ ચરણમાં મતદાન થઇ રહ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓથી લઇને સેલિબ્રિટી તેમજ સામાન્ય લોકો પણ મતદાનના પર્વમાં મતદાન કરીને લઈ રહ્યા છે. આ વચ્ચે સુરેન્દ્રનગરમાં સંસ્કૃતિ કોલેજ મતદાન મથકે ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા.
સુરેન્દ્રનગરમાં સંસ્કૃતિ કોલેજ મતદાન મથકે મતદાન કરવા કાંતિભાઇ દેવજીભાઇ પરમાર અને કસ્તુરીબેન કાંતિભાઇ પરમાર નામનું વૃદ્ધ દંપતિ પહોંચ્યું હતું. તેઓને એક સમાજિક કાર્યકર ઘરેથી રીક્ષામાં બેસાડી મતદાન કરવા માટે લાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કાંતિભાઇની ઉંમર 90 વર્ષ છે અને પગમાં ફેક્રચર હોવાના કારણે ચાલવામાં તકલીફ પડે છે, પણ દેશ માટે તકલીફ વેઠવા તૈયાર એવા કાંતિભાઇએ પત્ની સાથે મત આપ્યો હતો.
કાંતિભાઇને ચાલવામાં તકલીફ પડતી હોવાથી હાજર સુરક્ષા કર્મીઓ દ્વારા તેમને મદદ કરીને મતદાન મથકમાં મતદાન કરવામાં મદદ કરી હતી. કાંતિભાઇ અને તેમના પત્ની મતદાન કરવા અંગે લોકોને જણાવે છે કે, લોકોએ બહાના કરવા કરતા મતદાન કરવું જ જોઇએ. આ આપણો અને આપણા દેશનો સૌથી મોટો પર્વ છે, જેને વાદળી નિશાન લગાવીને ફરજિયાતપણે ઉજવવો જોઇએ.