'સંસદીય સત્રને કારણે રાહુલ કદાચ નવા વર્ષે બહાર નહીં જઇ શકે'

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાતની મુલાકાતે છે અને આ દરમિયાનમાં તેમણે પીએમ મોદી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર પણ અનેક પ્રહારો કર્યા છે. આ દરમિયાનમા તેમણે સંસદનું શિયાળુ સત્ર અને રાફેલ ડીલ અંગે પણ સવાલો કર્યા હતા. આ મામલે કેન્દ્રિય નાણાં મંત્રી અરુણ જેટલીએ અમદાવાદમાં પત્રકાર પરિષદ કરી સ્પષ્ટતા કરી હતી. તેમણે અહીં કહ્યું હતું કે, 'શિયાળુ સત્ર પાછળ ગયું એ અંગે અમને ખેદ છે, પરંતુ એવું નથી કે માત્ર આ વખતે જ આવું થયું છે. કોંગ્રેસના શાસનકાળમાં પણ ચૂંટણી સમયે સંસદ સત્રની તારીખો આગળ-પાછળ થઇ છે. આ વખતે સંસદ સત્ર 15 ડિસેમ્બરે રાખવું પડ્યું, તો કદાચ રાહુલ ગાંધીજી નવા વર્ષની ઉજવણી માટે નહીં જઇ શકે.'

arun jaitley

'કોંગ્રેસ અરાજકતા ફેલાવે છે'

'કોંગ્રેસ વારંવાર મુદ્દા બદલે છે, આ વખતના ચૂંટણી પ્રચાર દરમિયાન જ તેમણે અનેકવાર રંગ બદલ્યો છે. વિકાસના મજાક સાથે તેમણે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. ત્યાર બાદ તેમણે સમાજનું વિભાજન શરૂ કર્યું અને એને આધારે તેઓ ચૂંટણી જીતવા માંગે છે. આ કરતી વખતે એક રીતે કોંગ્રેસ પાર્ટીએ એવી તાકાતોનો આધાર લીધો છે, જે માત્ર રાજ્યમાં અરાજકતા ફેલાવી શકે છે. રાજ્ય આ પહેલા પણ આવા અરાજકતાના વાતાવરણમાંથી પસાર થઇ ચૂક્યું છે, હવે રાજ્ય ફરી એ દિશામાં જઇ મોટી કિંમત ચૂકવવા ઇચ્છુક નથી. સરકાર અને સ્ટેબિલિટી એક તરફ અને અરાજકતા એક તરફ. કોંગ્રેસની નીતિ તેમને અરાજકતાવાદી તત્વોના પ્રતિનિધિ બનાવે છે. આ કારણે જ નેતૃત્વ પોતાનો રસ્તો ભૂલી બેઠું છે અને પરિણામે તેમનું નેતૃત્વ તથ્યના આધારે નહીં, કાલ્પનિક વિષયોને આધારે ચાલે છે.'

'કોંગ્રેસ સત્યોનો ઉપયોગ ઓછો કરે છે'

'એવું કહેવું કે, રાજ્યમાં 17 હજાર શાળાઓ બંધ થઇ ગઇ, એ સફેદ જૂઠ છે. આ કાળમાં 17 હજાર શાળાઓ વધી છે. ઉદ્યોગપતિઓના 1 લાખ 33 કરોડ માફ કર્યા એમ કહે છે, એક ઉદાહરણ આપો જેમાં મોદી સરકારે કોઇ ઉદ્યોગપતિનો એક રૂપિયો માફ કર્યો હોય! મોટા નેતૃત્વ ખોટા તથ્યોનો ઉપયોગ કરે એ શોભા નથી આપતું, આ તેમની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ મૂકે છે. સત્યનો ઉપયોગ ઓછો કરવો એ કોંગ્રેસનો એક સ્વભાવ બન્યો છે. રાફેલ ડીલમાં સ્પષ્ટ થયું હતું કે, 10 વર્ષની યુપીએ ગવર્મેન્ટ નોન-પર્ફોમિંગ ગવર્મેન્ટ હતી. 10 વર્ષ સુધી નિર્ણય ન લઇ શક્યા એ લોકો. વાયુ સેનાની આક્રમક શક્તિ નબળી પડી રહી હતી અને સેનાની પ્રાથમિકતા હતી આ ડીલ. આ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ટ્રાન્ઝેક્શન હતું, જે થયાને અઢી વર્ષ થયા. આ દરમિયાન કોઇએ પ્રશ્ન ના કર્યો અને હવે ગુજરાત ચૂંટણી વખતે આ મુદ્દો ક્યાંથી યાદ આવ્યો? સ્પષ્ટ છે કે, આ તેમના ચૂંટણી પ્રચારનો જ ભાગ છે. દગાબાજીથી ચૂંટણી નથી લડી શકાતી.'

જીએસટી અંગે પણ આપ્યો જવાબ

'થોડા દિવસ પહેલાં તેમણે અનામતની જે ફોર્મ્યૂલા બનાવી, એ ના તો બંધારણીય રીતે કે ના તો કાયદાકીય રીતે શક્ય છે. જે વાયદાઓ પૂરા કરવા અશક્ય છે, એવો વાયદો કરનાર અને વાયદો સ્વીકારનાર બંને છેતરપિંડી કરી રહ્યાં છે. જીએસટી અંગે કોંગ્રેસની મલ્ટિપલ પોઝિશન્સ છે. જીએસટી લાવવામાં કોંગ્રેસ પોતે નિષ્ફળ રહ્યું, પછી એ લોકો સંસદમાં વિરોધ કરતા રહ્યાં અને અંતે સમર્થન કર્યું. કોંગ્રેસના પાંચ મંત્રીઓ દરેક નિર્ણયમાં ભાગીદાર છે. સંસદમાં દરેક વાતમાં હામી ભરવી અને બહાર અલગ નિવેદનબાજી કરવી, એ હવે કોંગ્રેસની એક નવી નીતિ બની ગઇ છે. જીએસટી વર્ષોથી અમલમાં કરવા અંગે વિચારણા ચાલી રહી હતી અને આખરે મોદી સરકાર તેમાં સફળ થઇ છે. દેશના વ્યાપક હિતમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. એમાં અનેક સુધારા-વધારા આટલા મહિનાઓમાં થયા છે અને આ પ્રક્રિયા આગળ પણ ચાલતી રહેશે.'

English summary
Gujarat Election 2017: Finance Minister Arun Jaitley addresses press conference at Ahmedabad on Saturday, takes a dig at Rahul Gandhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.