ગુજરાત ચૂંટણી 2017: આ બેઠકો પર થઇ દિગ્ગજોની જીત

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરી સોમવારે સવારથી શરૂ થઇ હતી. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સત્તાધારી પક્ષ ભાજપને બરાબરીની ટક્કર આપી રહી છે. ભાજપના કેટલાક ગઢમાં કોંગ્રેસે પગપેંસારો કર્યો છે, તો કેટલીક બેઠકો પર ભાજપની પકડ યથાવત રહી છે. આ વખતની ગુજરાતની ચૂંટણી વિવિધ કારણોસર ખાસ છે અને માટે જ પરિણામો સૌની નજર છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના હાર-જીતની અસર લોકસભાની ચૂંટણી પર પણ થવાની શક્યતા છે.

વિજય રૂપાણી

વિજય રૂપાણી

રાજકોટ પશ્ચિમની બેઠક પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિજયી સાબિત થયા છે. તેમની સામે કોંગ્રેસના સશક્ત ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ચૂંટણી લડી રહ્યાં હતા. તેમણે ખાસ વિજય રૂપાણી સામે પડકાર ફેંકવા માટે રાજકોટ પશ્ચિમની બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. મતદાનના થોડા દિવસ પહેલાં જ રાજકોટમાં વિજય રૂપાણીના બંગલા બહાર કોંગ્રેસી કાર્યકર્તાઓએ હોબાળો પણ કર્યો હતો. આ કારણે આ બેઠક સતત ચર્ચામાં હતી. મત ગણતરીની શરૂઆતમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ઘણા આગળ હતા, પરંતુ 7 રાઉન્ડની ગણતરી બાદ વિજય રૂપાણી 22 હજાર મતથી આગળ હતા.

પોરબંદર

પોરબંદર

રાજકોટ ઉપરાંત પોરબંદરની બેઠક પર પણ સૌની નજર હતી. આ બેઠક પર ભાજપના બાબુ બોખરિયાની જીત થઇ છે અને કોંગ્રસના સ્વચ્છ છબિ ધરાવતા અર્જુન મોઢવાડિયાની હાર થઇ હતી. રાજકારણમાં આ બંને દિગ્ગજ નેતાઓ છે અને સવારે 11 સુધી બંને નેતાઓ વચ્ચે માત્ર 50 મતોનું અંતર હતું. આ બેઠક પર આખરે બાબુ બોખરિયાની જીત થઇ છે. અમદાવાદની વટવા બેઠક પર પણ ભાજપના પ્રદીપસિંહ જાડેજાની જીત થઇ છે અને કોંગ્રેસના બિપિનભાઇ પટેલની હાર થઇ હતી. આ ઘણી ચર્ચાસ્પદ બેઠક હતા અને કોંગ્રેસના બિપિન પટેલ આયાતી ઉમેદવાર તરીકેના ટેગને કારણે હાર્યા હોવાનું મનાઇ રહ્યું છે.

નીતિન પટેલ

નીતિન પટેલ

મહેસાણા બેઠકના પરિણામો ભાજપ માટે મોટી ખુશખબર સમાન છે. આ બેઠક પરથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો વિજાય થયો છે અને કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઇ પટેલની હાર થઇ છે. પાટીદાર અનામત આંદોલનનો હબ ગણાતી આ બેઠક પર ભાજપની જીત પાસ કન્વીનર હાર્દિક પટેલ અને કોંગ્રેસ માટે આંચકાજનક છે અને ભાજપ માટે રાહતના સમાચાર છે. પાટીદાર અનમાત આંદોલનને કારણે રાજ્યના રાજકારણમાં અનેક ઉથલ-પાથલ જોવા મળી છે અને ચૂંટણી પહેલાં પણ આ બાબતે અનેક વિવાદો સર્જાયા છે. એવામાં પાટીદારોએ અહીં ભાજપના પાટીદાર નેતા નીતિન પટેલને મત આપતાં પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.

જિજ્ઞેશ મેવાણી

જિજ્ઞેશ મેવાણી

અનેક રાહતના સમાચાર વચ્ચે વડગામ બેઠક પરથી દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની જીત ભાજપ માટે ચિંતાજનક છે. જીજ્ઞેશ મેવાણીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જીજ્ઞેશ મેવાણીને સમર્થન કરતાં કોંગ્રેસે આ બેઠક પરથી પોતાનો કોઇ ઉમેદવાર નહોતો ઊભો રાખ્યો અને તેમની આ રણનીતિ સફળ રહી છે. વડગામ બેઠક પરથી દલિત નેતા જીજ્ઞેશ મેવાણી જીતી ગયા છે.

ભાવનગરમાં પણ ભાજપે લહેરાવ્યો ભગવો

ભાવનગરમાં પણ ભાજપે લહેરાવ્યો ભગવો

ભાવનગર ગ્રામીણમાં ભાજપના પરષોત્તમ સોલંકીની જીત થઇ છે, તો ભાવનગર પશ્ચિમની બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની જીત થઇ છે. કોંગ્રેસના દીલિપસિંહ ગોહિલની હાર થઇ છે. ભાવનગરની આ બેઠક ખૂબ ચર્ચામાં રહી હતી, જીતુ વાઘાણીને જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારે પણ અનેત વિવાદ સર્જાયા હતા. જો કે, તમામ વિવાદો શમાવીને આ બેઠક પોતાને નામ કરવામાં ભાજપે સફળતા મેળવી છે.

અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર

ભાજપને બીજો ઝાટકો મળ્યો છે, અલ્પેશ ઠાકોરની જીતના રૂપમાં. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર અલ્પેશ ઠાકોરની જીત થઇ છે. આ બેઠક પર અલ્પેશ ઠાકોરને ટક્કર આપવા માટે ભાજપે પણ ઠાકોર કાર્ડ પ્લે કર્યું હતું અને લવિંગજી ઠાકોરને ટિકિટ આપી હતી. જો કે, ભાજપના રાજકીય સમીકરણો ઊંધા વળતાં અલ્પેશ ઠાકોરની જીત થઇ છે.

પરેશ ધાનાણી

પરેશ ધાનાણી

એક તરફ ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલ, તૃષાર ચૌધરી, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ જેવા દિગ્ગજ નેતાઓની હાર થઇ છે, ત્યારે બીજી બાજુ અમેરલીમાં કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ લાજ રાખી છે. તેમણે ભાજપના બાવકુ ઉધાંડને માત આપી છે. વર્ષ 2012માં પણ પરેશ ધાનાણી જ અહીંથી વિજેતા સાબિત થયા હતા. પરેશ ધાનાણી કોંગ્રેસના લોકપ્રિય પાટીદાર નેતા છે અને રાહુલ ગાંધીની સૌથી નજીક માનવામાં આવે છે. જો ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ હોત તો સંભવિત સીએમ દાવેદારમાં પરેશ ધાનાણીનું નામ પણ રેસમાં હતું.

English summary
gujarat election 2017 these leaders maintained victory

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.